31 - સૂર શું છે શું ખબર, પણ તાર થાતાં થૈ ગયાં / અશરફ ડબાવાલા
સૂર શું છે શું ખબર, પણ તાર થાતાં થૈ ગયાં,
રાગિણી ને રાગનો આધાર થાતાં થૈ ગયા.
એની જય બોલો કે જેઓ યુગ બની ખીલી રહ્યા;
આપણે તો ઝાડ પર પળવાર થાતાં થૈ ગયા.
છોળ કે છાલકની અમને ક્યાં કશી સમજણ હતી;
ફાગણોમાં રંગનો અણસાર થાતાં થૈ ગયા.
હોઠ પર જે કલરવો ક્યારેય લાવી ના શક્યા,
આજ એ કાગળ ઉપર ઉદ્દગાર થાતાં થૈ ગયા.
આપ અમને પૂજશો કે તોડશો કોને ખબર ?
શબ્દની માટી લઈ આકાર થાતાં થૈ ગયા.
0 comments
Leave comment