64 - નદી / ધીરેન્દ્ર મહેતા


એ વાતને વીતી હશે બસ પા સદી;
તમને હશે એ યાદ,
ધીરેન્દ્ર નામે ગામમાં વહેતી હતી કોઈ નદી ?
જે સાવ કોરી આંખની પાંપણ વચે,
એકાદ સૂકી આંસુની ધારા સમી,
એક ક્ષીણ ધારે જે સદા ચમક્યા કરી
મારગ વચે.

પટની ઉપર પગલી પડી
તે સાચવી લીધી બધી
રેતી મહીં જઈ ઊતરી !
છે યાદ તમને
ચંચળ કરી એની સપાટી કેટલીયે વાર પવને ?

છે યાદ તમને,
જળ કેટલું શોષ્યું હજારો સૂરજે ?
ને શંખલાં કે છીપલાં તો ઠીક,
એને કરીને ક્ષુબ્ધ
આકાશ – આ આકાશ પણ
એ વહેણમાં થઈને વહ્યું !

કૈં યાદ તમને,
થંભી હશે કૈં કેટલી
વણઝાર તો એના તટે !
ઝબકી ગયા ચહેરા હશે,
ક્યારેક ઝબકોળાઈને
લહેરાઈને, ભીંજાઈને
કે ઑગળીને કે ભળીને
વણઝારમાં સામેલ જે
ચાલ્યા હશે...
પાછળ રહ્યાં પંખી હશે
ને એય પણ ઊડ્યાં હશે,
નિજ છાંયને મૂકી
ઠૂંઠાં અને આ ઝાંખરાંઓમાં કદી...

ધગધગ થતી
આ રેતમાં
એ લુપ્ત થાતી જોઈ,
આ આટલામાં જે હતી,
ધીરેન્દ્ર નામે ગામમાં વહેતી નદી ?
એ વાતને વીતી હશે કૈં પા સદી...

(૩૦-૭-૧૯૮૦)


0 comments


Leave comment