74 - મૂળની તલાશ / ધીરુ પરીખ


ચોતરફનાં આ પર્ણોની જેમ
હું સુરખીલું મરકતું’તું
ને લીલું લીલું હરખતું’તું.
ત્યારે તો હું માનતું :
મારું સત્વ અને સ્વત્વ
પકડી રાખે છે ડાળને;
જકડી રાખે છે
સ્વયં કાળને
મારી આ તગતગતી રગરગમાં.

પણ આજે તો
પીળું પીળું ખખડું છું
ને રખડું છું
જર્જર થઈ તરુ તળે
મૂળની તલાશમાં,
જેણે અદીઠ રહી
ગ્રહી રાખ્યું’તું મને ડાળ પર.


0 comments


Leave comment