66 - વતનમાંથી વિદાય થતા મિત્રને / ધીરેન્દ્ર મહેતા


તેં ગામ છોડ્યા પછી
જાણે મેં જ ગામ છોડી દીધું.

બસનાં પૈડાંએ છોડી દીધેલો રસ્તો
મને ક્યાં લઈ ગયો ?
આ રસ્તા સાથે
પસાર થઈ જવા સિવાય
હવે ક્યો સંબંધ રહ્યો છે મારે ?
આ ગામને ઘેરી વળેલા ગઢને
દુર્ગ કહીને આપણે ઓળખ્યો હતો.
આ કોટ-કાંગરાનેય (નથી એવો) એક અર્થ
આપણે આપ્યો હતો :
આપણું ગામ જાણે આપણું મેવાડ!

– આમ કહ્યાનો સમય
રાત અને દિવસ વચાળે કોઈક ક્ષણે
એક વાર તો હજુય રણકે છે
આ દુર્ગની અંદર ઊભેલા ટાવરમાં.

ગઢને અડીને આવેલા તળાવમાં પાણી ઉપર
ઋતુમાં કોઈક વાર ફફડેલી
પેલિકિનની પાંખોની રેખાઓ
એ પાણી સુકાઈ ગયા પછી
તળાવના તળિયે પડેલી તરડોમાં શોધી કાઢવાનું
આપણે નક્કી કર્યું હતું;
એ ઉપરથી હવે તો
લોકોની અવરજવર થવા લાગી છે.
ગામમાં પ્રવેશવાનો એ માર્ગ
મારે તો શા કામનો છે ?

ગામને પડખે આવેલી
એકાકિની નદીને
કોણે આપ્યું હશે ખારી નદીનું નામ ?
–તેં વેદનાસિક્ત સ્વરે પૂછ્યું હતું,
નદી સાથે જોડાયેલો અનુભવ તો હોય છે
મીઠાશનો...
પણ આજે
ખારી નદીના પટની આ
કળકળતી સુક્કાશનું શું ?

તારા સંગાથે ભરતો’તો એમ
આ પ્રશ્ન સંગાથે
સાત ડગલાં ભરીને
અપરિચયનો ઓછાયો ઓઢીને
મેં પણ જાણે આ ગામ છોડી દીધું,
તે ગામ છોડ્યા પછી.

(૯-૫-૧૯૮૩)


0 comments


Leave comment