85 - માણસને ઊગતી નથી ડાળીઓ / ધીરુ પરીખ


વૃક્ષને ફૂટતા નથી હાથ
અને
માણસને ઊગતી નથી ડાળીઓ.
હાથ એટલે તો કર્મ
અને
ડાળીઓ એટલે ?
ડાળીઓ એટલે ડાળીઓ એટલે ડાળીઓ.
એકમેકને ન આપી શકે તાળીઓ !

આમ તો માણસની યે પૂર્વે પાંગરેલાં
આ વૃક્ષો
હજુ મૂળથી ક્યાં આગળ વધી જ શક્યાં છે ?
આંબાને ?
તો કે’ આંબાને જ ચહેરો.
વડને ?
તો કે’ વડવાઈનો જ પહેરો.
ને માણસને ?
તો કે’ ઊભા રહો,
તપાસી જોઉં કોનો છે ચહેરો...
...તપાસમાં તો એવું આવે છે ને કે –
પણ જવા દો....
વૃક્ષને ફૂટતા નથી હાથ
અને
માણસને ઊગતી નથી ડાળીઓ.


0 comments


Leave comment