81 - સંશય / ધીરુ પરીખ


વનની વાટમાં પડેલા એક પથ્થરને
સ્પર્શ થયો હતો શ્રીરામનાં ચરણનો
અને
પછી તો તમે ક્યાં નથી જાણતા કે
એ શલ્યામાંથી પ્રકટી હતી
અહલ્યા !

એથી જ મારા શબ્દો
શ્રીરામના ચરણસ્પર્શની રાહ જોતા
ક્યારનાય ખોડાઇ રહ્યા છે વાટમાં—

એ આવશે
જરૂર આવશે રામ
અને તારશે
મારી શબ્દશલ્યાને...

પણ
થાય છે કે
આ અત્યારની
મારી શબ્દશલ્યાઓ
ક્યારેય અહલ્યાઓ હતી ખરી ?


0 comments


Leave comment