63 - ગોરજટાણે / ધીરેન્દ્ર મહેતા


આજ આંખમાં
ફરી અચિંત્યું
ગોરજટાણું
કણકણ થઈ છવાય...

ગઢની રાંગે
હરતાફરતા
પડછાયાઓ ઊતરે નીચે,
ફળિયું આખું
કલ્લોલે છલકાય...

આટાપાટા
થૂઈથપ્પો રમતા,
ફેરફુદરડી ફરતાફરતા
પડી જવાની ગમ્મત કરતા,
અચકોમચકો કારેલીના
કૂંડાળામાં ભમતા
ચહેરાઓનાં ટોળેટોળાં
આમતેમ ઊભરાય...

આજ આંખમાં
ફરી અચિંતા
ગોરજટાણે
કોણ બધાંથી છૂટું થઈને
ખૂણે જઈ સંતાય ?
પાછળથી
હળવે હળવે આવીને અહીંયાં
કોણ આંખ પર હાથ દઈને
પાંપણ બીડી
પૂછે :
એન ઘેન
દીવાઘેન
તારા મનમાં કોણ કહે ?...

તે દી એ પુછાયો પ્રશ્ન
આજ ફરીને
સાવ અચિંત્યો
બંધ આંખમાં
પાંપણ વચ્ચે સરકી
સૂના મનમાં
ઠેઠ લગી ઘુમરાય...
અને અચાનક
ગોરજટાણું
આંખોમાં ફેલાય...

(૨૯-૧૦-૧૯૭૯)


0 comments


Leave comment