63 - ધોધમાર / ધીરુ પરીખ


મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ !

આમ તો હું હોઉં ચાર દીવાલે બંધ;
આમ ઉઘાડી આંખ તો ય ઝાઝેરો અંધ;
જરા ઢાળું જ્યાં પોપચાં ત્યાં શૈશવની શેરીના
વ્હેતા તે રેલામાં કાગળની હોડીનો આવે છે સાદ !
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ !

પછી છબ્બછબાછબ્બ અને ધબ્બધબાધબ્બ,
પછી ઉઘાડી કાય ઢાંકે ફોરાં ગજ્જબ;
થપ્પથપાથપ્પ નાના પગના પંજા પે રચ્યા રેતીના
કૂબાથી ‘ભોગળ તોડીને ભાગ’ આવે છે નાદ !
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ !

હવે ઘરને આધાર રહ્યાં કોરાં કટ્ટાક મારાં ઉઘાડું
પોપચાં કે ભીતર ને બ્હાર બધે કેવો સંવાદ !
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ !


0 comments


Leave comment