66 - પેટી ખોલું ને... / ધીરુ પરીખ


પેટી ખોલું ને પેલું પાનેતર આજ બળ્યું
એવું ચઢ્યું તે કૈં હેલે !

માયરાનાં ગીત બધાં એક સાથ ઊતરે
વાદળ અતીતનાં વિદારી,
સૂકી કરચલિયુંની નીક મહીં ઊભરે
જોબનનાં ધસમસતાં વારી;
પળ રે પ્હેલાંનાં શાં રાન મહીં ભમતાંને ભ્રમણાના ભમ્મરમાં ઠેલે !
પિટી ખોલું ને...

સરખી સહિયર સંગ અંતરને ખોલતાં
મૂરત રહી’તી શી ઝંખી !
વેલડામાં ઘૂંઘટાની આડશથી બોલતાં
નજરુંનાં ભોળાં બે પંખી !
પાન તે ખરેલ અહીં આયખાના વંન મહીં વાસંતી વાયરા ખેલે !
પેટી ખેલું ને...


0 comments


Leave comment