77 - વૃક્ષનો પ્રશ્ન / ધીરુ પરીખ
ઓહોહોહો !
કેટલું ઘટાટોપ હતું મારા બાગમાંનું આ વૃક્ષ !
(તરુણ વયના સ્વપ્નલચ્યા મારા મન જેવું.)
ક્યાંય ક્યાંયથી આવીને
પંખીઓ ઉપર બેસતાં, ઊડતાં, બેસતાં, ઊડતાં
અને ક્યારેક ચાલ્યાં જતાં
વીંખાએલા માળા મૂકીને.
અકણો પવન આવી
અંદર ભરાઈ જતો,
હચમચાવી મૂકતો પાંદેપાંદને;
અને વીંખાએલા માળામાંથી
ધરતી પર સળેકડાં તૂટી પડતાં
(અભાગિયાની ભાગ્યરેખાઓ જેવાં.)
ધખતા બપોરે
છાંયો ઓઢી ખાટલામાં પડેલી
મારી કાયા પર
જાણે તૂટી પડતા ગર્ડરો :
ભારકચર્યા મને હું ઊંચે જોતો,
તો
વૃક્ષ તે નર્યું નઘરોળ !
હજી આજે પણ જોઉં છું તો
એ એવું જ નઘરોળ અને નિષ્પર્ણ
ઊભું છે અડીખમ.
મારી સામે નીરવ હસતું
જાણે પૂછે છે મારા ઘટાટોપ મનને :
ખેરવતાં આવડે છે કે મારી જેમ પર્ણોને વૈભવ ?
0 comments
Leave comment