68 - રસ્તો / ધીરેન્દ્ર મહેતા


આ રસ્તો, કેટકેટલીય વાર આંગળી પકડીને એ
મને લઈ ચાલ્યો છે ! કોઈ વાર વળાંક પર આવીને
એણે મને તેડી પણ લીધો છે ! મારે માટે ઠેકઠેકાણે
ઊભો ને ઊભો ચિરાઈને, મને સાચવી લેવા અનેક
જગાએ ટ્રાફિક પોઈંટથી વચ્ચોવચ વીંધાઈને આ
રસ્તાએ કેટકેટલી પીડા વેઠી છે !... પણ આ એ જ
રસ્તો છે, જે કેટકેટલાય પ્રસંગે મને આંતરીને પણ
ઊભો રહ્યો છે અને કેટકેટલીય વાર એણે મને
હડસેલી પણ કાઢ્યો છે !...તો કોઈ વાર સાવ અજાણી
દિશામાં જતાં અચાનક આ રસ્તો મને સામે મળે છે
અને ઓચિંતો હાઉક કરીને ઊભો રહે છે ત્યારે હું
ક્ષણાર્ધ પૂરતો ડરી જાઉં છું (પરંતુ પછી કેવો હળવો
ફૂલ થાઉં છું !) એ જ ક્ષણે આ રસ્તો મને પોતામાં
વીંટી લે છે અને પછી કેમ જાણે એ મારાં ચાલતાં
ચરણમાંથી જ ફૂટી નીકળતો ન હોય એમ લંબાયા
કરે છે અને મને સભાન કરતો રહે છે કે મારી
યાત્રા અનંત છે ! હું થાકીને એક કોરે બેસી જાઉં
એટલે એ શ્વાનની જેમ જીભ બહાર કાઢીને મારી
સામે હાંફયા કરે. પછી હું ઊભો થાઉં કે તરત
એ પણ માંડે ચાલવા. ઘણીય વાર એને ઝાંપાની
બહાર મૂકીને હું ઘરમાં પેસી જાઉં છું... પણ પછી
જ્યારે પણ દરવાજો ઉઘાડું કે એ રસ્તો પોતાના
બે લાંબાલાંબા હાથ લંબાવીને હસું હસું થતો મારી સામે
ઊભો રહે, અને ત્યારે મને એની કાળી મલમલ
જેવી ત્વચા પર આળોટવાનું મન થઈ જાય.

(૩૧-૮-૧૯૮૩)


0 comments


Leave comment