64 - બાંધી / ધીરુ પરીખ


લટ એક એવી ઉલાળી કે શ્યામ
તમે એમાં લીધી છ મને બાંધી !

ઘરમાં આંગણમાં ને શેરીમાં ઘૂમતી હું
વૈશાખી ડમ્મરી સમાણી,
ઘરનાં ને શેરીનાં લોક એમ જાણે કે
હરખંતી ચાલ હું કમાણી !
કોને કહેવું કે હવે શ્યામતપ્યા
ઉર માંહી ઊઠી છે ભડભડતી આંધી !

જાળે કરોળિયાના જોડાયા તાર તેમ
હું આસપાસ છું ગૂંથાણી,
જાણું છું કે એક કોની વાગી કે
હવે જાળાની માયા ચૂંથાણી.
તાર તાર તૂટ્યા તે લાખ લાખ વાનાંએ
રહેશે ના કોઈ હવે સાંધી !
લટ એક એવી ઉલાળી કે શ્યામ
તમે એમાં લીધી છ મને બાંધી !


0 comments


Leave comment