76 - ગાળ / ધીરુ પરીખ


આમ ને આમ આપણે પ્રાણીઓને
ક્યાં લગી વગોવ્યાં કરીશું ?

કહે છે કે ટોળામાં માણસ પશુ બની જાય છે.
પણ દેખાય છે ક્યાંય
ચાર પગ
બે શિંગડાં
એક પૂછડું ?
ધણમાં તો પશુ ય ચાલે છે, એકલું હોય તેમ –
પિતાનાં વ્યક્તિત્વને – પશુત્વને – જાળવીને.

ટોળામાં ક્યાંય છે માણસ ?
ટોળું એટલે તો વ્યક્તિત્વનો જનાજો.
પણ એમાં જનાજાની એ ક્યાં છે અદબ ?
ત્યાં તો છે માતમની એ મહેફિલ.
અને એ મહેફિલને દૂરથી જોઈ રહેલા
એક પશુની આંખનો આતંક...

સારું છે કે એને વાચા નથી,
નહિતર ટોળામાં હાલતી ચાલતી વ્યક્તિત્વની લાશોને જોઈ
એ કરગરી ઊઠત : ‘અમને આમ માણસ તરીકે વિકસવાની ગાળ ન દેશે.’


0 comments


Leave comment