62 - સરી જઈને હથેળીથી સકળનો અર્થ શોધે છે / અશરફ ડબાવાલા
સરી જઈને હથેળીથી સકળનો અર્થ શોધે છે,
હવે એ શબ્દકોષોમાં કમળનો અર્થ શોધે છે.
તું તારા હાથમાં શું છે કદી સમજી નથી શકતો;
અને આકાશમાં જોઈ અકળનો અર્થ શોધે છે.
ઝલક જેને મળી તારી, તરી ગ્યા એ જનમ આખો;
નથી જે જોઈ શકતા તે પડળનો અર્થ શોધે છે.
એ સજ્જડ હાર ખાઈને સમયની ધૂળમાં ભળશે,
હજી પોતાના બળથી જે પ્રબળનો અર્થ શોધે છે.
ઘણું સારું થયું ડૂબી ગયાં તોફાનમાં અશરફ;
બિચારા જે બચી ગયાં એ વમળનો અર્થ શોધે છે.
0 comments
Leave comment