60 - પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો / અશરફ ડબાવાલા


પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો,
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો.

તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો.

તમે જે પાળિયાને પૂજતા હો એ જ બેઠો થૈ,
ધસે હથિયાર લૈને મારવા તો ખાવ ખોંખારો.

મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.

જો તમને રોજની ઘટમાળમાં ડૂબેલ જોઈને,
જવા લાગે સ્મરણના કાફલા તો ખાવ ખોંખારો.

જગતના ટાંકણા સામે ખડક થૈને અડગ રે’જો,
મથે આકાર કોઈ આપવા તો ખાવ ખોંખારો.

તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.


0 comments


Leave comment