12 - શ્રદ્ધાંજલિ / ગુણવંત વ્યાસ


   બા ગયાને બાર દિ' થઈ ગયા. આજે તેરમો દા'ડો હતો. ચૌદ દિ’ પહેલાં તો બા સાથે ફોન પર વાતે ય કરેલી. ને આમ અચાનક જ એ ચાલી નીકળ્યાં.
   પંદર દિ'ની રજા પૂરી થવામાં હતી. સોગિયા મોં કરીને આવેલા સ્વજનો ય શોકને ખંખેરી, આશ્વાસનના બે શબ્દો કહેતા ગયા. એ બધાનો સૂર એક જ હતો : બાપુજીની સેવા કરવી. એમને સારી રીતે સાચવવા એ જ બાને સાચી શ્રદ્ધાંજલિ. બાએ એમની સેવામાં જ જીવન પૂરું કર્યું હતું ને ! સૌને હકારમાં માથું હલાવતાં વિદાય આપી.

   બાનાં અગ્નિદાહથી પીંડદાન સધીની વિધિની દોડધામે વ્યસ્ત અમે હવે એકલાં પડ્યાં. હું, મીના, દીપેશ ને અમી સ્વજનોની સ્નેહભીની લાગણીના પ્રવાહે થોડાં સ્વસ્થ થઈ ગયાં હતાં. પણ બાપુજીની આઘાતગ્રસ્ત સ્થિતિ દયનીય હતી. નિવૃત્તિ પછી યે પગ વાળીને નહીં બેઠેલા બાપુજી બાર દિ'થી બા'ર જ ક્યાં નીકળ્યા'તા ! આવતાં-જતાં સ્વજનો સામે યાંત્રિકતાથી હાથ જોડતા છોડતા તે શૂન્યમનસ્ક છતને નીરખી રહેતા. પાંખિયા છોડેલા પંખાની ફરતી ગતિ જેવો ભાવ ત્યારે તેમના ચહેરા પર કળાતો. ક્યારેક છતની ફિક્કી સફેદીનો રંગ એમના ચહેરા પર ઘોળાતો ત્યારે આંખોના ખૂણામાં ઊભરાતી ભીનાશમાં અમે બાની છબી તરવરતી જોતાં. ક્યારેક સુતા પછીયે નહીં સુતા બાપુજી સૌના જાગવાનું નિમિત્ત બનતા. ચિંતાનો વિષય તો હતો જ, બાપુજીને સાચવવા. થોડી વધુ કૅર લેવી પડશે એવું તો હવે મને ય લાગવા લાગ્યું હતું. દીપેશનું સૂચન હતું : બાપુજીને થોડા દિવસ વડોદરા લઈ જવા. ઘરની બહાર નીકળતાં ને નવા વાતાવરણમાં મુકાતાં દુ:ખના દા'ડા કપાશે ને શોક થોડો હળવો થશે. વતનના ઘરમાં વાત વધુ વણસશે. - વાત સાચીયે હતી. વાતાવરણ બદલાતાં બદલાવ આવે પણ ખરો. મીનાએ ય હોંકારો ભણ્યો. બાપુજી ના-ના કરતા રહ્યા. પણ આ વખતે તો બાપુજીની આનાકાની આઠેય કાને અવગણી ને બાના ફોટા સાથે બાપુજીને લઈ મોટર વડોદરાના માર્ગે વળી.

   ધારીથી વડોદરાનો મારગ હવે તો આઠ-દસ કલાકમાં મોટર કાપી લેતી થઈ; પણ એક કાળે દોઢો ટાઈમ લાગતો ત્યારે બા બસમાં આવેલી, બાપુજી સાથે. મારી નવી-નવી નોકરીને વધાવવાનો હરખ હોલવી નાખેલો એ લાંબી મુસાફરીએ. બાપુજીને ત્યારેય નો'તું ગોઠેલું. એ તો આવતા જ નો'તા, પણ બા બીજીવારેય ખેંચી લાવેલી; વલ્લભીપુરમાં એના વીરાને ત્યાં વિરામ લેવાનું જણાવીને. ત્રીજી વાર તો એમની સ્પષ્ટ ‘ના’ જ હતી. મને નૈં ફાવે શે'રમાં ! – આખરે મેં ગાડી મોકલી ને બાએ વલ્લભીપુરની રાહત સૂચવી ત્યારે મામાને મળવાની લાલચે માંડમાંડ આવેલા. પણ આવતાં જ જવાની પૂછપરછ ચાલુ. બા એ વખતે તો ખરે જ કંટાળી ગયેલી : હવેથી તારા બાપુજીને દીપેશને ત્યાં જ રાખીને આવવું છે, નિરાંતે ! – પણ એ નિરાંત પહેલાં તો બા ફોટો બની ગઈ !

   અણધારી આફતને માથે મારનાર ધારી છોડ્યું ત્યારે બાપુજી ક્યાંય સુધી બારી બહાર જોતા રહેલા. બહારની લૂ હવે અંદરેય ઉકળાટ કરવા લાગી. પાદરની થોડી ધૂળે ય અંદર આવી. ડ્રાઈવરે બે વાર મારી સામે જોયું. મેં બાપુજીને વાતોએ વળગાડી અંદર વાળ્યા કે પાવર વિન્ડોએ ગામ અને બાપુજી વચ્ચે કાચની દિવાલ ચણી દીધી. બાપુજીએ કાચ પર હાથ ફેરવ્યો ને અંદર બચેલી થોડી ગામની હવાને છાતીમાં ભરી લેવા જ જાણે લાંબો શ્વાસ લીધો. ગામ આંખોથી ઓઝલ થયું કે સૂરજ ય વિદાય લેવાની તૈયારી કરવા લાગ્યો.

   બાપુજીને રાજી રાખવા વલ્લભીપુરનો વિરામ અનિવાર્ય હતો. વધુ નહીં તોય બે'ક કલાક રોકાઈ, રોટલા ખાઈ, જવાની મામાની જીદ બાપુજીના રાજીપાને કારણે જીતી ગઈ હતી. ધારીથી અમરેલી ને લાઠી લગી તો એવું જ લાગ્યું કે ડૂબતા સૂરજની સાથે દોટ મૂકતી મોટર જાણે સ્પર્ધામાં ઊતરી છે. પણ સૂરજ ડૂબતાં ગાડીએ જીદ છોડી હોય તેમ, ચાવંડથી દિશા બદલી ને પૂર્વ તરફ આકારતા અંધકારની આંગળી ઝાલી. વલ્લભીપુર ક્યારે આવી ગયું એનો ખ્યાલે ય ન રહ્યો.

   રોટલા ખાઈ, વલ્લભીપુર છોડ્યું ત્યારે સૃષ્ટિ આખી સુવા પડી હતી. ગામ છોડતાં ગાડી જાણે અંધકારમાં ઓગળી ગઈ. અંદર બધુ ઠરવા લાગ્યું. બાપુજીને શાલ આપી. એમની સીટ પુશબેક કરી. ને, મેં ને મીનાએ પાછલી સીટે શરીર ઢીલું છોડ્યું.

   મોં સૂઝણું થતાં-થતાંમાં તો મોટરે વડોદરાનું મોઢું બતાવી દીધેલું. ઘરે પહોંચી, ફટાફટ તૈયાર થઈ ઑફિસે જવા નીકળ્યો ત્યારે મીનાને બાપુજીની પૂરતી કાળજી રાખવાનું કહીને નીકળ્યો. કંઈક કરી છૂટવાની ધગશ મીનાના ચહેરા પર પણ કળાતી હતી. હાશકારા સાથે નીકળ્યો ને આવ્યો ત્યાં તો ગેસ્ટરૂમ સજ્જ હતો. ડ્રોઈંગ રૂમની રાધા-કૃષ્ણની મૂર્તિ ગેસ્ટરૂમમાં બાપુજીના બેડ સામે જ ગોઠવાઈ ગઈ હતી. બાજુમાં બાનો ફોટો, ફુલદાનીની જગ્યાએ તાજાં ફળોની ટોપલી ને બાથરૂમમાં નવાં-નક્કોર ટુવાલ- નેપકીન ! બારીના પડદા ને દીવાલના કલર્સ તો મીનાની પસંદગીના જ ને ! ટીપોઈ પર પાણીનો જગ ને બાજુમાં પીવાયેલી ચાની સાખ પૂરતાં ભીનાં બે વર્તુળ ! પણ બાપુજી ક્યાં ?
- હજુ હમણાં જ તો અહીં હતા ! ચા ય પીધી.

   ટોઈલેટ બહારથી બંધ હતું. ગેટ ખુલ્લો જોતાં ફાળ પડી ક્યાંક પાછા ધારી તો....?!!
   પેર્યે કપડે જ હું બા'ર નાઠો. પૂંછવું ય કોને? તોયે સોસાયટીના બે મિત્રોને જાણ કરી. સવારે જોયેલી એકાદ ઝલકને આધારે એ ય બાપુજીને શોધવા નીકળી પડ્યા. ચાલતાં-ચાલતાં જ દીપેશને ફોન પર વાત જણાવી. એને ય ચિંતા થઈ. બાપુજીનાં પ્રિય સ્થાનકોની એ યાદી આપવા લાગ્યો. એક ને આસપાસના બગીચાઓમાં તો બીજા મિત્રને નજીકનાં મંદિરોમાં તપાસ કરવાનું ફોનથી જણાવી હું રસ્તે આવ્યો. મુખ્ય સડકની એક તરફના સીટીબસસ્ટોપની રેલિંગ પકડી ઊંચે જોતા બાપુજી પર નજર પડતાં જ જીવ હેઠો બેઠો. દોડતોક પાસે જઈ, એકીશ્વાસે કેટલાયે પ્રશ્નો પૂછી નાખ્યા પણ અવાક બાપુજીની આંખોએ કોઈ પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. બસ, એકધારું એ મને ભાવશૂન્ય આંખોથી જોઈ રહ્યા. ઉત્તરની અપેક્ષા વાંઝણી નીવડી. બાપુજીનો હાથ પકડી ઘરે લાવતાં રસ્તામાં શે'ર વિશે, શે'રની ભીડ વિશે ને બાપુજીના અજાણ્યાપણા વિશે ઘણી ઘણી વાતો કરી. ઘરે પહોંચતાં મીનાએ પણ લગભગ એ જ વાતોનું પુનરાવર્તન કર્યું. ફોનથી મિત્રોને બોલાવી લીધા. દીપેશને ચિંતામુક્ત કર્યો. પણ મારી ચિંતા વધી; મીનાની પણ. આ રીતે ફરીથી બાપુજી નીકળી જશે ને નહીં મળે તો ?! મીના માતાજીના બે દીવા કરીને આવી. જાણે રસ્તો શોધી લાવી :
   - તમારું આઈ.કાર્ડનું પેલું જૂનું લટકણિયું, બાપુજીના ગળામાં નામ-સરનામાં નંબર સાથે લટકાવી દો.

   વિચાર ગમ્યો. લઈ પણ આવ્યો. બાપુજી ન જ માન્યા. ફાવ્યું જ નહીં ને એમને ! કાઢી નાખ્યું. ન જ માનતાં, મીનાએ બીજો વિકલ્પ સૂચવ્યો :
   - એ રે'વા દો. ખાલી એડ્રેસકોર્ડ બાપુજીના ખીસ્સામાં મૂકી દો.

   વિચાર સાર્થક નીવડ્યો. હાશ થઈ. રાતે મીનાએ નવું જાહેરનામું બહાર પાડ્યું. ચાર વાર કડક- મીઠી ચા ને બે વાર થાળીનું ટાઈમટેબલ ગોઠવાઈ ગયું. સવાર પછી દસ વાગ્યાની ચા બાદ સાડા અગિયારે થાળી તૈયાર રાખવાની. બપોરે આડે પડખે થયા પછી રોંઢે સાડા ત્રણે ને સાંજે છએ ચાનો સમય સાચવવાનો. વાળું પણ વહેલું થયું - સાડા સાતે. બાપુજીને અનુકૂળ આવે. ગામડાનો જીવ, મોડું ગોઠે નહીં. વળી, સાથે જમવાનો મીનાનો પહેલેથી આગ્રહ. પારિવારિક ભાવના વિકસે અને આત્મીયતા વધે. મીના સાથે સંમત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

   સાડા સાતે ટેબલ પર ગોઠવાયા. જમતાં-જમતાં અવનવી વાતોથી બાપુજીને બોલતા કરવા મથ્યો. બાપુજીનું મૌન અકળાવતું જ રહ્યું. અનિવાર્ય ત્યાં હોંકારો કરતા બાપુજી ખાવામાં પણ જાણે અરુચિ અનુભવતા લાગ્યા. મીનાની ચાલાક નજરે અરુચિનું કારણ પકડી પાડ્યું. બીજે દિવસે બાજોઠ ઢળાયા, પાણીના કળશ્યા મુકાયા ને થાળીમાં રોટલા પીરસાયા. ગામડું જાણે જિવાવા લાગ્યું. બાપુજીમાં જીવ લાવવા મીનાની આ મહેનતેય ખાસ કામ ન લાગી. મુરઝાતા છોડને પાણી સીંચવાના એના પ્રયત્નો કારગત નહોતા નીવડતા અને છોડ વધુ કરમાતો ભળાતો ત્યારે પેટમાં ફાળ પડતી. નવી માટીમાં એનાં મૂળ ચોટશે તો ખરા ને ?! ક્યાંક...

   હું ટી.વી. ચાલુ કરી સમાચારો અને સિરીયલોમાં ખોવાવા મથ્યો. બાપુજીએ વૉશ બેઝીનને બદલે, ફળિયામાં જઈ કોગળા કર્યા, હાથ ધોયા ને ગેસ્ટરૂમમાં આવી લંબાવ્યું. મેં પાછળ-પાછળ જઈ, નાઈટલેમ્પ ચાલુ કર્યો. એસી ઑન કરી, બારીના પડદા ખેંચ્યા. બાપુજીને જય શ્રીકૃષ્ણ કહી, બારણાં ઠાલાં વાસી બહાર આવ્યો. ફળિયાના હીંચકે ઝૂલતાં, મોડે સુધી મીના સાથે બાની, બાપુજીની, બા વિનાના બાપુજીની ને દીપેશ-અમીની વાતોથી મન મનાવ્યું.

   સુતા પહેલાં એક નજર બાપુજીના બેડરૂમ તરફ કરતાં જોઉં છું તો બારણાં ખુલ્લાં છે. એ.સી.ઓલવાઈ ગયું છે. પરદા દૂર થયા છે. બારી ખુલ્લી છે. ને બાપુજી બારીના સળિયા પકડી બગીચામાં ઊડાઊડ કરતા આગિયાઓને જોઈ રહ્યા છે. અંધકારમાં તેજ લીસોટાની આ રમત મને ય જોવી ગમે છે. હું હળવેથી બાપુજી પાસે પહોંચું છું. એમના ખભે હાથ મૂકું છું. એ સ્હેજ ઝબકે છે ને ફરી પેલા અંધકારમાં આકારાતા ઊજાશના અક્ષરોને ઉકેલવામાં ખોવાય છે. એક પાંખાળું જીવડું ખુલ્લી બારીમાંથી રૂમની ડીમલાઈટના પ્રકાશમાં આમતેમ અટવાતું પ્રવેશે છે ને હું સતર્ક બનું છું. હળવેથી જીવડાને મુઠ્ઠીમાં પકડી બહાર ફેંકું છું ને બારી બંધ કરું છું. બાપુજી મને રોકે છે. ને ડીમલાઈટ ઑફ કરે છે. હું એસી ચાલુ કરવા જણાવું છું ને પ્રત્યુત્તર રૂપે એ પંખો ચાલુ કરે છે. અત્યારે સંવાદ અશક્ય લાગતાં બારણાં વાસી હું બહાર નીકળું છું.

   સવારે વહેલો ઊઠીને હું જોઉં છું : બાપુજીની રૂમનાં બારણાં ખુલ્લાં છે. બારીઓ ખુલ્લી છે. પંખો બંધ છે. બગીચામાંથી એક પતંગિયું બાના ફોટા પાસે પડેલાં વાસી ફૂલો પર ઊડાઊડ કરે છે. હું હળવેથી બારીનો કાચ ફ્રેમ સાથે જડવા જાઉં છું. બાપુજી જાગી જાય છે. ઓરડામાં રાત્રિની ચૂપકીદીને પતંગિયું પાંખોથી તોડવા મથે છે. અંતે થાકી-હારી બહાર નીકળવા મથતું તે પારદર્શી કાચની બારી સાથે અથડાતું રહે છે. બારી બંધ છે. થાકેલું તે પરદાનાં પુષ્પો પર હાંફતું લાગે છે. બાપુજી ધીમેથી ઊભા થઈ, ધીરેથી પાસે જાય છે. હળવેથી બારી ખોલે છે. ઓરડામાં અટવાતા પતંગિયાને ખુલી બારી મળતાં જ જાણે ચેતન આવ્યું હોય તેમ, પાંખો ફફડાવતું બહારના ખુલ્લા વાતાવરણમાં હિલ્લોળા લેવા લાગે છે. બાપુજીના ચહેરા પર પ્રસન્નતાની એક લકીર ઊપસતાં હું બારી ખુલી રાખીને પ્રાતઃક્રિયામાં જોડાઉં છું.

   ઑફિસે જતા પહેલાં બાપુજીને જય શ્રીકૃષ્ણ કરવા જાઉં છું. નાહી-પરવારીને તે બારીના સળિયા પકડી ઊભા છે. ફળિયામાં બનાવેલા નાના બગીચાને નીરખતા તે પ્રકૃતિમાં ખોવાય છે. ઘરમાંનું પતંગિયું ઊડી ગયું છે. ઓરડામાં એકાંતની ઉદાસી અમળાય છે. બાપુજીને બહાર હીંચકે બેસવાનું હું કહું છું. સાથે, ગેટની બહાર ન જવાનું પણ સૂચન કરું છું. એ મને નીરખી રહે છે. એમની આંખોના ભાવો હું ઉકેલી શકતો નથી. એ આંખોમાં વધુ નહીં જોઈ શકાય. મારે નીકળવું જોઈએ. હું નીચી નજરે ફટાફટ ઘર છોડી, શહેરની ભીડમાં ખોવાઈ જાઉં છું. કોરા કાગળો પર લખાતો, છપાતો, ઉકેલાતો હું સાંજ ઢળે ફાઈલોમાં ‘ફાઈલ’ થઈ ઑફિસથી ઘરે આવવા નીકળું છું. બાપુજીને આજે મંદિર લઈ જવા ધાર્યું છે. ઘરે પહોંચીને જોઉં છું તો અણધાર્યું નીકળે છે. બાપુજી નથી. મીનાની ચાલાક નજર ફરી ભોંઠી પડે છે. અપરાધીભાવ એની આંખોમાં આંસુ બની વહે છે. દિવસમાં દસ વાર ગેટ સુધી ગયેલા બાપુજીને વાળી લાવેલી મીના અગિયારમી વાર થાપ ખાઈ ગઈ છે. કોઈને ય કહેવું નથી કહેતો હું ફટાફટ બહાર આવું છું. સીધો જ સડકે પહોંચુ છું. બસ-સ્ટોપને બાકડે બાપુજી બેઠા છે. આવતી- જતી બસનાં પાટિયામાં જાણીતું ગામ શોધે છે. કેટકેટલી બસ પસાર થઈ. બધાં જ નામ અજાણ્યાં ! કેટકેટલા મુસાફરો ચડ્યા-ઊતર્યા. બધા જ અપરિચિત ! એમને ક્યાંથી ખબર કે અહીંયા ધારી-વડોદરા કે ધારી- સુરત જેવા પાટિયાં નહીં જોવા મળે. માંજલપુર, મકરપુરા કે મુંજમહુડા એમના ઉકેલ બહાર હતા. મેં હાથ પકડ્યો. એમણે લાંબો શ્વાસ લઈને છોડ્યો. કશું કહેવું વ્યર્થ હતું. તોયે મીના ન રહી શકી. ગઈકાલની જ કેસેટ વગાડતી રહી. બાપુજી યંત્રવત સાંભળતા રહ્યા. ફ્રેશ થઈ હું બાપુજીને મંદિર લઈ ગયો. રવિવારે ડાકોર જવાનું પણ વિચારી લીધું. મંદિરમાંયે બાપુજી ન જ કૉળી શક્યા. મારી ને મીનાની ચિંતા ઔર વધી. રાતે દીપેશ સાથે ફોન પર વાત કરી : આઠ-દસ દિવસમાં બધુ થાળે પડી જશે. પછી જોજોને, બાપુજી આવવાનું યે નામ નહીં લે ! – દીપેશની નચિંતતામાં વિશ્વાસ હતો પણ મીનાનો મુંઝારો વધી ગયો હતો. મોડી રાતે મીના જ માર્ગ શોધી લાવી : દિવસ દરમિયાન દરવાજે તાળું જ રાખવું. ને, બીજે દિવસે મારા ગયા પછી ગેટ પર ખંભાતી લાગી ગયું.

   - બાપુજી આજે હીંચકે આવ્યા જ નથી. ઘણું કહ્યું, પણ રૂમની બા’ર નીકળ્યા જ નહીં ને !– ઑફિસથી આવતાં જ મીનાએ વિસ્ફોટ કર્યો. માર પણ જાણે ડુંગરનો ભાર વર્તાયો : હેં !– આશ્ચર્યથી મોં ને આંખો પહોળાં થઈ ગયાં હું ત્વરિત બાપુજીના રૂમ તરફ ધસ્યો. બારણાં બંધ હતાં. ધકેલતાં ખૂલ્યાં. બાપુજી બાના ફોટા પાસે બેસી કશુંક લખતા હતા. મને જોતાં જ કાગળ ગડીવાળી ડ્રોઅરમાં મૂક્યો. પેન બંધ કરી, સ્ટેન્ડ કરી. મેં મંદિરે જવા પ્રસ્તાવ મૂક્યો. અસ્વીકાર થયો. જવાબ રૂપે માત્ર બે શબ્દો મળ્યા : ઈચ્છા નથી !

   કાચબો જેમ ઇન્દ્રિયનિગ્રહ કરે તેમ બાપુજી ઈચ્છાઓ તો નથી સંકેલી રહ્યા ને?! નહીં તો નિયમિત મંદિરે જતા બાપુજી આમ ઓચિંતા જ મંદિરે જવાની અનિચ્છા કેમ દર્શાવે ?! બાના મૃત્યુનો આ આઘાત કે પછી અન્ય બીજું કાંઈ ?! ઉકેલ શોધવો અઘરો હતો. મેં ફરી અનુરોધ કર્યો, અસફળ જ રહ્યો. બાપુજીની જીદ હું તેમ મીના ય જાણતાં હતાં : નહીં જ માને ! – માની હું ફ્રેશ થવા નીકળ્યો.

   રાતે હીંચકે આ જ પ્રશ્ન પ્રધાન રહ્યો. બાપુજીની ઉદાસી અણઉકેલી છે. પ્રસન્નતા કેમે ય કળાતી નહોતી. મીના પણ બનતા પ્રયત્નોથી બાપુજીને રાજી રાખવા મથતી હતી પણ પરિણામ શુન્ય જ આવતું હતું. ઓચિંતું જ મીનાને કશુંક યાદ આવ્યું :
   - તમે, બાપુજી કશુંક લખતા'તા એ કહ્યું'તું; શું હતું એ ?

   મેં વિગતે વાત કરી. મીના હળવેથી ઊભી થઈ. બાપુજી જાગી ન જાય એ રીતે ડ્રોઅરમાંથી ગડી વાળેલો કાગળ લઈ આવી. અક્ષરો ઊકલ્યા: ૩ દિવસ, ૭૨ કલાક, ૪૫૨૦ મિનિટ, ૨,૫૯,૨૦૦ સેકન્ડ. એક સેકન્ડ, એક દા'ડો બ્રહ્માનો.

   કોયડો ઉકેલવો અઘરો લાગ્યો. પણ ઉકેલતા જ આગળાં જાણે ઊઘડી ગયાં. અંધારામાં ય રસ્તો દેખાવા લાગ્યો. એ જ ક્ષણે દીપેશને ફોન જોડ્યો. એનું ભારપૂર્વક કહેવું હતું કે બાપુજીને હમણાં વડોદરા જ રાખવા. મામાને વાત કરી. ઉત્તર મળ્યો : બાપુજીની મરજી જોવી, એ જ એનો રાજીપો. મીનાનું માનવું હતું કે બાપુજીને એકલા ન મોકલવા. રાતે જ રાણાને ફોન જોડી, કાલે ઑફિસે નહીં આવવાનું જણાવી દીધું.

   સવારે બાપુજી જાગ્યા ત્યારે પૂછ્યું કે, ધારી જવું છે ?
   ચહેરા પર ઉકેલી શકાય એવો આનંદ ઝળહળ્યો. અત્યારે ચા- નાસ્તો કરીને નીકળીએ તો સાંજે પહોંચી જવાશે – એટલું સાંભળતાં જ એ ત્વરિત ઊઠ્યા. સામાન પેક કરવા લાગ્યા. મીના મારી બેગ તૈયાર કરવામાં પરોવાઈ. હું ઝડપભેર તૈયાર થયો. બાપુજી તૈયાર જ હતા. જતા બાપુજીને ખોળો પાથરી પગે લાગતી મીનાને આશીર્વાદ આપતાં બાપુજી એટલું જ બોલ્યા :
   - ભલું થજો, તમારા બેઉનું !

   મોટરે ગેટ છોડ્યો ત્યારે ન માત્ર ઝાપલી, પૂરો ગેટ ખુલ્લો હતો. બગીચામાં બે’ક પતંગિયાં ગમતાં ફૂલ પર ઊડા-ઊડ કરતાં હતાં. બાપુજીના હાથ જોડાયેલા હતા ને મીનાની આંખોમાં કંઈક કરી છૂટ્યાના હરખે બે આંસુ તગતગતાં હતાં. ઉગમણે, આ ક્ષણ જોવા સૂરજ થોડો ઊપર ચડ્યો ત્યારે મોટરે ગતિ પકડી લીધી હતી.
* * *


0 comments


Leave comment