71 - વાડ / ધીરુ પરીખ


હું અહીં ઝૂમું છું ને તું ત્યાં –
પણ ‘અહીં’ અને ‘ત્યાં’ જેવું છે ક્યાં ?

વચ્ચે વાવેલી આ કાંટાળી વાડ,
એક પા હું અને બીજી પા તું
આપણે લહેરાઈએ છીએ બાજરિયાં !

આપણને આલિંગતા આ અનિલને
ક્યાં રોકી શકે છે આ વાડ ?
અને ત્યાંથી અહીં
અહીંથી ત્યાં
ઊડી ઊડીને બેસતા ટહુકાને
નડતી નથી વાડ.

નીચે ભોમતળમાંથી આપણને મળતું
પેલું અદ્રશ્ય પોષણ જળ તો એક જ છે.
એમાં તિરાડ ક્યાં પાડી શકે છે વાડ ?

તો પછી ભલે ને ઊભી આ વાડ.
વાવનારને એની ચિંતા !


0 comments


Leave comment