87 - પ્રિયકાન્તને / ધીરુ પરીખ


પ્રિયકાન્ત, પ્રિયકાન્ત !
આટલું બધું તો હજુ કાલ તમે બોલ્યા હતા;
આજ કેમ આટલા છો શાન્ત,
પ્રિયકાન્ત !
ગહવરથી આવતી કો ધોધવાણી જેવો તવ બોલ
અવ તો આ શ્રુતિ કેવી ઉજડી બખોલ !

રિસાઈ જવાતું હશે એકાએક આમ
આંબી નવ શકીએ કો એવે તે મુકામ ?
માનવીને માનવીનો આટલો જ સંગ ?
આભ-ઝૂક્યા મેઘધનુ રંગ !

કહી દઉં ફૂલને કે હવે ગંધ ખોલશો ના ?
કહી દઉં તરુને કે હવે તમે ડોલશો ના ?
કહી દઉં ખગને કે હવે તમે બોલશો ના ?
ના, ના. તો તો ભીતિ :
સ્મરણો જે અહીં રહ્યાં
એ તો જાય વીતી.

મનુજની આંખે તમે જે જે બધું લહ્યું
કવિ
ત્રીજી આંખે તમે બસ એટલું જ કહ્યું :
ભલે જલે કામ
ભલે રતિ રડે આમ.

અરે, તમે થયા ક્રૂર ?
થાય કદિ કવિ ?
બને એવું
જાણવું જ વાત થઈ નવી !

આંખ થકી જે જે બધું જોવું
એક દી તો એને રહ્યું ખોવું.
એથી કરી
હતું આ તો અંતર જે
તમારી ને અમારી વચાળ
સાલ્યો હશે એનો જરી ખટકો તે
તોડી - છોડી તેથી તમે
અંતરમાં સર્યા તત્કાળ ? –
હવે રુધિરમાં ફરતો રહે શ્ર્વાસ
ફૂલ મહીં ફરતી રહે વાસ
પ્રિયકાન્ત
એટલા તમે છો હવે પાસ;
કેટલા તમે છો હવે પાસ !


0 comments


Leave comment