65 - અમદાવાદના મિત્રોને–વતનમાંથી / ધીરેન્દ્ર મહેતા


અંતર એટલે શું એ પહેલવહેલું મને સમજાયું,
મિત્રો ! નહિ તો હું તો છું
પવનવેગી સાંઢણીઓના દેશનો રહેવાસી.
એકાધિક સૂર્યો ઝગઝગતા તમારા ચશ્માના કાચ પર,
તે રોજ સાંજે
મારા ચશ્માના બે કાચ પર
આથમે છે હવે.
સાબરની ક્ષીણસ્રોત લકીર
એ કાચની પડછે
મારી આંખોની પાંપણની અંદર લસરે છે.
આશ્રમ રોડના કોલાહલમાં,
લાલચટક બસની રંગ બેરંગી ભીડમાં
મને જે જડ્યું,
ન સચવાય મિત્રો,
ન સચવાય અહીંની મોકળાશમાં.

મને ક્યાં રહ્યો છે,
ક્યારેય રહ્યો છે વસવસો
પંખીઓનો મધુરવ ન સાંભળ્યાનો
તમારા કાવ્યછંદો સાંભળ્યા પછી ?...
અહીં મારા ખુદના પરિવારમાંય હું નર્યો આગંતુક;
કદી કદી તો
માતતાતભ્રાત ને ભાર્યાની આંખમાં પણ
પ્રશ્ન વંચાય છે આવો :
કોણ છો તમે...કોણ છો તમે ?
‘એ’ ગ્રેડના કેદીની જેમ
તમામ સુખસગવડોની વચ્ચે હું કેદી :
સંગી-વિહોણો.
અવારનવાર પુછાતા રહેતા પ્રશ્નનો ઉત્તર વાળી શકતો નથી –
શું દુઃખ છે તમારે તે વળી ?
એમ તો
હું બહાર રસ્તા પર પણ નીકળી શકું છું,
પણ જે વળાંકે વળી ગયા છે આ રસ્તા,
તેથી હું સાવ અજાણ;
અને હું વળું છું જે વળાંકે,
ત્યાં પાટિયું મારેલું છે : ડેડ એન્ડ.

આજુબાજુ
બધે
ઝગી રહ્યાં છે વહેવારિયાં સ્મિતો
અને ડાયાબિટિસ થઈ જાય એટલાં મિષ્ટ વાક્યો.
મને તો પાડી છે મિત્રો, તમે તીખાશની ટેવ.
(એ તીખાશનો તણખો જ રાખી શકે છે
પ્રજ્વલિત મારા પ્રાણને.)
અને
મારા ચહેરાની ફિક્કાશને જોઈને
સૌ પૂછે છે :
કેમ, શું છે દુઃખ તમને વળી ?
વતનમાં નિર્વાસિત થવા કરતાં બહેતર
મિત્રો, તમારી વચ્ચે વસી થવું દેશનિકાલ.
આ મુક્ત તાજી હવાની ગૂંગળામણ કરતાં બહેતર
નગરના કાર્બનડાયૉક્સાઈડમાં શેષ પ્રાણવાયુને
તમારી સાથે કટકો કટકો વહેંચી લેવો,
ને
તમે કરેલી ભીડમાં ભીંસાવું.
નગરની નિર્ભત્સના કરતા મિત્રો,
હું અહીંથી પોકારું છું સાંભળો,
આ કરતાં તો બહેતર છે બહેતર...

પણ –
હમણાં તો
હું સુખસગવડો વચ્ચે કેદ છું.
(અને સાચું કહું છું,)
અંતર એટલે શું એ પહેલવહેલું મને સમજાયું...
- ૨ –
પેરોલ પર છૂટ્યાનો આનંદ અનુભવું છું મિત્રો,
તમારાં કાવ્યો વાંચતાં વાંચતાં...
અક્ષરોમાં પુરાયેલો તમારો અવાજ
મુક્ત કરીને હું સાંભળું છું
શબ્દ વચ્ચેની રિક્ત જગામાંથી
તમારો વ્યંગ, તમારી વક્રતા,
તમારી ચાતુરીની ચમક, તમારા સંવેદનની સૂક્ષ્મતા
ખોદીખોદીને હું કાઢું છું
અને
એમાંથી રચું છું
તમારી છવિ.
પણ...પણ
પેરોલનો સમય તો કેટલો ?

(૨૩-૫-૧૯૭૮)


0 comments


Leave comment