80 - આપવી હોય તો / ધીરુ પરીખ


અદ્રશ્ય રહી
કૃષ્ણે પૂર્યા હતાં પાંચાલીનાં ચીર :
અને પડી ગયાં હતાં
કૌરવોનાં મોં.
ત્યારે લાજ રહી હતી
કૃષ્ણની કે કૃષ્ણાની ?
મારે ક્યાં જવાબ જોઈએ છે તે !
હું તો છું શબ્દ
કેવળ શબ્દ
ભરી સભામાં લૂંટાતો શબ્દ :
મારા આર્ત્તનાદને
પહોંચે તો પહોંચાડવાનો છે કૃષ્ણ સુધી,
(જો હજુ એની શ્રવણેન્દ્રિય સલામત હોય તો)
કે જા
નથી જોઈતાં મારે તારાં ચીર;
આપવી હોય તો આપ
આ અહીં મૂક બેઠેલા
ભીષ્મો, દ્રોણો અને પાર્થોને
સ્વધર્મના રક્ષણની દિક્ષા :
स्वधर्मे निधन श्रेयः
स्वधर्मे निधन श्रेयः
स्वधर्मे निधन श्रेयः


0 comments


Leave comment