6.5 - કાનજી પટેલની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ




   હજારો વર્ષોથી આદિમ જંગલો અને ડુંગરોમાં વસતા આદિવાસી લોકોની વાત આપણી કવિતામાં ન્હોતી. કાનજી પટેલ પહેલીવાર નિસ્બતપૂર્વક એ પુરાતન સંસ્કૃતિ, વ્યવહાર, બોલીને પોતાની કવિતામાં લાવ્યા. તેમની પાસેથી ‘જનપદ' (૧૯૯૧), ‘ડુંગરદેવ' (૨૦૦૬) અને ‘ધરતીનાં વચન' (૨૦૧૨) એમ ત્રણ કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે.

   કાનજી પટેલે અછાંદસ કાવ્યોમાં અરૂઢ શૈલીએ કામ કર્યું છે. આદિવાસીઓના વટ-વ્યવહાર, આશા-નિરાશા, પ્રકૃતિ સાથેનું અનુસંધાન પાટના કર્મકાંડ, મેળાઓનું પ્રતીકાત્મક ભૂમિકાએ આલેખન કર્યું છે
“ગોઠિયો ને ગોઠિયણ સાલિયાં રે
સાલવાનાં ના હોય રે નામ
કાળજે બેઠાં સે મારા ગોઠિયાં રે''
(ડુંગરદેવ, પૃ.-૪૭)
   માંગોઠિયો-ગોઠિયણ એટલે કે પ્રેમી અને પ્રેમિકાના મનોભાવો ગૂંથાયા છે. આ જ પ્રકારના લોકગીતો પણ આદિવાસી પરંપરામાં મળે છે. કાનજી પટેલની કવિતા સંદર્ભે રઘુવીર ચૌધરી લખે છે :
   “કાનજીની કવિતા અરૂઢ છે. શબ્દલીલાથી રચાતાં ગીત કે ગઝલ રૂઢ લાગે છે, પરિચિત લાગે છે. એથી તદ્દન ભિન્ન છે કાનજી પટેલની ઇબારત અને ઈબાદત. કાનજી કવિતા લખે, વાર્તા રચે કે લઘુનવલ એની સામે પ્રત્યક્ષ લોકજીવન અને અપ્રત્યક્ષ સ્મૃતિ સાહચર્યો છે, સરહદી ડુંગરાઓના આશરે જીવતા લોકો છે. નાની નાની નાતજાત અને રીતરસમો, શિક્ષિત સમાજથી વેગળા રાખતી (વિશેષતાઓ) ભૂખ્યા તરસ્યા જીવી નાચતાગાતા રહી આખા વગડાનું આંગણું બનાવતા લોકો કેવા છે ? એ ગુજરાતી સાહિત્યના ભાવકને પરિચિત લોકજીવનથી પણ વધુ લૌકિક અને દૂરવર્તી છે.” (ડુંગરદેવ, પૃ.-૫)
   ધરતીનો ભૌગોલિક ઈતિહાસ પુરાકથાના મિશ્રિત સંદર્ભો વાળા કાવ્ય ‘કળ'માં આપણે તળપદ બાનીમાં આ રીતે જોઈ શકીએ :
“જળબૂડ થયું
હવે ?
કાચબાજી
જઈ લાવો કળ
એ.. આવ્યો
આ... આવ્યો
ભમ્મરજી
શ્વાસ ચઢાવો
પરપોટે
પગ મેલવા જેટલી કળ કરો”
(ડુંગરદેવ, પૃ.-૧)
   કળ એટલે ધરતી. જળ, કાચબાજી, બળિયાજીના સંદર્ભોથી આપણે પૃથ્વીની ઉત્પત્તિ પછીનો જીવની ઉત્પત્તિનો સંદર્ભ જોઈ શકીએ. ‘મેળામાં આવજો’ કાવ્ય પણ દંતકથાનો સંદર્ભરચિત મેળાની રચના છે.

   ડુંગર આ જનજાતિઓના દેવ સમાન છે. હજારો વર્ષોથી આજ ડુંગરને ખોળે એમની સંસ્કૃતિને અસ્મિતા પાંગરી છે. એ વાત ‘ઓ ડુંગરદેવ' કાવ્યમાં આ રીતે મુકાઈ છે.
“ડુંગર, ડુંગર, ઓ ડુંગરદેવ
અમે તને વાહદે મેલીએ
શીયાં જનમે એ વેળા તને નવાડીએ
પહોંચ્યો વાહદે તારા કાળજે ?”
(ડુંગરદેવ, પૃ.-૨૧)
   તો ‘પગદંડી' કાવ્યમાં માનવ સંસ્કૃતિનો આખો વિકાસક્રમ આ રીતે વ્યક્ત થયો છે.
“ડુંગર મેલી
ખેતર ઝાલ્યાં
ખેતર છોડી
ગામ જમાવ્યાં
ગામ વિખેરી
શહેર માંડ્યાં
કેડી દંડી વાટ
મારગ જળમારગ
આકાશમારગ”
(ધરતીનાં વચન, પૃ.૨૧)
   આમ કાનજી પટેલની કવિતામાં અભિનિવેષપૂર્વક અને નિસ્બતથી આદિવાસી સભ્યતા- સંસ્કૃતિ આવી. પ્રત્યાયનના પ્રશ્નો હોવા છતા એક મોટા સમૂહની વાત કાનજી પટેલની કવિતામાં પહેલીવાર આવી એ રીતે પણ એમની કવિતા આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો મહત્ત્વનો ઉન્મેષ છે.
* * *


0 comments


Leave comment