73 - સૂર્ય...સૂર્ય...સૂર્ય... / ધીરુ પરીખ


………..तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।

વિક્રમ સંવત અમુક
માસ તમુકની ફલાણી તિથિના
હે, સૂર્યદેવતા !
ગઈ કાલથી આજ અદકેરી બનો
ગઈ કાલની કૂખમાંથી જન્મતી નથી આજ;
અને આજની કૂખમાંથી જન્મશે નહિ આવતી કાલ;
આ ક્ષણ પૂર્વેનો બધ્ધો કાળ તે ભૂતકાળ.
વિગત દિવસો તે તો ખરેલાં પાન;
અને વ્યોમમાં ફૂટતી કોમળ લાલાશમાં
પ્રગટ છે એક નવી કૂંપળ આજની.
કેવી છે આજની મજા !

ભૂત અને ભાવિનાં તે શાં ગજાં !
કેટલી પ્રગતિ કરી છે
આ સમયના વૃક્ષે
ખેરવી ખેરવીને પ્રત્યેક કાલનું પાન !
પાન તો આજનું જ સાચું.
બાકી બધું તો કાચું.
ગત કાલનું દૂર થાવ ડાચું.
આવતી કાલ – ભરોસો ન જેનો – માં
ક્યમ રાચું ?

આમ, આજનું રટણ કરતો કરતો
કૈં કેટલાં પામ્યો છું પળિયાં આજે !
પ્રત્યેક દિન એ જ દિનકર
પ્રત્યેક દિન એ જ સવાર
પ્રત્યેક સવારે એ જ સ્તોત્ર
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।
કાલ – ગઈ કાલ અને આવતી કાલ,
વચ્ચે આજ :
આ તો બધા સમયસાતત્યના સગવડ ખંડો
એનો ક્યારે ( ફૂટતો લાગે આજ )
ફૂટશે ભંડો ?
સૂર્ય અને સૂર્યોદય તે હરહંમેશ એક જ,
અને રોજ રોજ રટવા છતાંય પામ્યો છું
भर्गो देवस्य धीमहि ?
તેથી તો, હે મારા અન્ધ મન,
ભૂલી જા આજ.
સૂર્યની સનાતનતાને પહેચાની
ગઈ કાલ, આવતી કાલ અને આજની
ભ્રમણાને ભાંગી નાખ વંડો;
તેજના સ્તોત્રને જીભના ટેરવાથી નવ દંડો;
તેના તો સ્ત્રોતને ઝીલવા,
હે મન, મોકળું થવા મંડો.
કયારે સમજશે :
પછી નહિ હોય
વરસ, માસ, તિથિ;
હશે કેવળ
સૂર્ય...સૂર્ય. સૂર્ય


0 comments


Leave comment