23 - તમે ગીતા પાઈ, પચી નહિ અમોને / ઝવેરચંદ મેઘાણી


બજો બજો ગંભીર ઘોર આરતી
[કૃષ્ણજન્માષ્ટમી નિમિત્તે]
0
તમે ગીતા પાઈ, પચી નહિ અમોને;
તમો ગયા ગાઈ, ન આવડ્યું અમોને.
તમે ત્યજ્યાં શાસ્ત્ર સમર્થની છટાથી
અમે ય નિઃશસ્ત્ર અશક્તની અદાથી ! ૧.

બજાવી તે વેણુ, અમે ન સૂર ઝીલ્યા;
ચરાવી તે ધેનુ, અમે પૂજન્ત ખીલા !
તમે મરીને અમરત્વ મેળવ્યું
અમે ડરીને શતધા મરણ સહ્યું. ૨.

તમે પીધી કાળપ કાળી રાતની,
તમે પીધી કાળપ કાળીનાગની,
તમે પીધી કાળપ કુબ્જકા તણી,
તમે પીધી કાળપ કંસ—કાળની. ૩.

અરે તમે આખર ભાઈ ભાઈનાં
કરાળ કાળાં વખ–વૈર ઘોળિયાં,
છતાં રહી બાકી વિષાક્ત કાલિમા
કુટુંબીના ક્લેશની, તેય પી ગયા. ૪.

પ્રભાસનાં પીપળ–પાંદડાં હજી
ભરી રહ્યાં સાખ પરમ પીનારની;
તમારી જન્મોત્સવની બજે ભલે
હજાર ઘંટા વ્રજકુંજ—ખોળલે. ૫.

પરંતુ—

યુગેશની આખર બંધમુક્તિની
બજો અહીં ગંભીર ઘોર આરતી !0 comments


Leave comment