84 - જામ્યું છે સાચું જુદ્ધ / ધીરુ પરીખ


જાણે
સકલ વ્યૂહરચનાનો તાગ પામી
ઝંપલાવ્યું અભિમન્યુએ.
એક પછી એક કોઠો વીંધતો જાય છે એ;
અને
આવી પહોંચે છે છઠ્ઠા કોઠે.
એ પણ વીંધાય છે.
હવે બાકી રહે છે. માત્ર સાતમો કોઠો.
એ વીંધાય એટલી જ વાર છે.
પછી તો અભિમન્યુનો વિજય જ વિજય.
પણ ત્યાં તો આ શું ?
ખુદ અભિમન્યુ જ વીંધાઈ જાય છે !
લો,
આજ
આ મારા શબ્દો
છઠ્ઠો કોઠો તો પાર કરી ગયા !
હવે સાતમા કોઠે જ
જામ્યું છે સાચું જુદ્ધ.

ગર્ભાવસ્થામાં
માત્ર હોંકારો દેવાની ભૂલે જ
ડૂલી ગયો અભિમન્યુ.

હે શબ્દો !
જન્મતાં પહેલાં જ
જો દીધો હશેને હોંકારો...
તો
હવે સાતમા કોઠે જ
જામ્યું છે સાચું જુદ્ધ.


0 comments


Leave comment