72 - કેન્દ્રચ્યુતિ / ધીરુ પરીખ


હું એક કથા છું
વર્તુળાયેલા કેન્દ્રની.

નાનાં, અતિ નાનાં
મોટાં, અતિ મેટાં...
કેટકેટલાં વર્તુળોને હું ધારણ કરું છું !
હું કેન્દ્ર છું,
સમસ્ત આ વર્તુળોની
સૃષ્ટિનું બીજક–

અરે,
પણ એ વર્તુળોસ્તો
બાંધે છે મને
વિધવિધ પરિઘોમાં !
મારે મુક્તિ જોઈએ છે.
સાંભળો છો કોઈ ?
મુક્તિ જોઈએ છે મારે મુક્તિ.

‘હે મુક્તિવાંછુ ભુક્તિરાજ,
પ્રત્યેક પરિઘ સાથે
કોઈ અદ્રશ્ય ત્રિજ્યાથી
સાદ્યંત સંબંધાયેલો છે તું.
પરિઘોના નાશની જુક્તિ
માર્ગ નથી મુક્તિનો;
એ તો છે કેન્દ્રત્વના
વિનાશની અવળ યુક્તિ !’

અરે, આ કોનો છે અવાજ –
ભીંતમાંથી પીપળો ફૂટે
એટલે સત્ય અને સમર્થ ?
પરિઘની પરંપરા ભલે વિસ્તરે
સ્વ-સ્થાનેથી ચ્યુત ન થાઉં હવે.

બે હાથ વડે સખત દાબી દઉં છું
આ કાન
તો ય
‘મારે મુક્તિ જોઈએ છે’ - ના પડઘા
આમ ક્યાં સુધી સતાવ્યા કરશે મને ?
ક્યાં સુધી ? ક્યાં સુધી ?


0 comments


Leave comment