15 - પ્રકરણ ૧૫ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


   તિલકે મનોમન નિર્ણય કર્યો: હવે પછીનાં બે વર્ષ સુધી હું એક પણ પુસ્તક વાંચીશ નહિ. ગ્રંથાલયની ફરજનાં સંદર્ભમાં પુસ્તકોની સભ્યોને આપઌએ કરવી પડે તેટલા પૂરતો જ તેને સ્પર્શ પણ કરવો; તે સિવાય પુસ્તકો, સામાયિકો, બધું જ વેગળું. અભ્યાસ પણ બે વર્ષ માટે તો બંધ જ. પછી જોયું જશે. કલમ પણ તેની નહિ ઊપડે- કવિતા, ડાયરી, વાર્તા, લેખ, કશું જ નહિ. માત્ર લાઈબ્રેરીનાં હિસાબ-કિતાબ, નોંધ કે કોઈને પત્ર લખવો પડે તો તે.

   આટલી સજા તો તેણે ભોગવવી જ રહી-હ્રદયના ઊંડાણમાંથી વિચાર આવ્યો અને તેને લાગ્યું: તેનાં રોમેરોમથી લોહીના ટશિયા ફૂટી રહ્યા હતા. તેણે હોઠ ભીંસ્યા. આ સજા તો ઓછામાં ઓછી છે. બીજા કોઈ પ્રકારની શિક્ષા તેને સૂઝી શકે તેમ નહોતી; કદાચ તેવી હિંમત પણ ન હતી.

   પુસ્તકોથી વેગળા થઈ જવાનો શાપપોતાને આપવાનાં નિર્ણય સુધી ફોંચતાં યે તે મરણતોલ થઈ ગયો હતો. તેને લાગ્યું: તેના જેવા માટે તો આનાથી આકરી સજા બીજી કોઈ નહિ હોઈ શકે. બે વર્ષ સુધી કશું જ વાંચવાનું નહિ? બે વર્ષ એટલે કેટલા બધા દિવસો-અને એના કલાકો, મિનિટો, ક્ષણો...!

   એ એક કપરો વનવાસ જ હશે. એક પ્રકારનો દેશવટો. અને ગ્રંથવટો જ કહી શકાય. બે વર્ષ! રહી રહીને એના હ્રદયમાં આ સમયખંડનો વિચાર ઊમટી આવતો હતો.
   એક પળ તો થયું:સમેટી લઉં આ સજાબજાના ખ્યાલને. સંકોરી લઉં આ નિર્ણય. કોઈ કશું જાણતું નહોતું- કશું જ; પણ પછી એ પળ વીતી ગઈ. પોતે તો બધું જ જાણતો હતો. - એટલે કે પોતાનો અંતરાત્મા. તે મિથ્યા થઈ શકે તેમ ન હતું. મૃત્યુ સિવાય બીજું કશું તેને નામશેષ કરવા સમર્થ ન હતું. મૃત્યુ જ તેણે ઈચ્છયું હોત. કદાચ તે વધારે સહ્ય બન્યું હોત. પછી પણ આ ગ્રંથવટાના વિચારોનો પિંડ બંધાયો. તે તો મૃત્યુ કરતાં યે અનેકગણો દુ:સહ હતો તેને માટે અને એટલે તેને જ અક્ષરશ:વળગી રહેવું જોઈએ. એમાં નિર્બલતા કે સમાધાન ન ચાલે. આ નિર્ણય કર્યા પછી તિલકે કંઈક હળવાશ અનુભવી. પોતે પોતાની જાતને સહેલાઈથી છટકી જવા દીધી ન હતી; થઈ શકે તેવી આકરામાં આકરી સજા તેને કરી હતી. એ વિચારે તેને રાહત આપી - ન આપી ત્યાં ફરીથી વેદના આષાઢી વાદળોની જેમ તેના અંત:સ્તલમઆં ફેલાઈ ગઈ. વેદના અને તરફડાટ એ જ તો તેનાં સાથી હતાં છેલ્લા થોડાક દિવસથી. બધું બહુ જ સંકુલ હતું. પ્રીછવા જતાં વધારે જટિલ બનતું જતું હતું. પોતે કશુંક પાપ કર્યું હતું એમ માનવા હજી યે તે તૈયાર ન હતો. ઊલટું ફુલફિલમેન્ટની, સાર્થકતાની કશીક સૂક્ષ્મ પણ તીવ્ર લાગણી તેણે અનુભવી હતી; તે ક્ષણે તો ખરી જ. તે પછી પણ, અને હજી યે એ લાગણી કાંઈ નિ:શેષ થઈ ન હતી. કદાચ વધારે સાચકલી બની હતી. હવે તેને પ્રતીતિ થવા લાગી હતી કે તેના જીવનની અંતિમ ક્ષણપર્યંત પણ એ લાગણી અકબંધ રહેશે. હા, એ ફુલફિલમેન્ટ જ હતું. કોઈકને પૂર્ણપણે પામવાનું સાર્થક્ય. એનાથી વધારે અદભૂત અને સુદંર બીજું કશું હોઈ ન શકે. તે માત્ર ઈચ્છાના આવેશની પરાકાષ્ઠા નહોતી; તે તો હતી જ. દેહધારાને હોય તેવી. તેના વિના તે શક્ય જ શી રીતે બન્યું હોત? શરીરની બાદબાકી કરવાનું તો અસંભવિત; પણ એ ક્ષણોમાં શરીર માત્ર માધ્યમ હતું - બલકે બે શરીરો. દ્વૈતમાંથી અદ્વૈતની અનુભૂતિ - અને અદ્વૈત હંમેશા સુક્ષ્મ હોય અને પ્રાંજલ પણ, તેવું બધું જ હતું તે પળોમાં - તેને વિશે તેને કશો સંદેહ રહ્યો ન હતો. માત્ર ઈચ્છા જ હોત તો સત્યાને તેની તરસ ભાંગવાની ક્ષણ અજય દ્વારા બહુ નિકટના ભવિષ્યમાં મળવાની હતી. એમાં અધિકાર અને નૈતિકતા બધું જ હશે.

   પોતાની વાત જુદી હતી - સાવ જુદી. ઈચ્છાના ભોગવટાનો તેને માટે કોઈ પ્રશ્ન નહોતો; એટલે કે શક્યતા ન હતી; નિકટવર્તી તો નહિ જ. કદાચ દૂરસ્થ પણ નહિ. કદાચ ક્યારેય નહિ. ધાર્યું હોત તો તે અતિશય હાથવગું હતું. માત્ર તેની પ્રકટ સંમતિની જ ઊણપ હતી. તો સત્યા માત્ર તેની પ્રિયતમાં જ નહિ, પત્ની બની હોત અને અજયને સ્થાને તે હોત - સુવાંગ અધિકારો સહિત. પણ એ વિકલ્પને તો તેણે પોતે જ વનવાસ આપી દીધો હતો સ્વેચ્છાએ, કંઈક સ્વસ્થતાથી, ઝાઝા તનાવ વગર અને એ જ નિર્ણય સાચો હતો. તેમાં પૂરી ન્યાયબુદ્ધિ હતી. પોતાના અંધકારભર્યા ભાવિથી સત્યાના ઉજાસને ખરડવાનો તેને શો હક્ક હતો?

  પણ જેને ટાળ્યું તે જે સ્વાંગ બદલીને પ્રત્યક્ષ થયું! સ્વપ્નેય જેની કલ્પના નહોતી કરી તેવું કશુંક. સાવ અણચિંતવ્યું. જોકે સત્યા ક્રમેક્રમે તેનું મનોગત પ્રકટ કરતી ગઈ હતી. સુગંધને તેણે રોકી ન હતી - પ્રસરવા દીધી હતી. માત્ર શબ્દોથી નહિ, શરીરનાં ઈંગિતોથી ફરકતાં ઈચ્છાનાં પતંગિયાંઓથી પણ. પોતે તેને પ્રારંભમાં નકારતો, ઠેલતો - લગભગ ઠુકરાવતો રહ્યો હતો, પણ પછી ધીમે ધીમે તેને આધીન થતો ગયો હતો અને છેલ્લે છેલ્લે તો સત્યાના અને તેના ઉમકળા વચ્ચે જાણે ઉત્કટતાની હોડ મંડાઈ હતી.

   અને છતાં એ બેસતી રાત્રિએ સત્યા ગ્રંથાલયના ભર્યાભર્યા એકાંતમાં અણધારી આવી ચઢી ન હોત તો જે બન્યું તે ન બન્યું હોત. બીજી રીતે તે બનવાનો અવકાશ જ ક્યાં હતો? સત્યા ત્યારે ત્યાં સહજપણે આવી હશે કે નિર્ધારપૂર્વક? કદાચ બંને રીતે. આવી હશે સહજપણે, પછી પરિસ્થિતિએ તેના હ્રદયમાં નિર્ધારનું પોત બાંધ્યું હશે. અને નિર્ધાર પણ કેવો! સાકાર થઈને જ રહ્યો! સત્યાએ ન કશું અપ્રકટ રાખ્યું, ન અંતરપટના બે’ક તાણાવાણાને ટકવા દીધા. તે અનાવૃત થઈ ગઈ - શરીરથી જ નહિ; અંતરની એકે-એક જવનિકાને તેણે પૂરેપૂરી હટાવી દીધી. એ સત્યા ન હતી, સૂર્યકન્યા હતી - સ્પષ્ટ, ખુલ્લી, તેજથી છલકાતી. અને તેણે તેને પણ તેવો જ કર્યો! એ કદાચ આ આખી યે ઘટનાની સર્વોત્કટ ક્ષણ હતી. તેણે જીવનમાં પહેલી જ વાર સૂર્યાનુભવ કર્યો! ગ્રંથાલયના અંધકાર વચ્ચેય તે જાણે તડકાનાં ટોળેટોળાંને શ્વસી રહ્યો હતો ત્યારે અંધકાર માત્ર ગ્રંથલાયનો જ નહોતો - પોતાના હોવાપણાની આદમિતાનો યે હતો, જે અ પળોમાં છંદાઈ ગયો હતો.

   ક્યાંથી અને શા માટે સર્જાઈ ગઈ હતી આ અ-પૂર્વ, વિરલ સૂર્યાનુભૂતિ?
   તેનું ઉદભવસ્થાન હતું સત્યાના અભિગમમાં. તેણે તેને સકળપણે માંગ્યો હતો - તે પામવાની ઈચ્છા કરી હતી. તેના અતીત, સાંપ્રત અને ભવિતવ્ય સહિત સમગ્રપણે, તેના અસ્તિત્વના પ્રત્યેક કોશ સાથે તેને મળવાની ઈચ્છા - ના, અભીપ્સા તેણે દર્શાવી હતી.

   પણ એ શું માત્ર તેના, તિલક નામના એક જણના અસ્તિત્વને પામવાનો ભાવ હતો? તિલકનું પોતીકું કશું હોવાપણું છે ખરું? તિલકનો અતીત કે તિલકનું અનાગત, એ શું માત્ર તિલકનાં છે? તિલક એકલપંડે તો એક તૂંટેલા શરીર, બે ફિક્કી આંખો, નિર્ધન ઘરમાં હિજરાતી ગરીબીનો પર્યાય છે. સત્યાને પ્રાણપણે ડુબાડી દે તેવું કોઈ દરિયાપણું તેની પાસે નહોતું - નથી. છતાં સત્યા આખેઆખી હેલ્લારાઈ ગઈ; સમુદ્ર તટે પશ્ચિમાકાશમાં ડૂબતા સૂરજની જેમ તેનામાં સમાઈ ગઈ.

   શા માટે?
   તિલકને સત્યાના શબ્દો સાંભરી આવ્યા, જે ત્યારથી અત્યાર સુધી તેના હ્રદયમાં હજારો વાર પડઘાયા હતા:
   ‘હું તારી શ્રેષ્ઠ પળોને પામવા ઈચ્છું છું...તારો પ્રેમ સોહામણો છે...આપણે તેને સફળ બનાવીએ...એક પળ ક્યારેય મોદી પડતી નથી...તિલક! તારા લોહીમાં સૈકાઓનો વારસો રહે છે...સદીઓની સંસ્કૃતિના કણોથી તારો પિંડ બંધાયેલો છે...હું અહીંથી સાવ જુદી જ દુનિયામાં જઈ રહી છું. ત્યાં તું નહિ હોય...તારી આ લાઈબ્રેરી નહિ હોય...તારા બાપુજીનું તપ નહિ હોય...તારા જેવી નિરપેક્ષતા નહિ હોય...આપણી માતીની સુગંધ નહિ હોય... ત્યાં તો હશે યાંત્ર્ક, કુત્રિમ દુનિયા...ત્યાં મારા પપ્પાજીનો નિ:સ્વાર્થ તાનપૂરો, અભિભાઈની ઉદાસ સિતાર અને તૂટેલા તરાપા જેવી આંખેથી યે વિદ્યાનો આખો દરિયો ખૂંદવાનાં તારાં બાથોડિયાં નહિ હોય... ભવિષ્યે હું કદાચ આનાથી યે વધારે દૂરની અને પરાયી દુનિયામાં ફેંકાઈ જાઉં-જ્યાં સંબંધો કાચની જેમ તડોતડ તૂટે છે - અને અંધ પતિ સાથે આખી જિંદગી ગાળતાં ભાગીરથીબા મળવાં જ્યાં દોહ્યલાં...હું કેકટસના જંગલમાં ભણી જઈ રહી છું. પણ ત્યાં પારિજાત ઉછેરવાનું મારું સ્વપ્ન...’

   તિલકને થયું: તે તો માત્ર એક માધ્યમ હતો - મનોષ્યજાતીની હયાતીના મૂળ સુધી, તેનાં સર્વ સંસ્કૃતિગત ચૈતન્યોના સ્ત્રોત સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટેના સત્યાના પ્રયત્નોનું. મનુસ્યના વ્યતીત, સાંપ્રત અને ભાવિને પોતાનામાં પ્રત્યક્ષ રૂપે સમાવી લેવાની તેની ભાવનાની તે તો માત્ર એક ટેકણ આકડી હતો. તેના દ્વારા સત્યાએ આ ગ્રંથાલયને, બાપુજીના નષ્ટ પુસ્તકસંચયના અવશેષોને, પોતે ભવિષ્યે જે પુસ્તકો વાંચશે, જે વિચારોનું સેવન કરશે, જે જીવનરીતિને અનુસરશે અને જે લક્ષ્યને બારણે ટકોરા મારી શકશે તે સર્વને પ્રતીકરૂપે પામી લેવાનું તાક્યું હતું.

   એક વ્યક્તિ, એક સ્ત્રી આટલા ઉત્કુટ ભાવકોશ સહિત, આવું સર્વાંગી આત્મસમર્પણ કરી શકે? હા, તેનો તે સાક્ષી હતો; માત્ર સાક્ષી નહિ, તે અનુભવનો સહભાગી હતો અને કદાચ એક હ્રદયસંપન્ન સ્ત્રી જ આત્મસમર્પણના આવા ચરમ ભાવબિન્દુ સુધી પહોંચી શકે, કારણ છેવટે તો સ્ત્રીનું લોહી સુક્ષ્મ પરમાણુઓથી રચાયેલું છે. પુરુષનું તેટલું ગજું નહિ. તેના લોહીના લયમાં ક્યાંકથી તો સ્થૂળતાનો સાદ પડઘાયા વિના રહે નહિ.

   પોતાનાથી પણ તેનો સાદ પડઘાવી દેવાયો નહોતો? બીજું કાંઈ નહિ તો પોતે તે કાનોકાન સાંભળ્યો નહોતો?
   તે જ તો તેનો ડંખ હતો અને બળબળતો ડામ હતો. તેમાંથી જ આ સજા ભોગવવાનો વિચાર જાગ્યો અને ઘૂંટાયો હતો.
   સત્યાએ શરીર પરના આવરણો સાથે તેની હયાતીનો બોધ અને તેની સાથેનાં અહમ, અપેક્ષા, સ્વાર્થ- બધાં વળગણો ઉતારી નાખ્યાં હતાં. તેણે સ્વંને તિલકના ૠત સાથે ઓગાળી દીધું હતું. ત્યારે પોતાની શી મન:સ્થિતિ હતી? વારંવાર રોકવા છતાં આ પ્રશ્ન તિલકનાં મનમાં શૂળની જેમ ફૂંટી નીકળતો હતો અને તેમાંથી તો તેને રૂંવેરૂંવે લોહીનાં ટશિયા બાઝ્યાં હતાં.

   સત્યા કાંઈ સૌંદર્યની મૂર્તિ નહોતી, પણ તે અકથ્ય રીતે સોહામણી હતી. તેની આંખોમાં તેનો સભર ભાવકોશ સતત છલકાતો હતો અને તેથી જ તેની મોહિનીને ઉવેખવાનું અશક્યવત હતું. અને છેલ્લે છેલ્લે તેણે તેના હ્રદયનું જે રૂપ તેની સકળ સમૃદ્ધિ સાથે ઉઘાડ્યું હતું તે તો અનિવર્ચનીય હતું. બાહ્ય અને અંતરના આ બેવડા વૈભવથી સત્યા પરમ કામ્ય લાગી શકે તેવી હતી.

   આ સત્યા, આવી સત્યા એ ક્ષણોમાં અંધાંધૂંધપણે નહિ, લોહીના નઘરોળ આવેગથી દોરાઈને નહિ, હ્રદયના સૂક્ષ્મ સંચલનથી, સમજપૂર્વક પ્રેરાઈને તેના પર શ્રાવણના આકાશની જેમ અનરાધાર વરસી પડી હતી અને આખેઆખી ઠલવાઈ ગઈ હતી - તેના પર, તિલક નામના એક અસ્તિત્વ પર, એક જીવતા-જાગતા માણસ પર, જે તિલક હતો તેથી જ સત્યા જેવી સત્યા તેના પર આ રીતે ઓળઘોળ થઈ ગઈ હતી - એ તિલક ભલે એક માધ્યમ હતો, પણ તે તિલક નામની સંજ્ઞા તો હતો જ અને તે દ્વારા તે પોતાના હોવાનો બોધ કરી શકતો હતો, એટલું જ નહિ, સત્યા પોતાની હયાતીનો સ્પન્દ પણ એ સમયે તિલક દ્વારા પામી શકી હતી. તિલકને નિ:શેષ કરવો, તેની નામશેષતા કલ્પવી, તેના પ્રત્યક્ષ અસ્તિત્વની બાદબાકી વિચારવી તે શક્ય જ ન હતું - કોઈ પણ પ્રકારે નહિ - ત્યારે તો નહિ જ.

   આ અંહકેન્દ્રી સભાનતા સાથે એ પળોમાં પોતે સત્યામઆં સમાઈ ગયો હતો, પણ તે પૂરેપૂરી એકરૂપતા, અશેષ ઓગળવાપણું હતાં? ના, પેલી સભાનતા રજેરજ ત્યાં હાજરાહજૂર હતી - ખોંખારા ખાતી હતી, કમ્મરે હાથ ટેકવી છાતી ફુલાવતી હતી. એ સભાનતાની અવગણના કરવાનું તેને માટે શક્ય જ ન હતું. તેનૉ દોમદોમ છત્રછાયા હેઠળ જ તે પળેપળની ગતિ-વિધિમાં સંડોવાતો રહ્યો. તેણે જ તેનામાં શારીરિક ઝનૂન પેદા કરી તેના લોઢ ઉછાળ્યા. એ સભાનતાએ જ પોતે સત્યાનું સર્વસ્વ છે, તેનો ખરો સ્વામી પણ છે તેવો ભાવ ઉપસાવ્યો. સત્યાના થનારા પતિ અજય કરતાં યે પોતે તેના પર અદકો અધિકાર ધરાવે છે તેવા ખ્યાલથી તેની નસો ફાટફાટ થઈ ગઈ. એ ક્ષણોમાં તે નિતાંત પુરુષ બની ગયો - લગભગ એક આદિમ પુરુષ. તેની બધી સંસ્કારિતા, સંવેદનપટુતા, સૌજન્ય, સર્વ કાંઈ તેટલા સમય પૂરતું નેપથ્યે સરકી ગયું. તેને અટકાવવું જોઈએ તેવો ખ્યાલ આવ્યો, તો તેને જાતે જ હતો - ન હતો કરી દીધો.

   અને પછી એક ક્ષણે સત્યા તેની પાસે, તેના બાહુઓની પકડમાં, તેની છાતીની ભીંસમઆં ન હતી. તે સાથે તેણે એકાએક અગાધ ખાલીપો અનુભવ્યો. જે સત્યા આગલી પળ સુધી તેની પાસે હતી, તેના સજ્જડ આશ્લેષમાં હતી તે હવે ન હતી - દ્રષ્ટિપટથી અને સ્પર્શની સૃષ્ટિથી દૂર સરી ગઈ હતી. તે વ્યાકુળ બની ગયો. સત્યાના અભાવનો અનુભવ પથ્થર જેટલો નક્કર બન્યો અને તેના મનમાં વિષાદ ઊભરાયો. સત્યાના શારીરિક સાન્નિધ્યે તેનામાં જગાડેલો અહંભાવ તેની ગેરહાજરી વર્તાતાં જ શીર્ણવિશીર્ણ થવા લાગ્યો. વિષાદની પળોમાં તેની વિચારશીલતા અને વિવેકબુદ્ધિ પાછાં ફરવાં લાગ્યાં. મરણિયા બનેલા અહમે તેના ચૈતન્ય પર જાણે કે એક જનોઈવઢ ઘા કરી લીધો. ઘડીભર તે શૂન્યવત થઈ ગયો. પછી કળ વળી, પણ જાતને ઓળખવામાં તેને ભારોભાર મુશ્કેલી પડવા લાગી. શું આ પોતે જ હતો? કે અન્ય કોઈ? આ ચહેરો તેનો હતો? આવો વિરૂપ? તેના આખા શરીરે તો કાળા, બરછટ વાળ અને હાથ-પગની આંગળીઓને છેડે લાંબા-તીણા નહોર અને મોઢાની બહાર બે અણિયાળા દાંત ઊગી નીકળ્યા હતા! તેના પ્રસ્વેદમાં ગંધ અને શ્વાસમાં બાફ વર્તાતાં હતાં. તેની ફિક્કી આંખોમાં કોઈક જુદી, અ-પૂર્વ ઝાંખપ ફેલાતી જતી હતી કે શું?

   ક્યાંથી વિસ્ફોટાઈ ઊઠ્યો આ અલગ, ભૂંડોભખ્ખ, આદિમ તિલક? જે નિગમશંકરનો પુત્ર અને ભાગીરથીબાની આંખોનું રતન હતો તે તિલક ક્યાં ગયો? સોળ વર્ષની ઉંમરથી અંધાપો વેંઢારી તેને જ્ઞાનના દીવાથી ઉજાસમાં ફેરવી નાખનાર નિગમશંકર જુવાનીમાં વર્ષોમાં પોતાની જુવાન, વિધવા સાવકી માની સાથે ઘરના એક જ છાપરા હેઠળ રહ્યા હતા અને એ નવી માએ ઘરડાખખ્ખ માણસ સાથે લગ્ન કરીને પોતાની જુવાની વેડફી દીધી હતી. અને નિગમશંકર અંધ હતા, પણ બીજી બધી રીતે સબળ, સોહામણા હતા. નવી મા અને નિગમશંકર વચ્ચે શેની સંભાવના નહિ સર્જાઈ હોય? અને છતાં બાપુજીએ વેદમંત્રો અને ઉપનિષદોનાં વચનો અને પછી ભાગીરથીબામાં આધાર શોધ્યો હતો. અને ભાગીરથીબાને નેત્રહીન પતિના પડછાયા બની રહેવામાં ગૌરવ અનુભવ્યું હતું છતાં કોઈક નિર્બળ ક્ષણોમાં જગન્નાથજીના મંદિરે ગોરધન શેઠની પાણીદાર આંખોનો પ્રભાવ ઝીલ્યો હતો અને પછી પશ્ચાતાપની કાંટાળી પીડાથી તેઓ ભીતરમાં પારવાર ઉઝરડાયાં હતાં. પોતે આવાં મા-બાપનો દીકરો! છતાં તે અહંની નાગચૂડમાં ભીંસાયો, માલિકીભાવની સભાનતાથી વકર્યો - અને તે એવી ક્ષણોમાં જ્યારે સત્યા પોતાની હયાતીના બોધપાત્રને છાંડીને, નિર્વ્યાજ સ્નેહ અને અશેષ સમર્પણનું શિલ્પ બનીને તેનામઆં ઓગળી ગઈ હતી! બાકી અધિકાર હતો સત્યાને ગુમાનમાં રાચવાનો - એના બહિરંતર સૌંદર્યભાવના સંદર્ભે, પણ જે તેણે છાંડ્યું તે પોતે ન છાંડી શક્યો અને મિથ્યાભિમાનમાં ગોથાં ખાતો એક નર્યો સામાન્ય પુરુષ બની રહ્યો!

   ક્યાંથી, શા માટે, શી રીતે સૌજન્ય, સમસંવેદન અને સમજદારીના તેના બહારના કોચલાને ભેદીને આ સરેરાશ માણસ, આ સપાટિયો મરદ ફૂટી નીકળ્યો તેનામાં? તેના રંગસૂત્રનો તે કેવો આડબીડ, થોરીલો ફાંટો?

   ભદ્રશંકર.
   તિલકને અવશપણે તેના દાદાનું નામ સાંભરી આવ્યું. કાતેય નજરે તો દીઠા નહોતા. તેના જન્મ પહેલાં જ આંખો મીંચી ગયાં હતા; પણ નાનપણથી નવીમા અને બાપુજીને મોઢે તેમને વિશે તે થોડું થોડું, કાનસૂરિયાં જેવું સાંભળતો આવ્યો હતો. અણસમજમાં યે તે એટલું પામી શક્યો હતો કે નવી મા અને બાપુજી જ્યારે પણ દાદની વાત કરતઆં હતાં ત્યારે તેમાં અણગમાના છાશિયાં વધારે વર્તાતાં. ઘરમાં ક્યાંય એમની છબી નહોતી. એક જૂની હતી તેનેય બાપુજીએ નવી માના મૃત્યુ પછી ફાડી નાખી હતી. તેમનાં શ્રાદ્ધ-સમચરી પણ બાપુજી જેવા આસ્થાળુ માણસ કરવા ખાતર કરતા હોય એમ લાગતું. તિલકની ઉંમર અને સમજણ વધ્યાં પછી ક્યારેક બાપુજી સ્પષ્ત શબ્દોમાં દાદાની વાતો કરતા હતા, પણ તેમાં તેઓ ક્યારેત તેમને માટે એક શબ્દ સારો ઉચારતા નહોતા. અઢારેક વર્ષની ઉંમરે તો તિલકે એકવાર બાપુજીને પૂછી લીધું હતું: ‘તમને દાદા તરફ ખૂબ તિરસ્કાર છે - શા માટે?’ તેનો આપ્રશ્ન સાંભળી પહેકલાં તો નિગમશંકર સહેજ ચોંકી ગયા હતા, પછી સ્વસ્થ થઈને કહ્યું હતું : ‘તારી વાત સાચી છે તિલક! મારા મા-બાપ કોઈ રીતે ગૌરવ લઈ શકાય તેવા માણસ ન હતા. તેઓ વધારે જીવ્યા હોત તો હું તેમની પાસે રહી જ ન શક્યો હોત. નર્યું વાસનાનું પૂતળું હતા! દુરાચારી! બાપ માટે આવા શબ્દો ઉચ્ચારતાં મારી જીભ કપાઈ જવી જોઈએ, પણ શું કરું? તે મને આવું બોલવા પરવશ કરે છે...’ પછી થોડું અટકી જઈ ઘેરો નિ:શ્વાસ નાખી તેમણે ઉમેર્યું હતું: ‘આટલી મોટી ઉંમરે અને આવા રોગગ્રસ્ત શરીરે તેમણે નવી મા સાથે લગ્ન કર્યાં તે તેમના અપરાધને ઈશ્વર માફ કરે તો યે હું નહિ કરી શકું દીકરા! નવી માનો ભવ બગાડવાનો તેમને શો અધિકાર હતો?’ બાપુજીના આ શબ્દ સાંભળીને તિલક અવાચક જેવો થઈ ગયો હતો. નિગમશંકરે કહ્યું હતું: ‘ભગવાને તેમને ઘટતી સજા તો કરી હતી, પણ તેથી નવી માને જે અન્યાય થયો તે ફોક થઈ શકે તેમ નહોતો. પાછલા દીવસોમાં તારા દાદાની આંખો સાવ ગઈ હતી અને શરીર રોગોથી ફદફદી ઊઠ્યું હતું. મારી આંખો શીતળાએ ન છીનવી હોત તો સૂરજ જેવી હતી. તારા દાદાની આંખોને વિષયના કીડાએ કોતરી ખાધી હતી. મારા અંધાપાનો તો મેં મારી રીતે ઈલાજ કર્યો. એમના અંધાપાનો કોઈ ઉપાય નહોતો. તારા દાદા...’ તિલકે જોયું હતું: બાપુજી તેમના પિતાનો ઉલ્લેખ ‘મારા બાપુ’ તરીકે નહિ, ‘તારા દાદા’ એ શબ્દોમાં કરતા હતા...!

   અને આંખો પોતાની પણ નબળી હતી - દસ વર્ષની ઉંમરે તો ચશ્માં! અર્થાત જન્મથી જ. વારસાગત? કોનો વારસો? કયો વારસો? બાપુજીનો? પણ એમનું અંધત્વ આકસ્મિક હતું. દાદાનો વારસો?

   તિલકને લાગ્યું’ તેની છાતીના સૌથી ઊંડા સ્તરે ઝેર પાયેલું એક તીર ખૂંચી ગયું હતું.
   કયો અંધાપો? આંખોની કઈ કચાશ? આ દ્રશ્યપદાર્થો જોવામઆં વ્યવધાન સર્જે છે તે? કે સત્યા સાથેના તાદત્મયની પળોમાં તેની સંવેદનશીલતા અને સુજનતા પર ઘેરો, મેલો ઓછાયો પાથરી ગઈ તે?

   બાવળની કાંટ્યમાં ઉઝરડાઈ જવાયું હોય તેવી વેદનાથી તિલક ઘેરાઈ ગયો. ચસોચસ દ્વિધા હતી તેના ભીતરમાં. સત્યાના સોંસરવા સાહચર્યનું પારાવાર સુખ ફૂલોના તરાપાની જેમ તેમાં હિલ્લોળાયા કરતું હતું તે સાથે સુખની અનુભૂતિના એ સમયખંડમાં પોતાના મન-હ્રદયે જે અહંનો ફૂંફાડો માર્યો હતો તેના લિસોટા અને સિત્કાર હજી જેમના તેમ હતા. ફૂલોના તરાપાને અહંનો દરિયો ડુબાદી ન દે તે જોવા તે વ્યાકુળ હતો. તે સાથે અહંના મોજાંનો અફળાટ દુ:સહ હતો. ઘડીભર તો લાગ્યું કે તેનો ફૂલનો તરાપો અદ્રશ્ય, સ્મરણોથી આગ્રહ્ય, પુનરાનુભવથી વંચિત થઈ નષ્ટ બની જશે અને રહેશે માત્ર હંની ખરબચળી સભાનતા. તે અસહ્ય હશે. સત્યાના મોંઘેરા, ઝાકળઝીણા, પુષ્પિત સાન્નિધ્યની પળોને એ રીતે રોળાઈ ન જાવા દેવાય. તે નહિ હોય તો કશું જ નહિ હોય. જીવન પોતે જ અર્થસૂન્ય બનશે. કઈ રીતે ઉગારવી એ સુરક્ષિત પળોને? અહંના ડંખની ધારને ખાંડી શી રીતે કરવી?

   જાતે જ કશી શિક્ષા ભોગવી હોય તો? તેનો વિચાર આવ્યો. તેને જાણે કશોક ઉજાસ સાંપડતો હતો. તેનું મન એકદમ ઉભડક થઈ ગયું. શી હોઈ શકે એ સજા?
   સાવ છેલ્લે પાટલે જઈને તેનું મન ચિત્કારી ઊઠ્યું: આત્મહત્યા?

   તરત નકાર જાગ્યો હ્રદયના ઊંડાણમાંથી. આત્મહત્યા એટલે તો એક તીવ્ર અનુભવ પછીના બીજા અનુભવોની શક્યતાનો લોપ. તો? સત્યાને વીસરી જવાના પ્રયત્નો કરબા? અશક્ય. જિંદગીમાં ક્યારેય અન્ય સ્ત્રી સાથેના માનસિક, શારીરિક બંને પ્રકારના સંબંધથી વેગળા રહેવું? હા, પણ એ સજા નહોતી. એ તો તેનું નિર્માણ જ હતું. સત્યા સામે ચાલીને આવી ન હોત તો આટલો સંબંધ પણ ન બંધાયો હોત.

   તેણે કશુંક છોડી દેવું જોઈએ, જે તેને બહુ પ્રિય હોય. ભાગીરથીબાથી દૂર ચાલ્યા જઈ તેમના હેતના અભાવની પીડા વેઠવી? પણ તેમ કરવાથી પીડા તો એમની જ વધી પડે. ગ્રંથાલયની નોકરી છોડી દેવી? વધુ અભ્યાસની ઈચ્છા ત્યજી અધૂરપથી ગૂંગળાવવું? પુસ્તકોની સંગત છોડી- હચમચી ઊઠ્યો તિલક આ છેલ્લા વિકલ્પ વિશે વિચાર કરતાં. આત્મહત્યા કે બાગીરથીબાથી વિખૂટા પડવાના વિચારે પણ તેને આટલો બધો ડહોળી નાખ્યો ન હતો. ડહોળાટની પરાકાષ્ઠાએ જ તેને સૂચવી દીધું કે તેને માટે આનાથી વધારે કપરી સજા બીજી કોઈ હોઈ શકે નહિ. એ જનમટીપ જેવી પુસ્તકટીપ હશે - ભલે બે વર્ષ માટે.

   પણ પ્રશ્નો ખૂટતા ન હતા.
   બે વર્ષ પુસ્તકવટો વેઠવાથી તેનું ભીતરી અહં નષ્ટ થઈ શકશે? થવું તો જોઈએ. તેને માટે આ સજા કાંઈ ઓછી આકરી નહોતી. બીજાને તો કદાચ તે સજા જ ન લાગે. એને માટે સખત મજૂરીની કેદથી યે વધારે કરડો ચૂકાદો હશે.

   જિંદગીમાં આટલા વર્ષોમાં આટઆટલાં પુસ્તકોનો ભેટો થયો - જગતનાં ઉત્તમ મહાકવ્યોથી માંડી આધુનિક ચેતનાથી ઝંકૃત થયેલા હાઈપરસેન્સીટિવ સર્જકોની કૃતિઓના પરિઘમાં તે શ્વસતો રહ્યો. છતાં અણીની પળે તેની સમજદારી અને સંવેદનના રથનું પૈડું કેમ ગારામાં ખૂપી ગયું? વાંચેલા ગ્રંથોના સત્વે તેનું સારથિપણું કેમ ન કર્યું? પોતે જ તેઓને પૂરેપૂરી લગામ ન સોંપી એટલે? પુસ્તકો તેની આંખોથી નીચે તેના હ્રદયનાં ઊંડા તળમાં, તેના લોહીનાં કણેકણમાં નહિ ઊતર્યાં હોય ત્યારે જ આવું બન્યું હશે ને? બે વર્ષના આ ગ્રંથવિયાગમાં તે પોતાની જાતને ઘડવા મથશે, મનની પાટી પરના અત્યાર સુધીના વાકાંચૂકા અક્ષરો ભૂંસી તેને કશુંક નવું, મરોડદાર ઝીલવા માટે સજ્જ કરશે અને સૌથી વધારે તો તે બે પૂઠાં વચ્ચે જકડાયેલી પુસ્તકની સૃષ્ટિથી થોડો વેગળો ખસી આ નક્કર, બરછટ દુનિયા અને તેની જવનિકાની પાછળ રહેલા અદ્રષ્ટ, અનનુભૂત વિશ્વના સ્થૂળ-સૂક્ષ્મ-શબ્દાતીત અનુભવોથી ઓતપ્રોત થવા પ્રયત્નશીલ રહેશે. પુસ્તકોમાં લખેલી જિંદગી નહિ, જિંદગીમાંથી સર્જાતા અક્ષરાતીત પુસ્તક સુધી પહોંચવાની તે મથામણ કરશે.

   તેના હ્રદયમાં સ્વસ્થતા પથરાવા લાગી. તે સાથે તેને હસવું આવ્યું. સત્યા લગ્ન પછી પોતે પુસ્તકો તરફ વળશે અને એ રીતે પોતાની પાત્રતા કેળવી તેને પામવા મથશે એવું તેને વચન આપતી ગઈ હતી. અહીં તે સત્યા સાથેના પોતાના ચૈતસિક વ્યવહારના સંદર્ભમાં જ પુસ્તકોથી વનવાસ વહોરી રહ્યો હતો! શક્ય છે કે હવે પછી તેઓ ફરીથી ક્યારેક, ક્યાંક મળશે ત્યારે સત્યા અને તે આમૂલ બદલાઈ પણ ગયાં હોય!

   પણ સત્યા તેને ફરીથી મળશે ખરી? ક્યારે? કઈ સ્થિતિમાં?
   તિલકને તે જ ક્ષણે સત્યા પાસે પહોંચી જવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. તે તેને કહે: ‘સત્યા, હું થોડોક બદલાયો છું. લાઈબ્રેરીની એકાંત પળોમાં જે હું હતો તે કેવો હતો તેનો તને તો કદાચ ખ્યાલ પણ નહિ હોય. મેં મારું વિરૂપ જોયું હતું - માર મેં. મારે તેને ઊંડે ઊંડે દફનાવી દેવું છે. મેં તેની શરૂઆત કરી છે.’

   નિર્ણયના અમલનો પ્રારંભ બીજી પળથી થયો. જે પુસ્તક વાંચતાં અધૂરું રહ્યું હતું તેને તિલકે સકંપ હાથે ગ્રંથાલયના કબાટમઆં મૂકી દીધું. ટેબલ પરથી બધાં પુસ્તકો ખસેડી લીધા ત્યારે તેને પોતે અનશન પર ઊતરતો હોય તેમ લાગ્યું. ઘરમાંનાં પુસ્તકોને પોથીઓવાળા જુના ખંડમાં તાળા હેઠળ સરકાવી દીધાં ત્યારે કોઈક સ્વજનને ચિર વિદાય આપી હોય તેમ તેના હ્રદયમાં વિષાદ ઊભરાયો. ઘરમાં, લાઈબ્રેરીમાં, કૉલેજમાં તેણે તેની નજર ઘુમાવી-ખાલીખમ્મ, ઉદાસ, લીલાંછમ વૃક્ષો તો ચારે તરફ હતાં; પણ તેને માટે સ્થિતિ દાવાનળ પછીના ઉજ્જળખખ્ખ વગડા જેવી બની ગઈ હતી. લાઈબ્રેરીનાં સભ્યો પુસ્તકની ડિમાન્ડ કરતા. તે રવજી કે મફતને ચીંધતો. ક્યારેક તેને જાતેપુસ્તક શોધી આપવું પડતું. હાથમાં પુસ્તક આવતાં તેનાં પાનેપાનાં ઉઘાડીને તેમાં પોતાની આંખો ખૂંપાવી દેવાની ઝંખનાથી તે લોહીલુહાણ થઈ જતો. પછી ઊંડો શ્વાસ લઈ તે પુસ્તક માગનારના હાથમાં મૂકી મુખ ફેરવી લેતો. લાઈબ્રેરીનાં પ્રવેશદ્વાર નજીક ‘આ સપ્તાહનું વાંચવા જેવું પુસ્તક’ અને ‘આજનું શ્રેષ્ઠ વાચન’ની માહિતીને બદલે કાળા પાતિયા પર નર્યો અવકાશ ઝૂલવા લાગ્યો. અને જેનો તેને ક્યારનો યે તીવ્ર ભય હતો તે ઈક્ષાનો પ્રશ્ન છેવટે તેને ઉદ્દેશીને જ આવી પડ્યો:
   ‘હમણાં કયું નવું મહત્વનું પુસ્તક વાંચો છો તિલકભાઈ?’

   તિલકે ચોંકીને ઈક્ષા તરફ જોયું. ઈક્ષા ગ્રંથાલયની કૅબિનમાં સામેની ખુરશીમાં બેઠી હતી. તેના હાથમાં રમતાં બે’ક નવાંનક્કોર પુસ્તકોની તાજી કડક ગંધ તિલકના શ્વાસમાં ફેલાઈ ગઈ અને તેનાં રૂવાં ખડાં થઈ ગયાં. તેણે ચકળવકળ આંખે પહેલાં એ પુસ્તકો તરફ અને પછી ઈક્ષા સામે જોઈ દ્રષ્ટિ ઢાળી દીધી.

   ‘જુઓ, આ પુસ્તક - તમારે માટે જ મેં મુંબઈથી મંગાવ્યું છે. તમે ક્યારેક તેની પૂછપરછ નહોતી કરી?’ ઇક્ષાએ હોંસભેર પુસ્તકો તેની સામે ધર્યાં. તિલકે એક ભૂખાળવી દ્રષ્ટિ તે તરફ કરી અને ફરીથી તે નીચું જોઈ ગયો. કૅબિનમાં મૌન ઘૂંટાઈ રહ્યું.

   ‘શી વાત છે તિલકભાઈ? કશુંક બન્યું છે? મેં તમને છ મહિનાથી પુસ્તક વાંચતા જોયા નથી. અરે, તમે ક્યારે ય મારી સાથે કે કોઈકની સાથે પુસ્તકો વિશે ચર્ચા પણ કરતા નથી. લાઈબ્રેરીનું બ્લૅકબૉર્ડ પણ કોરું રહે છે અને તમારો અભ્યાસ... આ બધું શું છે? હું મનોમન બધું નોંધતી રહું છું. છેવટે ન રહેવાયું એટલે આજે કહી ઈક્ષા પ્રશ્નાર્થસૂચક નજરે તિલક સામે જોઈ રહી. ક્યાંય સુધી તિલકનું મૌન ન તૂટ્યું એટલે તેણે કહ્યું:
   ‘હું આ બધું તમને કહી ગઈ-’
   ‘મેં પુસ્તકો વાંચવા બંધ કર્યાં છે.’ તિલક નીચું જોઈને ધીમે ધીમે બોલ્યો, ‘બે વર્ષ માટે તો ખરાં જ...’
   ‘આંખોની નબળાઈને કારણે?’ ઈક્ષાએ સહજભાવે પ્રશ્ન પૂછ્યો.
   ‘કારણ ન પૂછશો.’
   ‘હું માની શકતી નથી. તમે અને પુસ્તકોની બંધી -’
   ‘પણ એ હકીકત છે.’
   ‘શા માટે?’
   ‘હું સજા ભોગવી રહ્યો છું’
   ‘સજા? કોણે કરી?’
   ‘મેં જ.’
   ‘અને તે આવી?’
   ‘એનાથી વધારે આકરી સજા મારા માટે બીજી શી હોઈ શકે ઈક્ષાબહેન?’
   ‘એનો અંત?’
   ‘મેં કહ્યું ને? બે વર્ષે.’
   ‘અને ત્યાં સુધી?’
  
   ‘નિર્જળા એકાદશી!’ કહી તિલકે હસવાનો વિફળ પ્રયત્ન કર્યો. થોડી વારે ઈક્ષાએ કહ્યું:
   ‘આ તો અસહ્ય કહેવાય. બે વર્ષ! તમે ઓછામાં ઓછાં બસો સારાં પુસ્તકથી વંચિત રહી જશો. એ પુસ્તકોની બીજા લોકોને ભલામણ કરીનેય તમે કેટલો ઉજાસ વિસ્તારી શક્યા હોત -’
   ‘એ કામ મારે બદલે તમે કરજો.’
   ‘પણ તમારામાં એટલી ઊણપ રહી જશે તેની તમને ચિંતા નથી થતી?’
   ‘ઉણપ મારામાંથી હતી જ - એટલે તો આ નિર્ણય સુધી પહોંચવું પડ્યું.’
   ‘તેનાથી ઊણપ પૂરાઈ જશે?’
   ‘પ્રયત્ન કરું છું - કરીશ.’
   ‘જ્ઞાનથી રિસામણાં ન હોય તિલકભાઈ!’
   ‘જ્ઞાન મેળવવા માટેય કશોક ત્યાગ જરૂરી છે.’
   ‘તમે તો ઘણો ત્યાગ કર્યો છે.’
   ‘એક વધારે.’
   ‘જ્ઞાન માટે જ્ઞાનનો ત્યાગ? સમજાતું નથી.’
   ‘જ્ઞાન એક જ પ્રકારનું થોડું હોય છે? પુસ્તકોની બહાર પણ જ્ઞાનનો દરિયો છે જ. અનુભવથી ચઢિયાતું પુસ્તક બીજું કયું? પુસ્તકોતો અનુભવોની નીપજ છે.’
   ‘શું કરું તો તમે તમારું પણ તોડો?’ થોડી વારે ઈક્ષાએ આર્જવથી પૂછ્યું.
   ‘કાંઈ નહિ. હું પણ તોદી વધારે નબળો સાબિત થાઉં એમ તમે ઈચ્છશો? તમારે તો મને બળ આપવાનું છે. બે વર્ષતો આમ વીતી જશે.’
   ‘અને તમારો અભ્યાસ?’
   ‘બે વર્ષ પછી.’
   ‘આ તમે સારું નથી કરતા.’
   ‘સારું કે માઠું - હું કરું છું.’

   ‘એક પ્રશ્ન પૂછું?’ થોડી ક્ષણોના વજનદાર મૌન પછી ઈક્ષાએ તિલકની આંખોમાં પરોવીને સોંસરવા શબ્દો ઉચ્ચાર્યા. તિલક અસ્વસ્થત થઈ ગયો. પછી તેણે મૌન જાળવી સંમતિ આપી.
   ‘તમારી અને સત્યા વચ્ચે કશુંક બન્યું હતું?’

તિલાકે ક્યાંય સુધી ઉત્તર ન આપ્યો, પછી ધ્રૂજતા સ્વરે કહ્યું: ‘હા. તમે આ પ્રશ્ન સુધી આવશો તેવી મારી ધારણા હતી જ, પણ હવે આગળ કાંઈ ન પૂછશો.’
   ‘નહિ પૂછું, પણ તમારે વિશેનું આ મારું નર્યું ઉપરછલ્લું કુતૂહલ છે એમ ન માનશો. બતાવશો તો હું તમારી વેદનામાં સહભાગી બનીશ.’
   ‘તમારી સહ્રદયતાનું મારે મન મોટું મૂલ્ય છે, પણ ઈક્ષાબહેન, કેટલીક વેદનાઓ એવી છે જે એકલપેટા બનીને ભોગવીએ તો જ એ વેદનાનું ગૌરવ જળવાય.’
   ‘સત્યાના વિયોગની વેદના એટલી બધી પીડે છે? મેં તો ધાર્યું હતું કે તમે તમારા વિચારબળે તેને જીરવી લેશો.’
   ‘મારા વિચારબળમાં વધારે પડતો નિશ્વાસ ન રાખશો. હું પણ ક્યારેક અવિચારીપણે વર્તી શકું છું - વર્ત્યો છું. હું છેવટે તો માણસ છું - હાડચામનો માણસ. મને મારી આ વેદના માત્ર સત્યાના વિયોગની નથી. તે તેનાથી ક્યાંય વધારે ઊંડી છે.’

   ‘સત્યાના વિયોગથી વધારે તીવ્ર વેદના તમારા માટે બીજી શી હોઈ શકે?’
   ‘મારી સાથેના મારા વિયોગની આ વેદના છે. હું મારા એક અંશથી વિખૂટો પડી ગયો હતો. હજી યે એ વિખૂટાપણું કાંઈ પૂરેપૂરું સાંધ્યું નથી.’ તિલક જાણે દૂર દિગંત તરફ જોઈને બોલતો હતો. ‘આપણાં બધાંને માટે કદાચ સાચું છે. કોઈક ને કોઈક સમયે આપણે આપણા જુદા જુદા અંશોને ગુમાવી દેતાં હોઈએ છીએ. બધું સતત અવળસવળ થયા કરે છે. બધું ક્યારેય પૂરેપૂરું સમુંનમું થતું જ નથી. તેમ કરવામાં જિંદગી વીતી જાય છે. જન્મારાઓ પણ ઓછા પડે છે.’

   ‘તિલકભાઈ, આ તો બધાની વેદનાની વાત. સજા તમે એકલા શા માટે ભોગવો?’
   ‘જે જાણે તે વેઠે. અજ્ઞાનના આશીર્વાદ આપણાં જેવાંને ક્યાંથી મળે?’ કહી તિલકે ફિક્કું સ્મિત કર્યું.
   ‘પોતાના અંશથી વિખૂટા પડવું તે જો દરેક માણસની નિયતિ હોય તો તેનો આટલો વલોપાત શા માટે?’ ઈક્ષાએ વળી પૂછ્યું.
   ‘માણસ પોતાના વિખૂટા પડેલા અંશને શોધવા મથે તેમાં જ તેની વશેકાઈ છે.’
   ‘હવે મારી દલીલો ખૂટવા આવી છે, પણ હું વાત પડતી નહિ મૂકું.’ ઈક્ષાએ ઊભાં થતાં કહ્યું. કાંડા-ઘડિયાળમાં જોઈને ઉમેર્યું: ‘તમારી પાસે હું તમારું પણ મુકાવીશ હો તિલકભાઈ! સાબદા રહેજો.’
   ‘આ બાબતમાં તમારો પરાજય થાય તેમ હું ઈચ્છું છું.’
   ‘મારો પરાજય એ તમારો વિજય નહિ હોય.’
   ‘મને વિજયની કામના નથી. હું તો પરાજિત જ છું. હું મારા પરાજય સાથે લડી રહ્યો છું - છેવટે શુધી મારે લડવું પડશે.’
   ‘ઇક્ષા પુસ્તકો લઈને ચાલી ગઈ અને બપોરે જ્યારે લાઈબ્રેરીમાં વિરામ હતો ત્યારે તિલક પાસે તેને ઘેર પહોંચી ગઈ. તેની સમક્ષ ત્રણેક નવાં પુસ્તકો મૂકીને કહ્યું: ‘આ હું અહીં રાખતી જઈશ. મારે જોવું છે કે તમે તમારી ‘ભૂખહડતાલ’ કેવી રીતે, ક્યાં સુધી ટકાવો છો.’

   તિલકની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. તેણે કહ્યું: ‘બહેન, જિદ્દી બનવાનું મને પરવડે તેમ નથી. તમને દૂભવવાનું તો હું સ્વપ્નેય વિચારી ન શકું. તમારી ઈચ્છા આગળ મારા નિર્ણયનું કશું ગંજુ નથી. તમારા આટલા સમભાવ પછી યે હું જો અડગ રહું તો એક અહમમાંથી છૂટવા જતાં બીજા અહમમાં બંધાવાનું થાય.’

   તિલકે તેનો થરથરતો જમણો હાથ એક પુસ્તક ભણી લંબાવ્યો. તેના સ્પર્શે તેણે રોમાંચ અનુભવ્યો. પછી તેણે રોમાંચ અનુભવ્યો. પછી તેણે એ પુસ્તક ઉપાડી લીધું. પહેલાં માથે અડાડ્યું, પછી છાતીસરસું ચાંપ્યું અને તે પછી તેનું પૃષ્ઠ ઉઘાડી એક વાક્ય વાંચ્યું:
   ‘We regard men as infinitely precious and possessed of unfullfield capacities for reason freedom and love…’

   પછી તેણે પુસ્તક કાળજીપૂર્વક ટેબલ પર મૂકતાં કહ્યું: ‘આજે રાત જાગીનેય આ પુસ્તક પૂરું કરીશ.’
   ‘નિર્જળા એકાદશી સમાપ્ત!’ ઈક્ષા આછું હસી.
   ‘જળ તો મારી આંખોમાં આવી જ ગયું! હવે નિર્જળ શી રીતે કહેવાઉં?’ તિલક ખડખડાટ હસ્યો, ‘મારી નિર્જળાનો અંત લાવવા માટે તમારાથી વધારે યોગ્ય બીજું કોણ હોઈ શકે?’
   ‘મને સંતોષ છે.’
   ‘તમારી સહ્રદયતાનું મારે મન મોટું મૂલ્ય છે એમ જે લાઈબ્રેરીમાં કહ્યું હતું તે કાંઈ અમસ્તું નહોતું. સત્યાને ગુમાવવાનું મને દુ:ખ છે, રહેશે. તમને પામ્યાનું સુખ અદુન્યવી છે. આપણો સંબંધ નિરપેક્ષતાનો એક ઈડિયમ છે.’
   ‘મને ગૌરવ છે.’
   ‘વયમાં આપણે બંને જુવાન છીએ, લોહીની સગાઇનું કોઈ બંધન નથી, છતાં આપણે અપાર્થિવતાંના સહયાત્રીઓ છીએ. બહેન, આ ક્શુંક દુનિયાની બહારનું છે.’
   ‘હું સમજું છું ભાઈ!’ ઈક્ષાએ પ્રણામ કર્યા. થોડી વારે તે ચાલી ગઈ. નમતા પહોરની શાંત શેરીમાં તેની ઓસરતી આકૃતિને તિલક ઓટલા પરથી જોઈ રહ્યો અને તેની આંખો ફરીથી સજળ બની.
(ક્રમશ :...)


0 comments


Leave comment