65 - વાયુની અકળામણ / ધીરુ પરીખ


સાવ રે ખાલી ખમ હું વાયુ !
આમથી આવું તેમથી આવું
ફૂલને જરી અડતા જાવું
એટલામાં કૈં છલછલોછલ ગંધથી આયુ !
ખાલીપાની વાત મારી કોઈ બાગની ઓલી મેર
જાણે ના કેમ રે એને ક્હેવી ?
સાવ રે ખાલી ખમ હું વાયુ !

સાવ રે ખાલી ખમ હું વાયુ !
અહીંયાં આપું તહીં હું આપું
લગીરમાં જૈ અંતર વ્યાપુ
ગંધની રેલંછેલમાં જીવન થાય પરાયું !
ફૂલની કને લળતા જરી સીંચી ઝાઝી ગંધ
તે પાછી ફૂલને ય શી દેવી ?
સાવ રે ખાલી ખમ હું વાયુ !


0 comments


Leave comment