40 - વાત મૂકી વારતાની વાતમાં આવી ગયા / અશરફ ડબાવાલા
વાત મૂકી વારતાની વાતમાં આવી ગયા,
જાત છોડી જાતરાની વાતમાં આવી ગયા.
મન ફરી પાછું વળી ઘરની તરફ જોતું રહ્યું;
પગ બિચારા કાફલાની વાતમાં આવી ગયા.
ક્યાં મમત આકારની અમને હતી કોઈ ક્ષણે;
પણ સમયના ચાકડાની વાતમાં આવી ગયા.
જંગલોને ઠેશ મારીને સવારે નીકળ્યા,
ને બપોરે છાંયડાની વાતમાં આવી ગયા.
લાખ જાકાર મળ્યા, પણ અંતમાં તો આપણે –
અધખૂલા એક બારણાની વાતમાં આવી ગયા.
0 comments
Leave comment