69 - નગરથી ગામ / ધીરેન્દ્ર મહેતા


બસમાં બેસી નીકળે નગર,
વીંધી જાય નગર;
ચાલે તો અહીં ક્યે મારગે ચરણો ચાલે,
માર્ગ બધા આ પૈડાં માટે !
કોણ સાંભળે ચીસ અને કહો,
કોણ સાંભળે ચિચિયારી,
ટૂંપાઈ જતી જે
બ્રેક–હોર્ન ને હોર્ન–બ્રેકની વચ્ચે.
અલગ પડી કદી પ્રશ્ન જગવતી –
માણસની આ ચીસ ? હશે !
કોણ અહીં રોકાય ?
અહીં બસ ઠેલંઠેલા !...
આ બધાંની વચ્ચે
જુઓ, આ કેવી સૂની સરિતા !
સૂતી એને મૂકી અહીંથી નગર
છેવટે ગયું નીસરી બહાર...
(નગરને જોઈ એને, એટલો તો વિસ્તાર ?)
છલંગ એની
પુલ થઈને
જડાઈ ગઈ છે અહીંયાં.
નથી નદીમાં જળ,
તરંગ ક્યાંથી હોય પછી ?
તરંગ ચળકે નિયોની નયનમાં
નગરનાં !
રાતદિવસનો ખાસ ભેદ ના,
મળ્યાં-વિખૂટાં પડ્યાં,
એનોયે કંઈ ખેદ ના !
જાહેરખબરમાં ચીતર્યાં યુગલો
એકબીજાંને જુએ;
ક્યાંથી જુએ એકબીજાંને
રસ્તા ઉપર પડી વિખૂટાં
આકળવિકળ થઈને ફરતાં યુગલો ?

બસમાં ભીંસોભીંસ શરીરો
એક તસુયે હલે ના;
જોકે, એના હોઠ રહે છે થીર પલે ના :
ભાષાના ભેદોને ભેદી અહીંયાં
અકળામણ સૌની પ્રગટે;
ધૂમ્ર બને ઉચ્છવાસ.
– એમને એમને એમ વીંટાતું જાય નગર
સતત ચાલતાં
બસનાં પૈડેપૈડાંમાં !

આભાર-પાટિયું પાદર ઊભું
ઓળંગીને
આગળ વધતું જાય નગર...
અને પછી તો બસને પૈડે
આખે રસ્તે
ખરતું ખરતું જાય નગર...
મેદાનોની મોકળાશમાં
જાય ડૂબતું જાય નગર...
ખેતરઊગ્યા
સોનેરી સરસવના રંગે
આમતેમ વીખરાય નગર..
ખબર પડે નહિ એમ એકાએક
રસ્તે ઊભા
કોક અજાણ્યા ખેતર વચ્ચે
ચાડિયાઓની અંધ આંખમાં
ક્યાંક ઊતરી જાય નગર...

પછી સવારે –
બારીમાંથી ધસી આવતું કિરણ સૂર્યનું
મારે ધક્કો
અને અચાનક
ઝબકી જાગી જોઉં;
બસને રોકી હસતા ઊભા ગામને મારા
બેઉ આંખે પ્રોઉં !

(૧–૧૧–૧૯૭૫)


0 comments


Leave comment