75 - વણઆથમ્યા યુગની વાત / ધીરુ પરીખ


ઈતિહાસ શીખવે છે કે
પથ્થરયુગ તો ક્યારનો...ય પૂરો થઈ ગયો છે !
બર્બરતાના તમસને વીંધી
ક્યારનીય ફૂટી છે સભ્યતાની તેજ-ટશરો.
પણ તો પછી ચોતરફથી
આ પથ્થરવર્ષા શાની ?

ઊના ઊના લોહીથી ખરડાયેલો આ પથ્થર...
શું એની વજ્રદંષ્ટ્રામાંથી
સદીઓથી ટપકતું રુધિર
હજી સુકાયું નથી ?
કે
ચકચક ચકચક થતી
કાચની કીકીઓ એને ખૂંચવા લાગી
જેથી એની કચ્ચરો કરી ફોડી નાખી
સભ્યતાની આંખ ?
હથેળીઓનાં સુંવાળાં કવચમાં
અકબંધ પથ્થરને જોઈ
પગના અસંખ્ય પંજા ભાગે છે
પગલાંમાં જીવ લઈને.
અને
હરખાય છે ડનલૉપી હથેળીઓમાં
આસન જમાવી આરામથી બેઠેલા પથ્થર :

તમારે તે મને સભ્યતાનું કફન ઓઢાડી
ઘણોય લઈ જવો હતો કબ્રસ્તાનમાં;
પણ હું તો મૃત કુરબાનીઓની અમર ગાથા ગાતો
પાદરે પાદરે જીવતો ઊભો છું.
અને
મને ખાતરી છે કે શહીદોની ખાંભીઓમાં
તમે મને ઊભું કરીને નહિ જ મરવા દો...

ઈતિહાસ તો શીખવે છે કે
પથ્થરયુગ ક્યારનો...ય –
પણ આપણે ઈતિહાસ શીખ્યા જ ક્યાં છીએ ?


0 comments


Leave comment