11 - મોટો / ગુણવંત વ્યાસ


   છૂટાં-છવાયાં પામ ટ્રીની વચ્ચે ઊભેલા હાઈરાઈઝ બિલ્ડિંગના ચૌદમા માળના ડ્રોઈંગરૂમની વિશાળ બારીનો પડદો હટાવો એટલે સામે અફાટ સાગર લહેરાતો દેખાય. કહે છે, આ અરબી સમુદ્ર છે અને તે પ્રમાણમાં ઊંડો છે. દૂર દેખાતું મહાકાય જહાજ અહીંથી એક નાનું કાળું ટપકું જ લાગે. રોજ સાંજે પ્રકાશનાં છેલ્લાં કિરણોને આ બારીમાંથી ડ્રોઈંગરૂમમાં વેરી જતો સૂરજ અહીંથી તો ઝાંખો-પાંખો ને નિસ્તેજ જ જણાય. પણ હવે અંધારું થવા આવશે; આવો, આ તરફ એક નજર કરી લઈએ.

   પૂર્વ તરફ પથરાયેલું આ શહેર મુંબઈ છે. જોકે, અહીંથી એ થોડું દૂર છે પણ તોયે રોજ-બરોજ વધ્યે જતું મુંબઈ આ બિલ્ડીંગનેય એક દિવસ ગ્રસી જશે એ નક્કી. કહે છે, અહીંયા થોડાં વર્ષો પહેલાં આડેધડ ઊગેલાં વૃક્ષો વચ્ચે એકાંત વસતું હતું. આ બિલ્ડિંગ ઊભું થયા પછી, તેની હોડમાં ઊતરવા આજુબાજુ આકારાતી ઊંચી ઈમારતોની ભીડમાં એ થોડું વહેરાવા લાગ્યું છે. છતાં, બિલ્ડરોના દીર્ધદૃષ્ટિપૂર્વકના આયોજનથી પોશ ગણાવા લાગેલા આ વિસ્તારમાં તમે ફરતા હો તો લાગે જ નહીં કે તમે ભારતમાં છો ! લાંબા-પહોળા સ્વચ્છ રસ્તા, આયોજનબદ્ધ ઊગેલાં વૃક્ષો ને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આખો વિસ્તાર જ ભારત ભૂખંડથી જુદો પડેલો કોઈ ટુકડો લાગે. ઢળતી સાંજે ધરતી પર પથરાતા હેલોજન પ્રકાશના અજવાશમાં એ કેટલું શોભે છે ! આ જુઓ, ઉપરથી પસાર થતું વિમાન પણ અહીંથી કેટલું નીચું જણાય છે !... લાગે છે, ડ્રૉઇંગરૂમમાં અજવાળું પથરાયું. આવો, અંદર ફરીએ. મિ.ભટ્ટ આવી ગયા છે. બ્રિફકેશને ટીપોઈ પર મૂકી, ઍફિલ ટાવરના વૉલપેપરવાળી દિવાલને અડી ઊભેલા સોફામાં એ ફસડાઈ પડે છે. રસોડામાંથી મિસિસ ભટ્ટ ઊર્ફે મીના પાણીના ગ્લાસ સાથે પ્રવેશે છે ને વાર્તા આરંભાય છે.
- આજે કેમ વહેલા?
- મામા ઈઝ નો મૉર ! –
વૉટ ?
- યસ, હી પાસ્ટ અવૅ...!
- કેમ ? ક્યારે ?
- આજે જ. ટી.બી; લાસ્ટ સ્ટેજ પર, ડૉક્ટરે કહેલું, બીડી છોડી જ નહીં.
- ગિરીશનો ફોન હતો ?
- એસ.એમ.એસ.: પાપા ઈઝ નો મૉર વીથ અસ, નાવ..!
- બાને ફોન જોડ્યો ?
- દીપેશનો જ ફોન હતો.
- જવું પડશે ને ? - મીનાના ચહેરા પર ચિંતા જણાઈ.
- હાસ્તો. નહીં તો બાને ખોટું લાગશે !
- બાએ શું કીધું ?
- ભારપૂર્વક કહ્યું : આ વખતે તો બધાં કામ મેલી આવ્વું જ પડશે !
- બેન સાથે વાત થઈ ?
- ના !
- એ ક્યારે નીકળવાના છે, એ તો જાણી લેવું'તું !
- દીપેશે એને પણ ફોન કર્યો જ હશે ને ! એનો ફોન આવ્યો ? સામેથી ફોન કરવાની કોઈ જરૂર નથી.
- પણ આટલે દૂરથી નીકળતા હો તો ભાઈ-બેન સાથે જ નીકળો ને !
- એ જણાવશે કે પૂછશે તો જોઈશું. બાકી, એની અનુકૂળતાએ એ જઈ આવશે ને આપણી અનુકૂળતાએ આપણે !
   થોડી ક્ષણોના મૌન પછી સંવાદ આગળ ચાલે છે :
- દાહ ક્યારે દેવાનો છે ?
- સીંગાપુરથી ભાવુ લેન્ડિંગ કરે કે તરત.
- હાસ્તો, દીકરી બાપનું છેલ્લું મોઢું તો જુવે જ ને !
- આજે નીકળે છે. કાલે પહોંચી જશે.
- તમે શું વિચાર્યું ?
- અત્યારે તો શક્ય નથી !
- કેમ? ધારો તો...
- હા, પણ રજા આમ જ વપરાઈ જશે તો કેયૂરને વૅકેશનમાં...
- એક મિનિટ; મામા આજે જ અવસાન પામ્યા ને ?! – મીના આંગળાના વેઢા ગણતી અટકી ને હરખાતી હોય તેમ બોલી : લો, પાણીઢોળ રવિવારે જ છે ! ત્યારે જઈ શકો. સગા-વહાલા પણ બધા હોય ત્યારે. જુએ આપણને; આપણે પણ મળી શકીએ બધાને ! મામીને ને બાને ય સારું લાગે. ગિરીશને પણ થાય કે આવ્યા, કેવું ?
- જસ્ટ મિનિટ, કન્ફર્મ કરી લઉં !
   મિ. ભટ્ટે ફોન જોડ્યો. સામે છેડેથી ગિરીશનો રડમશ અવાજ સંભળાયો. શોધી-શોધીને આશ્વાસન આપ્યું. મામાના ઉમદાચરિત્રને આદરપૂર્વક સંભાર્યું. ડિસ્ટન્સનું દુઃખ ગાયું. બનતા તમામ પ્રયત્ને પહોંચવા કરે છે, પણ ન જ પહોંચી શકાય તો દા'ડાના દિવસે તો ચોક્કસ- કહી, તારીખ-વારની ચોકસાઈ સાથે ફોન મૂકે છે. આંખોમાં ચમક આવી છે. પારખું મીનાના ચહેરા પરની હળવાશ, સામેની તસ્વીરમાંના એવરેસ્ટની શીતળતા રેલાવતી, બેઠકખંડમાં ફરી વળે છે. મીનાને કહેવું નથી પડતું ને મિ.ભટ્ટ બાને ફોન જોડે છે. બાનો હજુ ય ગળગળો અવાજ ઘેરા આઘાતની ઓળખ કરાવતો રહે છે. મામાના જવાથી બા પૂરી ભાંગી પડી છે. પીયરનું આખરી ઠામ-ઠેકાણું જાણે ભુંસાઈ ગયું છે. નાના-નાનીનાં ગયાં પછી મામા પાસેથી મળતું માનું હેત બાને બળ પૂરું પાડતું પિયર સાથે જોડી રાખતું. આજે એ આધારે ય ગયો. બા જાણે એકલી પડી ગઈ. ‘આ વખતે તો આવ જ, મીનાને ય લેતો આવ. બેન સાથે આજે નીકળી જા.' - જેવા આગ્રહી શબ્દો વચ્ચે રુદનની માત્રા વધતી જતી હતી. વચ્ચે-વચ્ચે હોંકારા ભણતા મિ.ભટ્ટ પુત્ર અને ભાણેજના કર્તુત્વ અને ફરજને વારેઘડીએ નીભાવતાં બાને આશ્વસ્થ કરી રહ્યા હતા. મીનાનો ઈશારો ફોન મૂકવા વિશેનો હતો. પણ બા વાત અટકાવે ત્યારે ને ! અંતે વાત અટકી. ફોન મુકાયો. ચાર આંખોની ચતુરાઈ આયોજનના આકારો ઉપસાવવા લાગી. રવિવારની સવારની ફલાઈટ જ ઠીક રહેશે. આઠ વાગે તો ટચ થઈ જવાશે. સાંજની ફલાઈટમાં પાછાં. મિ.ભટ્ટે રિર્ટન બે ટિકિટ બુક કરાવી જ દીધી.
* * *
   ભૂતકાળ ઉકેલાવા લાગ્યો. કેટકેટલાં વેકેશનના એટએટલા દિવસો મોસાળમાં મામાને ત્યાં જીવેલા ! મામા ફ્રૂટના વેપારી. ઉનાળામાં કેરી ને શિયાળામાં સંતરાં; ખાવા હોય એટલાં ખાવ. કોઈ રોકટોક નહીં, કોઈ ડર- ડારો નહીં ! મોટી બેન તો ના'વામાંય સંતરાનો રસ લે. ડીલે લગાડે, માથે ઘસે ને સાચવી રાખેલી છાલોને આવે ત્યારે ઘરે લઈ આવે. સૂકવે, ખાંડે, દળે,ચાળે ને પાવડરને પાણીમાં પલાળી મોઢે ચોપડે. મામાના ગિરીશ હારે તો કેરી વેંચવા ય જવાનું. રાજકોટ ત્યારે કેટલું મોટું લાગતું ! ભૂલા પડવાનો ભય પણ ખરો ! આજે એરપોર્ટ પર ઊતરતાં જોયું તો કાગડા ઊડે ! રાજકોટ આમેય રંગીલુ શે'ર; ઊઠવામાં આળસું પણ રાતનું રાજા ! આજે પાછો રવિવાર ! ઘરવાળા પરવારે એ પહેલાં જ પહોંચી જવાશે. ટેક્સી કરી પહોંચ્યાં ત્યારે ધાર્યું જ નીકળ્યું. સફેદ મંડપ નીચે બે-ચાર આધેડ પુરુષો અને કર્મકાણ્ડની પૂર્વતૈયારી કરતા પંડિત સિવાય કોઈ ન જણાયું. તોયે યાંત્રિકતાથી પરંપરાગત હાથ જોડાઈ ગયા. જય શ્રીકૃષ્ણ થયું. વૃદ્ધો પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા. કોઈ પરિચિત અન્યના કાનમાં અમારો પરિચય કરાવતા લાગ્યા. પણ અમારાંથી એ બધા અપરિચિત જ બની રહ્યા. ખડકીમાં પ્રવેશ કરતાં જ સ્નાનાદિ કાર્યો માટે આગળ- પાછળ થતાં સ્ત્રી- પુરુષો ક્ષણાર્ધ અટકી, જોઈ, અપરિચિત લાગતાં ફરી સ્વકાર્યમાં જોડાયાં. ફળિયું વળોટી ઓસરીની કોરે પહોંચીએ ત્યાં જ દીપેશ મળ્યો. ‘મોટાભાઈ- ભાભી આવી ગ્યાં !’ કહેતો તે ભેટ્યો. દીપેશનો અવાજ ઓરડામાં પહોંચતાં જ રુદન આકારાવા લાગ્યું. થોડી ક્ષણોમાં તો ઓરડો છલકાવતું તે ઓસરી સુધી પહોંચી ગયું. મીનાનો અવાજ ભારે બન્યો. મામીને ભેટતી તે રડી પડી. મામીને મળતાં જ તે મોકળા મને છૂટી પડ્યાં. આંસુના રેલા દડ્યા. મારાથી યે ગળગળું થઈ જવાયું. રડવાના થોડા પ્રયત્નો કરી, મામીને હિંમત આપવા ગોઠવેલા શબ્દો બોલાવા લાગ્યા. મેલાંઘેલાં મામીના આલિંગનની ભીંસ એમના રુદનની સાથે વધતી જતી હતી. આંખનાં આંસુ ખભે પડતાં જાણે મામીનો ભાર ઊંચકી રહ્યાનું અનુભવ્યું. મામાનાં સકાર્યોની સુવાસ મામીના તૂટક શબ્દોમાં ફોરતી સૌને ભીંજવવા લાગી. થોડીવારે મામી શાંત થયાં. પકડ ઢીલી થઈ. મોકળાશ અનુભવતો હું આલિંગનથી મુક્ત થયો. બા બેઠી જ હતી. એ ય ભેટીને રડવા લાગી. બાર દિ’થી રડી-રડીને આંખો સૂઝી ગઈ હતી. ભાઈને ભૂલવો એટલું ક્યાં સહેલું હતું ! પણ તોયે મારા આવ્યાનો આનંદ અંદર ખાનેથી હરખના ઉદ્ગારો કાઢતો કહેતો હતો : ‘આવી ગ્યો, ભાઈ ! સારું કર્યું !’ મામી બાજુમાં બેઠેલી સ્ત્રીઓને કહી રહ્યાં હતાં : ‘કાશીબેનનો મોટો ભાણો, ગજાનંદ ! મુંબઈ છે. મરણ ટાણે નો પૂગી હક્યો, તે કારજમાં તો આવું જ છું – નું વચન આપેલું. કેમેય કરીને આજે મારતે ઘોડે આવી પૂગ્યો. એના મામાનો ખૂબ માનીતો. વાત-વાતમાં સલાહ લે, આપે. કેટલી યે વાર ફોન આવતો, તેડાવતો. આ વખતે ઈચ્છા કરેલી, પણ ત્યાં જ...' કહેતાં મામી ફરી રડવા લાગ્યાં. સ્ત્રીઓ સમજાવતી કહેવા લાગી : ‘તમે હવે નાહી લો, બાથરૂમ ખાલી થ્યું છે. મા'રાજ હમણાં જ અવાજ મારશે. ઊઠો, હાલો...' ને રડતાં મામીને ઉઠાડી, બાથરૂમ તરફ લઈ ગઈ. બેનને મળ્યો. બેન પણ બાર દિ’થ્યાં અહીં જ હતાં. આપણને આ બાર દિ' રેવું ન ફાવે. ટાઈમ પણ ક્યાં મળે ? ને અહીં ય ક્યાં કાઢવો ટાઈમ ! સવાર-સવારમાં અકળાવે એવી ગરમી એક પંખાથી હાંફે એવી નહોતી. બા બધાંની ઓળખ કરાવતી હતી. મોસાળનાં દૂર-દૂરનાં માસી, મામી ને એમની પુત્રીઓ- પુત્રવધૂઓ વચ્ચે અજાણ્યાં અમે સૌને જય શ્રીકૃષ્ણ કરતાં ચહેરા પર શોકનો ભાર જતાવતાં રહ્યાં. હું થોડીવારે ઊભો થઈ બહાર ગયો. ઓરડો પૂર્વની રીતે વર્તવા લાગ્યો.

   ગિરીશ મોટરસાયકલને સ્ટેન્ડ કરતો પાસે આવ્યો. મળ્યો. ખરીદીની થેલી પંડિતજીને આપી ચા મંગાવી. ખાટલે બેસતાં એણે એક આધેડને ઓળખ કરાવી : ‘કાશીફઈનો આ મોટો.’ ત્યાં આધેડ ઊચર્યા : ‘મને ઓળખે છે? હું તારો જટાશંકર મામો થાવ !' મેં આશ્ચર્યભાવે વંદન કર્યા તો કહે : ‘તારી માના મામાનો વચેટ.' થયું : મારે હજુ બે બીજા મામાનો પરિચય કરવાનો થશે જ !

   કીટલી ને વાટકા સાથે વાણંદ આવ્યો. ચાની ઈચ્છા જ ન થઈ. પણ મામાના આગ્રહે મોટું મન કરીને ચા પીવો પડ્યો. ગિરીશ આગંતુકોનો પરિચય કરાવતો, મારો ય પરિચય આપતો રહ્યો. એમાં ‘મોટો’ પર મુકાતો ભાર બપોર સુધીમાં તો મને કચડી નાખશે એવું લાગવા લાગ્યું. ફોનબુકમાંથી રાજકોટમાં જ રહેતા વ્યાપારી સંબંધોના એક પરિચીતને ફોન જોડી બેએક વાગે મળવાનો સંદેશ કહેવડાવી દીધો. એક લાંબો શ્વાસ લીધો. સૂરજ એની હાજરીની ફરજિયાત નોંધ લેવડાવતો હતો. રાજકોટનો તાપ આકરો લાગ્યો. મુંબઈ ગરમ ખરું, પણ ભેજને કારણે થોડું હુંફાળું લાગે. દરિયો મદદે આવે. ખારો, પણ આવા ટાણે રાહત આપે. ફલેટની બારીમાંથી દેખાતો અરબી આંખ સામે તરવરવા લાગ્યો.

   પૂજાનો સમય થયો હતો. મુંડન કરેલા માથે, સફેદ ધોતીમાં અજનબી લાગતો ગિરીશ પાસે આવતાં જ બોલ્યો, ‘મોટા, સોના છૂટા હશે ?' મેં પાકિટ ફંફોસ્યું. પાંચસો ને હજારની નોટો વચ્ચે એક જ સોની નોટ બતાવતાં બોલ્યો : ‘બધી જ મોટી નોટો છે !’

   ‘મારે તો દસ-દસની જોઈતી'તી, પૂંજામાં મેલવા.' કહેતાં તે આગળ વધ્યો. જટામામા પાસેથી એ મળી ગઈ.
   પૂજામંડપની એક તરફ બેઠેલી સ્ત્રીઓમાં આગવા વસ્ત્ર પરિધાનથી નોખી તરી આવતી મીના ને આ તરફ ખુરશી- ખાટલામાં ગોઠવાયેલા મોસાળપક્ષના પુરુષો વચ્ચે અજાણ્યાનો અહેસાસ કરતો, ટટ્ટાર બેઠેલો હું એકલતાનો અનુભવ કરતાં એક- બીજાંને તાકી રહ્યાં હતાં. મીના ઈશારાથી મને કશુંક બતાવવા માગતી હતી. એના ઈશારાને ઉકેલતાં મને ખ્યાલ આવ્યો કે મામીના આલિંગન ને આંસુથી ખરડાયેલા મારા સફેદ શર્ટના દાગ પ્રતિ એનો સંકેત હતો. હશે, ઘરે જઈને બદલી જ નાખવો છે ને ! વૉશિંગ મશીનમાં બધું ધોવાઈ જશે. મને એની ચિંતા નહોતી. ચિંતા હતી તો બાર કેમ વાગશે એની હતી, અજાણ્યાપણાના ભાવથી ભીંસાતી મીનાની હતી, મારી/મીના વિના ઘરે એકલા રહેલા કેયૂરની હતી.

   પૂજામાં ગિરીશને જરૂરી મદદ કરતો દીપેશ બધામાં ભળી ગયો હતો. તેની પત્ની અમી ઘરમાં અન્ય પુત્રવધૂઓ વચ્ચે કામમાં ગોઠવાઈ ગઈ હતી. મોટાં બેન બાના કાનમાં ધીરે ધીમે કશુંક રેડી રહ્યાં હતા. ને બા, માથું હલાવતી થોડી-થોડી વારે મારી સામે જોઈ લેતી હતી. જટામામાની સાદી બીડીનો ધુમાડો મંડપમાં ગોરંભાતો વાતાવરણને ધુંધળું બનાવી રહ્યો હતો ને એ ધુંધળાશને વીંધતી કંઈ કેટલીયે નજર વારંવાર મને તાકતી ભોંકાતી હતી. ખબર નહીં કે મને આ રીતે આમ જોવાનું કારણ શું હશે ? અકળ એવી એ નજરો વિશે અટકળ કરતો હું આગળ વિચારું ત્યાં જ જટામામા કોઈ સ્વજનને લઈને મારી નિકટ આવ્યા. એમના બીડીગંધી મોં-માંથી સ્વજનનો પરિચય ફૂટ્યો : ‘આપડા હાઢુભાઈનો છોકરો, મહેશ !’ ને મારો પરિચય આપતાં કહે : કાશીફૈનો મોટો, ગજાનંદ. મે વાત કરેલી ને; મુંબૈમાં મોટી જગ્યાએ છે !’ મહેશે ‘મા’દેવ’ કહીને હાથ મીલાવ્યા. ને ખુરશી ખેંચી લાવી, પાસે બેઠો. મામા કહે : ‘ગ્યા વરહે જ કૉલેજ પૂરી કરી. હાલ નોકરી શોધે છે. મુંબૈ તો મોટું છે. કોઈ જગ્યા હોય તો જોજે.’ ઔપચારિક પૂછપરછ કરી ત્યાં તો મહેશે બાયોડેટા સાથે ઉપાધિઓનું ફીંડલું જ મારા હાથમાં થોભાવી દીધું. મેં તે પર ઊડતી નજર કરી, મીનાને આપી દેવા જણાવ્યું. કોઈ બીજી ઓળખ નોકરીની શોધમાં નિકટ આવી પહોંચે એ પહેલાં હું ઊભો થયો. બહારનો તાપ બહાર નીકળવા દે એમ નહોતો. હું અંદર પ્રવેશ્યો. એક ખાલી રૂમની ઈઝીચેર પર, ફેન સ્ટાર્ટ કરી, બૉડીને રિલેક્સ કરવા લંબાવ્યું. થોડું સારું લાગ્યું. વહેલી સવારથી આરંભાયેલી યાત્રાના પહેલા પડાવ સમો આ આરામ આંખોને ઘેરતો ઊંઘમાં ક્યારે ખેંચી ગયો, ખ્યાલ જ ન રહ્યો; પણ બાના સ્પર્શે આંખો ખૂલી ત્યારે સાડા અગિયાર થઈ ચૂક્યા હતા. બા અને બેન રૂમમાં ખાસ કોઈ વાત કરવા જ આવ્યાં હશે, એમ માની હું સ્વસ્થ થયો. બાનો આગ્રહ, અહીં સુધી આવ્યો છે તો ઘરે આવવાનો ને બિમાર બાપુજીને જોઈ જવાનો હતો. પણ રજાની તો રામાયણ હતી. વળી, કપડાંય ક્યા બીજાં સાથે લીધાં હતાં. ઘરમાં બાપુજીનો લેંઘો બે કલાક પહેરી રાખે તો અમી કપડાં ધોઈને ઈસ્ત્રી પણ કરી દે - ત્યાં સુધીની શક્યતાઓ બાએ દર્શાવી હતી. બેને પણ સૂર પુરાવતાં ભૂતકાળ સંભાર્યો હતો : ‘નાનો હતો ત્યારે બાપુજીનાં ચશ્માં ને ખમીશ પે’રવાનો કેવો મોટો અભરખો હતો !’ બા હસી પડી : ‘અરે એના જોડાંમાં પગ ઘાલતો ને ; મોટો લાટસા’બ થવા નીકળ્યો હોય એમ !' મને એ દિવસો યાદ આવી ગયા. ટિકિટ ફાડી નાખી ગામડે દોડી જવાનું મન થઈ આવ્યું. પણ ભૂતકાળ વિવશ કરી દે ને નાનપણ વીંટળાઈ વળે એ પહેલાં હું માથું ખંખેરી વર્તમાનમાં પાછો આવી જાઉં છું. બેન પણ વર્તમાનમાં આવી ગયાં છે : ‘ભાઈને કામ બહુ, બા ! આ જુઓને, મુંબઈમાં છે તો ય મારે ત્યાં આવ્યાને આઠ મહિના થઈ ગયા. કામમાંથી ફુરસદ જ ન મળે એમાં ક્યાં જાય ?!’ આમાં વ્યંગ હતો કે વાસ્વત એ હું કળી ન શક્યો. પણ બાનો આગ્રહ મોળો પડ્યો એ ગમ્યું. બા વંશાવલિનો તાજો ઇતિહાસ સંભળાવ્યે જતી હતી ને હું પરિચિત- અલ્પપરિચિત– અપરિચિત કુટુંબીજનોનાં કલેશ- કજિયાને, ટાણાં- કટાંણાને, હરખ- શોકને સ્થિતપ્રજ્ઞની દશામાં સાંભળતો વારેવારે ઘડિયાળ જોતો હતો.

   બપોર થઈ ચૂકી હતી. બપોરાની તૈયારી થવા લાગી હતી. પીંડદાન બાદ વિધિ પૂરી થયે વાતાવરણ થોડું ભારે બનેલું; પણ જમણવારની દોડધામે ફરી તે હળવું બની ગયું હતું. છાશ પીવા આવવાની હાકલે બા ને બેન સળવળ્યાં. મને યે, ભાવે તે કટક- બટક કરી લેવા આગ્રહ કર્યો. પણ જમવાની મને ખાસ ઈચ્છા ન થઈ. છતાં, બાના આગ્રહે બહાર આવ્યો. પાંગતમાં પલાંઠીવાળી, પતરાળી દબાવી બેઠેલા મોસાળપક્ષ વચ્ચે ગોઠવાઈ જવા બાએ ઘણો આગ્રહ કર્યો, પણ મારાથી એ શક્ય જ ન બન્યું. સીમંત- દાડાનું ન ખાતો હોવાનું જણાવીને હું વાત ટાળતો જ રહ્યો. ગિરીશે ય આગ્રહ કર્યો. થાળી બનાવી આપવાના કે ખુરશી ખેંચી લાવવાના તેના આદરને પણ મેં નનૈયો જ ભણ્યો ને બા'રથી કશુંક મંગાવી આપવાના એના વિવેકને ય રોક્યો. મામી તો ગળગળા જ થઈ ગયાં. ફરી આવવાનું વચન આપીને તેમને માંડ શાંત પાડ્યાં. તોયે, વિકલ્પે, મીનાને પરાણે ખેંચી જઈને મામીએ સંતોષ માન્યો.
* * *
   મિ.ભટ્ટ ફરી આવવાની, ફોન કરવાની અને સ્વજનોને સેટ કરવાની વાતે સંમત થતા વિદાય લે છે. મામીથી ફરી બીજો ખભો ભીંજાય છે. બા બોલી શકતી નથી. જટામામા એમના ખરબચડા હાથની મજબૂત પકડ માંડ ઢીલી મૂકે છે. દીપેશ, અમી, બેન, ગિરીશ ને અન્ય ખડકી સુધી આવ્યાં છે. બધાથી વિદાય લેતા મિ.ભટ્ટને રિક્ષાના ધુમાડામાં પાછળ રહી ગયેલા સ્વજનો ધુંધળા જણાય છે.

   વ્યાવસાયિક મિત્રને મળી ઍરપોર્ટ પર પહોંચતા મિ.ભટ્ટ વિમાનની સીટ પર બેસતાં હાશકારો અનુભવે છે. મીનાને મિ.ભટ્ટના શર્ટમાંથી બીડીની ગંધ આવે છે. વિમાન ટેક-ઑફ થતું રન-વે છોડે છે. રાજકોટને નીચે છોડી ઉપર ઊઠતા વિમાનની બારીમાંથી રાજકોટ નાનું કે નાનું થતાં અંતે સાંજના ઝાંખા- ધુંધળા વાતાવરણમાં ગરક થવા લાગે છે. ક્યાંક-ક્યાંક ટમટમતા વીજળીના દીવામાંથી મામાના ઘરનો દીવો શોધવો અઘરો લાગતાં, મિ.ભટ્ટ નજર અંદર ફેરવી લે છે ને વિમાન મહાનગર મુંબઈની ભીડમાં ભૂલું પડવા રાજકોટને પાછળ મૂકતું આગળ ધસે છે. વિમાનના વેગમાં સેટ થતાં જ મિ.ભટ્ટ સેફટી બેલ્ટ ખોલી નાખી આળસ ખંખરે છે. એ સાથે ઘણું ખંખેરાય છે, પણ એ વિશે કોઈનું યે ધ્યાન નથી ને વાર્તા પૂરી થાય છે.
* * *


0 comments


Leave comment