68 - રાતે જ્યારે / ધીરુ પરીખ


રાતે જ્યારે
ઊંઘ નથી આવતી ત્યારે
લખોટી પર ગબડતી ગબડતી
દોડી આવે છે મારી ભોળી ક્ષણો,
દોડી આવે છે એકડાના અણઘડ આકારો,
છૂટતી શાળાના દરવાજે દફતરોની વીંઝવીંઝામાંથી
ધૂળભર્યો ધસી આવું છું આ શયનખંડમાં,
મુગ્ધ હૈયાની અકળામણ ઊભરાય છે સ્વપ્નીલ આંખોમાં,
પાટુ મારીને પાણીમાંથી પાણી કાઢે એવી શક્તિનું
યૌવનિયું ગજવેલ ગાજે છે
મારાં ડઠ્ઠર અંગ અંગમાં અત્યારે...
સુખ, સમૃદ્ધિ, સ્વર્ગ બધું કેવું હાથવેંતમાં લાગે છે !
અને આખો ઓરડો ભરીને લહેરાય છે
પાછો એ જ સુખસાગર;
ઉપર મારી શય્યામાં ઉઘાડી આંખે શેષશાયીની જેમ તરું છું
અને બીજી જ ઘડીએ મરું છું
પાછી આંખ મીંચાઈ જતાં...
સ્મૃતિની અમરવેલ તો આવે છે વળગતી વળગતી
ને અળગાતી અળગાતી છે મારી ચાલ;
ભાઈ, હાલ તો એવા કે પ્રભાતે પોપચાં ખૂલતાં
છાતી ફુલાવું છું : છટ્, સ્મૃતિ વગર હું જીવી જઈશ !
અને પૂરો કરું છું એમ દહાડો.
ના, ના; પાર કરું છું વિસ્મૃતિનો ખાડો !
ફરી રાતે જ્યારે...
ત્યારે થાય છે :
સ્મૃતિની ક્ષણો એ જ આયુષ્યની ક્ષણો.


0 comments


Leave comment