0 - કલ્કિ પ્રસ્તાવના / પ્રમોદકુમાર પટેલ
પોતીકા અવાજની ખોજમાં
આ તરુણ કવિને પોતાની તાજી જ રચાયેલી કૃતિનું પઠન કરતા તમે ક્યારેક સાંભળ્યા હશે. એવા એક પ્રસંગની તેમની વિલક્ષણ ભાવમુદ્રા મારા મનમાં દ્રઢ અંકિત થઇ ગઈ છે : ઘેરી આંખોમાંથી ઝમી આવતું કશુંક અપાર્થિવ અજવાળું નક્કર રણકતો અવાજ અને ભરપૂર આત્મશ્રદ્ધાથી ઉચ્ચારાતો શબ્દ... એવી ક્ષણે તમને લાગે કે આ કવિ પોતીકા અવાજની – પોતીકા શબ્દની – ખોજમાં છે. આગવો માર્ગ કંડારવાની તીવ્ર મથામણમાં છે. આ ભાવસંદર્ભમાં એકાએક જ તેમની એક ગઝલની પંક્તિ મનમાં ચમકી જાય છે, બલકે રણકી ઉઠે છે : ‘હું તિરાડોમય તરસનું શિલ્પ એવું કોતરું...’ અને તરત જ પડઘો પડે છે : સાચે જ, આ કવિ ‘તિરાડોમય તરસ’નું શિલ્પ રચવા તત્પર બન્યા છે. તેમના અંતરની કોઈ ગૂઢ ઝંખના જાણે કે એમાં અસંપ્રજ્ઞાતપણે વ્યક્ત થઇ ઉઠી છે.
‘કલ્કિ’ની બધીય રચનાઓ – ગઝલો અને ગીતો અને અરૂઢ આકારની કૃતિઓ – માંથી પસાર થતાં એવી એક લાગણી દ્રઢ થાય જ છે કે અહીં આ કવિ અંદરની કોઈ ‘તિરાડ’ને સાંધી લે તેવા અખંડ શબ્દની શોધમાં છે. અહીં ગ્રંથસ્થ થયેલી અનેક રચનાઓ તિરાડનો લોપ કરી અખિલાઈ સાધી શકી છે; જ્યારે બીજી રચનાઓમાં શબ્દો તૂટ્યા છે, તરડાયા છે; અને અભિવ્યક્તિમાં અંદરની તિરાડ વરતાય છે. અને છતાંય, બળૂકી સર્જકતા ધરાવતા આ કવિની શબ્દસાધનાનું આપણને અનોખું મૂલ્ય પણ છે.
આજના આપણા અનેક તરુણ કવિઓની જેમ જયેન્દ્રને પણ ગીત અને ગઝલનાં પ્રકારમાં કામ કરવાનું વધુ ફાવ્યું છે. છતાં એમ સ્પષ્ટ કરવું જોઈએ કે એ બંનેય પ્રકારોમાં અભિવ્યક્તિની અવનવી રીતિઓ સિદ્ધ કરવા તરફ તેમ જ નવા અરૂઢ આકારો રચવા તરફ તેમની સતત ગતિ રહી છે. વાસ્તવમાં તેમની સર્જકતાના સ્ત્રોતમાં ભિન્નભિન્ન, કદાચ સમવિષમ એવાં, વલણો એકી સાથે કામ કરી રહ્યા છે. આત્મગત સંવેદનોને રજુ કરવા ગીત અને ગઝલ જેવા રૂઢ નિશ્ચિત પ્રણાલીવાળા પ્રકારોનો સ્વીકાર કર્યો છે, તો એ જાતની પ્રણાલીઓથી અળગા રહી નવા અરૂઢ આકારો ઊભા કરવાની તેમની સતત મથામણ રહી છે. વળી લોક-જીવનના તળપદા ભાવો અને લોકબાનીમાં તત્વોનું અનુસંધાન છે, છતાં શિષ્ટ ભાષામાં પુનર્વિધાનના પ્રયોગો પણ સાથે આરંભ્યા છે. લોકજીવનના પરિવેશમાં ગતિ કરે છે ત્યાંથી, એક બાજુ આદિમ પ્રાકૃત લાગણીઓના આલેખન તરફ તો બીજી બાજુ લોકોત્તર અનુભૂતિઓના અવતરણ તરફ તેઓ મીટ માંડે છે. આમ, ભાવ ભાષા લય અને પ્રકૃતિ પરત્વે જુદી જુદી દિશામાં બળો સક્રિય બન્યાં હોય, ત્યારે સમગ્ર રચનામાં સુગ્રથિત સંવાદી પોત નિર્માણ કરવાના પ્રશ્નો ઊભા થાય જ. બીજી રીતે કહીએ તો, આગવી પદાવલિ કે બાની (diction) સિદ્ધ કરવાની બાબતમાં, તેમની કૃતિઓની તપાસ રસપ્રદ બની શકે. તેમની કાવ્યરચનાની સફળતા-નિષ્ફળતાના પ્રશ્નોને બાનીના પ્રશ્નો જોડે સીધો સંબંધ છે, એમ તરત લાગશે.
આમ નિજી માર્ગે ચાલવાની, નિજી માર્ગ કંડારવાની, સભાનતા જયેન્દ્રમાં છે. પ્રચલિત ગીતોમાં લોકરંજક તત્વોને બને તેટલાં ગાળી કાઢવાં અને વ્યંજના-સમૃદ્ધ એવું પોત (texture) અને રચાનાબંધ (structure) નિર્માણ કરવાં, એ તેમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. કવિ ન્હાનાલાલે જે ગીતરચનાઓ આપી હતી તેમાં શબ્દનું લાલિત્ય લવચીકતા અને સંગીતાત્મકતા મુખ્ય હતાં. ભાવ અને ભાવનાની ઉદાત્તતા અને રંગદર્શી કલ્પનાનું અનુસંધાન એમાં હતું. પ્રહલાદ-રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાંત, હરીન્દ્ર આદિમાં અને અનુગામીઓમાં રમેશ, અનિલ, માધવ, મનોજ આદિમાં ગીતનું અંતરંગ અને બહિરંગ સૂક્ષ્મ રીતે બદલાતું રહ્યું છે. અછાંદસ રચનાઓમાં સામાન્ય રીતે વ્યક્ત થવા ચહે તેવી પ્રાકૃત અનુભૂતિઓ હવે ગીતનો વિષય બની રહી છે. અજ્ઞાત મનની ઝંખનાઓ તૃષ્ણાઓ અભીપ્સાઓ અને સંઘર્ષી ક્ષણોનું એમાં અનુસંધાન થવા પામ્યું છે. એમાં મૂર્ત વિગતો અને રંગદર્શી સૂક્ષ્મ વાયવ્ય સંવેદનાઓ એકી સાથે એકત્ર થતી દેખાય છે. ગીતના લવચીક મુલાયમ રૂપને ચાહીને ગદ્યકાવ્ય કે અછાંદસની સંકુલ સૃષ્ટિનાં સીમાડા પર ખેંચી જવાનું પણ દેખાય છે, કશુક ફૂટ કઠોર તત્વ એના સંસ્પર્શમાં વરતાય છે. જયેન્દ્રની રચનાપ્રવૃત્તિમાં ગીતલેખન વિશેષ ધ્યાન ખેંચે છે, અને એ ગીતની દિશા આ જાતની સંકુલ સૃષ્ટિ તરફની છે.
જયેન્દ્રની ગીતરચનાઓ એક અનોખો વ્યાપ (Range) બતાવે છે. એમાં એક છેડે તળપદા ભાવો ને લોકબાનીનાં તત્વોવાળી વિશેષ શૈલીની રચનાઓ છે, બીજે છેડે અરૂઢ આકારની, ગીતના રચનાતંત્રમાં ફેરફાર કરી અનુનેય માળખું ઊભું કરવા ચાહતી, નવીન રૂપની રચનાઓ છે. જોકે વધુ સુભગ પરિણામ તો લોકબાનીમાં રચાયેલી રચનાઓમાં આવ્યું છે.
આણાની તાલાવેલીનું ગીત
અમીં પ્હેલેરી મીટની ફાળ, મોરી સૈયરું
ક અમીં જોબનની મધમીઠી ગાળ, મોરી સૈયરું
અમીં સોળ સોળશમણાંને તાક્યાં, મોરી સૈયરું
ક અમીં પંછાયા પૂંજીને થાક્યાં, મોરી સૈયરું
અમીં ફાગણ ઢબૂકિયાં ઢોલ, મોરી સૈયરું
ક અમીં છેડે ગાંઠેલ બે’ક બોલ મોરી સૈયરું
અમીં આંખ્યુંમાં આંજેલી રાત, મોરી સૈયરું
ક અમીં ધબકારે ગૂંથેલી વાત, મોરી સૈયરું
અમીં કેસરિયા હારતોરે ઝૂલ્યાં, મોરી સૈયરું
ક અમીં ચીઠ્ઠી ચબરખીએ ડૂલ્યાં, મોરી સૈયરું
અમીં એનઘેન વીંઝણા ઢોળ્યા, મોરી સૈયરું
ક અમીં ગુલાલે અંગઅંગ બોળ્યાં, મોરી સૈયરું
અમીં મોઘમ અખાત્રીનું તેડું, મોરી સૈયરું
ક અમીં ફાટેલા પ્હોરની વેળુ, મોરી સૈયરું
-આણાની ઝંખનામાં જીવતી તરુણીનું આ ભાવસંવેદન, આમ તો લોક-જીવનની એક પરિચિત વસ્તુ લાગશે પણ અહીં એ સંવેદનની વિશિષ્ટ અભિવ્યક્તિ અને એની આકૃતિ અસાધારણ ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. રચનાની બાની, ઢાળ અને બીજભૂત સંવેદનામાં લોકગીતનાં તત્વો જોડાયેલા છે. પણ જયેન્દ્રના કવિકર્મનો સઘન સંસ્પર્શ એ સૌને મળ્યો છે. ‘અમીં’ ‘મોરી સૈયરું’ અને ‘ક’ જેવા લોકગીતનાં તત્વો, રચનામાં અનોખી લવચીકતા અને માધુર્ય આણે છે, પણ, એથીય વિશેષ તો, દરેક પંક્તિની વ્યંજનાસભર રજૂઆત મહત્વની છે. કાવ્યભાષાના ઘનીભવનની પ્રક્રિયા અહીં બારીકાઇથી અવલોકવા જેવી છે. ‘અમીં પ્હેલેરી મીટની ફાળ’ – એ પ્રયોગમાં જ નાયિકા પોતાને ‘પ્હેલેરી મીટની ફાળ’ની જીવંત મૂર્તિરૂપે લેખે ઓળખાવે છે, તે સૂચક છે. એ રીતની અભિવ્યક્તિથી જ કૃતિમાં અસાધારણ બળ અને ચોટ જન્મ્યાં છે. ‘અમીં જોબનની મધમીઠી ગાળ’માં લોકોની સ્થૂળ દ્રષ્ટિએ કદાચ નિંદા પણ અંતરનાં સત્વને સંતર્પક એવી મર્માળી ઉક્તિનો નિર્દેશ છે, ‘સોળ સોળ શમણાં’ – એ પ્રયોગની સંદિગ્ધતા જ આસ્વાદ્ય છે. એથી સોળ શણગાર સજતી વેળા સેવેલાં સોળ શમણાનું, કે સોળ વરસ સુધી સેવેલાં સ્વપ્નોનું સૂચન જોઈ શકાય. ‘પંછાયા પૂંજીને થાક્યાં’માં કશીક ભ્રાન્તિમય પ્રવૃત્તિના નિરસનનો સ્વીકાર છે. જે ઝંખનાની મૂર્તિ રહી છે, જે કામ્યમૂર્તિ છે, તે સદાય છટકણી રહી ગઈ છે, અને તે માયાવી મૂર્તિની ઉપાસનાનોય હવે થાક લાગ્યો છે, એ જાતના આલેખનમાં નાયિકાની અધીરાઈ વ્યક્ત થઈ ઊઠે છે. વળી, ‘ફાગણ ઢબૂકિયાં ઢોલ’ એ પ્રયોગમાં, યૌવનનાં નિર્બંધ ઉલ્લાસ અને તેની ઉન્માદી ધડકન જોડે નાયિકા પોતાને સરખાવે છે. પછીની પંક્તિ ‘છેડે, ગાંઠેલ બે’ક બોલ...’માં કુટુંબજીવનની એક અતિ હૃદયસ્પર્શી ઘટનાનું સૂચન છે. વિદાય માગતી કન્યાને ઘરના એકાંત ખૂણે માતાએ અશ્રુભીની આંખે શિખામણનાં જે ‘બે બોલ’ કહ્યા હતા, તે હજીયે તેના પાલવનાં ‘છેડે’ ગંઠાયેલા રહ્યા છે. નાયિકા પોતાને એ ‘બે બોલ’ રૂપે લેખવે. એમાં જ બાનીની ચમત્કૃતિ છે. આમ, નાયિકાનું ભાવજગત પંક્તિએ પંક્તિએ જુદા જુદા સંદર્ભો સાથે ઊઘડતું જાય છે. અતિ લાઘવભરી બાનીમાં સંવેદનની સૂક્ષ્મતાઓ અને સમૃદ્ધ સંદિગ્ધતાઓ છતી થાય છે. એકેએક પંક્તિ એકસરખી ચોટદાર બની આવી છે. રચના ક્યાંય શિથિલ બનતી નથી. જયેન્દ્રની ગીતરચનાઓમાં આ એક ઉત્તમ પ્રાપ્તિ છે.
લોકજીવનની ભાવોર્મિનું આ જ રીતનું આલેખન ‘લગ્નિલ કન્યાનું ગીત’માં મળે છે. અહીં પણ લોકબાનીનું પરિમાર્જિત રૂપ જ અસરકારક રીતે યોજાયું છે. અભિવ્યક્તિમાં સૂક્ષ્મતા સિદ્ધિ કરીને જયેન્દ્ર આ રચનાને પણ ઊંચી કળાત્મકતા અર્પી શક્યા છે.
લગ્નિલ કન્યાનું ગીત
ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશમાં
અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજવી !
ઝમણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી !
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇને ચાલ્યા રે ભૂવા પરદેશના
આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી !
ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી !
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર-કૂવા
અમને લઇને ચાલ્યા રે ભૂવા પરદેશના
-એક નવોઢાના હૃદયના ઊંડા લાગણીપ્રવાહોનું અહીં હૃદ્ય શૈલીમાં નિરૂપણ થયં છે. લગ્નથી જોડાઈને પતિને પગલે વિદાય લેતી કન્યાને, આ ક્ષણે, ગઈ કાલ સુધીનું અહીનું આ કુટુંબજીવનનું, અહીંનાં આ વતનનું, પોતાનું અસ્તિત્વ, એકાએક અવાસ્તવિક લાગે છે, આગળા ભવ જેટલું છેટું, સ્વપ્નશું લાગે છે. એટલે જ કુમારિકાવયના સોળ વરસ તે અત્યારે ‘ઝાંખા સોળ વરસના દીવા’ જેવા એકદમ નિસ્તેજ ભાસે છે. ‘પાછળ મેલ્યાં પાદર-કૂવા’ – એ ઉક્તિમાં એકાએક દૂર હડસેલાઈ જતા વતનનું એક ગતિશીલ ચિત્ર ઊભું થયું છે, ‘અમને લઇ ચાલ્યા રે ભૂવા પરદેશનાં’ – પંક્તિમાં નાયિકાના હૃદયની સંકુલ ભાવદશાનું અસાધારણ ચિત્રણ થયું છે. જે તરુણનું મુખ હજી તો બેચાર ઘડીના સાન્નિધ્યમાં જ જોવા પામી છે, તેની પાછળ તે ઘેલી બની ચૂકી છે, તેની અજબની મોહિનીમાં તે ફસાઈ ચૂકી છે. જાણે કે તેના કામણટૂંમણ નીચે તે વિવશ બની ગઈ છે. એ રીતે ‘ભૂવા પરદેશના’ જેવો પ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે. ત્રીજી-ચોથી પંક્તિઓમાં નાયિકાના ભાવજગતનાં દલેદલ ખૂલતાં જાય છે. ‘કાજળ કાળી રાત’ના ભાવચિત્રની સામે ‘ઝમ્મર ગુલમ્હોરુંની શાખે’ ચમત્કૃતિભર્યો વિરોધ રચી આપે છે. ‘એરુનાં અંધારાનો ડંખ’ પણ નાયિકાની તીવ્ર પ્રણયઝંખનાનું સૂચન કરે છે. બીજા અંતરામાં ‘ઝમરખ અજવાળાં રે પીવાં’ એ ઉક્તિ પછી પ્રથમ પંક્તિનો ખંડ ‘પાછળ મેલ્યાં પાદર-કૂવા’ સુભગ રીતે સાંકળી લેવાયો છે. ભાવની તીવ્રતા એ રીતે સધાતી રહી છે. ત્રીજા અંતરામાંય આ જાતની રચનાપ્રયુક્તિનો સરસ લાભ લેવાયો છે. તળપદા લોકજીવનમાંથી પ્રાપ્ય કલ્પનાનો અહીં સમર્થ રીતે વિનિયોગ થયો છે. ગીતનું રચનાશિલ્પ પણ સુગ્રથિત અને સઘન બન્યું છે.
‘કોણ?’ શીર્ષકની રચાનામાં વિષય પ્રણયનો જ છે, પણ અહીંયે અભિવ્યક્તિની અનોખી રીતિ, અને તેથીયે વિશેષ તો સંવિધાનપદ્ધતિ, વિશેષ ધ્યાનપાત્ર બને છે :
કોણ ?
ધારો કે આંખ હો કુંવારી કન્યકા
તો પાંપણે ફરક્યું તે કોણ ?
ધારો કે ફરક્યું તે નૈં કહું -નું નામ
તો હોઠ પરે મલક્યું તે કોણ ?
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મહેક્યું તે કોણ ?
ધારો કે મહેક્યું તે અષાઢી આભ
તો મન મૂકીને ગહેક્યું તે કોણ ?
ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
તો સપનામાં વરસ્યું તે કોણ ?
ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
તો ઝબકીને તરસ્યું તે કોણ ?
ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
તો મન મહીં થરક્યું તે કોણ ?
સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
નાયિકાના અંતરનું સ્પંદન અહીં ચમત્કૃતિ સાથે વ્યક્ત થયું છે. અહીં કડીએ કડીએ પૂછાતો પ્રશ્ન વાસ્તવમાં પ્રશ્ન નથી : મૌગ્ધભર્યા વિસ્મયનું એ સહજ આવિષ્કરણ છે. દરેક કડીમાં બીજી પંક્તિનું મુખ્ય ક્રિયારૂપ પછીની કડીમાં નવા જ સંદર્ભે પ્રયોજાય છે. તેથી ભાવસંવેદનનું સાતત્ય અને તે સાથે જ તેનું અપૂર્વરૂપ છતું થાય છે. ક્રમશ: ખૂલતું આવતું ભાવવિશ્વ અંતે ચોટ સાથે પૂરું થાય છે.
‘પ્રેમઘેલીનું પડછાયાગીત’માં નાયિકાના અંતરની પ્રયણઝંખનાનું, આ જ રીતે, ચિત્તસ્પર્શી નિરૂપણ થયું છે. ‘પંછાયા પૂજાવાના કોડ આજ જાગ્યા / અમે ઝીણા ઉજાગરા રે માગ્યા’ – એ આરંભની પંક્તિઓમાં જ અભિવ્યક્તિની નૂતન છટા તરત ધ્યાન ખેંચે છે. રચનાની તાઝગીભરી બાની ચિત્રાત્મકતા અને પ્રવાહી શૈલી નોંધપાત્ર છે. ‘ડુંગર પર ચીતરેલ મોર મારી આસપાસ ઓચિંતો ઝૂલવા રે લાગ્યા’ પંક્તિનું કલ્પન ભાવકના સ્મરણમાં ક્યાંય સુધી ઝૂલતું રહે છે ! ‘મોગરાની કળીને’ અને ‘પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત’ જેવી રચનાઓ પણ બાની, લય અને ચિત્રાત્મકતાને કારણે ધ્યાનપાત્ર બને છે. આ જાતની રચનાઓમાં લોકજીવનના તળપદા ભાવોનું સંધાન છે, પણ અભિવ્યક્તિની નૂતન રીતિઓ એમાં અનોખી ચમત્કારિકતા આણે છે.
‘આથમતી બપોર’માં ગ્રામજીવનની પરિચિત આથમતી બપોરનું અસરકારક ચિત્રણ થયું છે. અહીં પણ તળપદાં ભાવચિત્રો વિશેષ સ્પર્શી જાય છે. જોકે અભિવ્યક્તિની વિશિષ્ટતા પણ એટલી જ નોંધપાત્ર છે. અહીં એમ સ્પષ્ટ કરવું જોઈએ કે – ‘મારી ડાબી ડાળીની બખોલનું’ એ પ્રયોગથી જયેન્દ્રને ‘હૃદય’નો અર્થ અભિમત છે. (શબ્દાર્થ-સંદર્ભમાં એ જાતનું સ્પષ્ટીકરણ તેમણે આપ્યું છે.) પણ કૃતિના સંદર્ભમાં તે દુરાકૃષ્ટ જ રહી જાય છે. ‘કંઈક વરસે વતનમાં’માં નાયકની પોતાના વતનની એક અનોખી અનુભૂતિ રજૂ થઇ છે. સાંપ્રત અને અતીતનાં સ્મૃતિચિત્રો અહીં સુભગ રસાયન પામ્યાં છે. તળપદાં ભાવચિત્રોમાં શ્રુતિચિત્રોનો વિલક્ષણ સંયોગ અહીં નોંધપાત્ર છે.
છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો
ખિસકોલીનું કૂદવું અમને મળિયું
ગજવે ઘાલી નીકળ્યો ‘તો હું ....
****
‘નાગરનું વતનસ્મરણ’ રચનાનો વિષય પણ આ જાતનો છે, પણ સંવેદના આલેખનમાં, બલકે તેના ગ્રહણમાં, નવી જ દ્રષ્ટિ કામ કરી રહી છે. સૉનેટ, ગીત અને ગઝલ – ત્રણેય પ્રકારોનું એક વિલક્ષણ સમન્વિત સ્વરૂપ સિદ્ધ કરવાનો એમાં ઉપક્રમ છે, પણ એમાં નવીન સંવિધાનનું અહીં કોઈ વિશેષ મૂલ્ય ઊભું થતું હોય, અથવા એની એવી અનિવાર્યતા ઊભી થતી હોય, એમ લાગતું નથી. રચનામાં અલબત્ત, તાઝગીભરી નવીન અભિવ્યક્તિરીતિ છે, નવી લઢણ છે, અને અલબત્ત, સંવેદનને આગવું રૂપ આપવામાં રચનાબંધનોય અમુક ફાળો છે :
ગામ શેખડી ક્યાંક વસ્યું ટહુકાના ઘરમાં
ઊગી નીકળ્યું ઝાડ થઈને ક્ષણમાં નાગરમાં
મારા પરની ધૂળ અડી સપનું થઇ પગને
ચકલી થઈને ઊડી ગયા પગ, જો નિંદરમાં
નિંદર નસનસ ઊગી નીકળી ગામ થઈને
સપનાં ઘરઘર ઝૂલ્યાં ભેરુ થઇ પળભરમાં
ઘર પછવાડે છાણાના પગલાં ફંફોસે
કુંવારા બે હાથ, કશું ભૂલ્યા અવસરમાં
***
જયેન્દ્રની કવિત્વશક્તિનો એક અતિ વિલક્ષણ ઉન્મેષ ‘દુકાળ-ગીત’માં જોવા મળે છે. દુકાળનાં ભીષણ કારમા ઓળા હેઠળ રુંધાતી બળતીજળતી ધરતીનું અને પાણી વિના તરફડતી માનવજાતનું ઘેરી કરુણતાવાળું ચિત્ર અહીં રજુ થયું છે :
તળાવ-કૂવા-વાવ નગરની ભીંતે ભીંતે રાવ, અરિ ઓ મયણલ્લા,
તરસ્યા છોરું, મૂતરે કોરું, માટી હડહડ તાવ, અરિ ઓ મયણલ્લા,
ભરભાદરવે ચૈતરના ભણકાર પડે ને વગડા વચ્ચે
જળજળનો દેકારો થઈને
ઝળઝળ ઝળઝળ ઝાળ બળે બાવળના પગમાં
આંખોમાં અંધારા ઘૂઘવે કંઠે ભડકાભેર ઝરેળે
વાદળ વાદળની ઝંખાને
ઝંખાનો આકાર લઈને તરસી આંખો ફાટી પડતી ખગમાં
ડિબાંગ-કાળા ઓળાના ઊતરાવ, જીવને ચોમાસું છંટાવ, અરિ ઓ મયણલ્લા
-કાલની ક્રૂર લીલાના વર્ણનમાં પ્રયોજાયેલી તળપદી બાનીનું કૌવત અને બળૂકાઈ ખાસ નોંધપાત્ર છે. ચતુષ્કલના આવર્તનોમાં ત્વરિત ઉપસતાં ભાવચિત્રોથી ભૂતાવળની ઘેરી અસર ઊભી થાય છે. અહીં પણ અભિવ્યક્તિની નવીન રીતિ ધ્યાનપાત્ર છે.
‘સાસર-મહિયર વચ્ચેનો વગડો વટાવતાં એક સાંધ્યક્ષણે’ એ ગીતરચના પ્રલંબિત લયવિધાનમાં બંધાયેલી દીર્ઘ પંક્તિઓને કારણે આગવું ધ્યાન રોકે છે. સાંજની એકાકી ક્ષણોમાં સાસર-મહિયરની વાટમાં વગડો વટાવતી નવોઢાની ભાવસૃષ્ટિ અહીં રજૂ થઇ છે. નાયિકાના ચિત્તમાં આવી એકાકી ક્ષણોમાં સ્વાભાવિક રીતે જ, તરેહ તરેહનાં વિચારો, લાગણીઓ, સંસ્મરણો એકત્ર થઈને ભીડ જમાવી રહે છે. એ જાતની મનોદશાનું વાસ્તવિક નિરૂપણ કરવાના હેતુથી જ કદાચ જયેન્દ્રે પ્રલંબિત પંક્તિઓનું નિર્માણ કર્યું છે. ૧૨ દીર્ઘ પંક્તિઓનું વિશિષ્ટ રીતે સ્થાપત્ય ઊભું કરવાનો ઉપક્રમ પણ એમાં છે. પણ પંક્તિએ પંક્તિએ વેગીલા લયમાં વહી આવતી વિવિધ ભાવસંદર્ભોની વિગતપ્રચૂરતા સ્વયં ભાવબોધનો પ્રશ્ન બની રહે છે. એમ લાગે છે. એકીશ્વાસે સળંગપણે ઉચ્ચારાતી પદાવલીઓમાં તેના ભાવચિત્રો અને તેના વ્યંગાર્થો વચ્ચેના અન્વયો, એકદમ ગ્રહણ થતા નથી.
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગીત (અને ગઝલ)ના સ્વરૂપમાં જયેન્દ્ર પ્રયોગશીલ રહ્યા છે. અણખેડાયેલી ભાવભૂમિનું ખેડાણ કરવું, એ સાથે અભિવ્યક્તિમાં સતત નવી નવી યુક્તિઓ યોજતા જવું, અને દ્રઢ રચનાતંત્રને ત્યજી તેમાં નવું અનુનેય તંત્ર ઊભું કરવું, એવો તેમનો સતત પ્રયત્ન રહ્યો છે. આ જાતની પ્રયોગવૃત્તિ જ તેમને સતત બાનીના નવસંસ્કરણમાં, નવવિધાનમાં દોરી જાય છે. નવો અર્થ, નવો ભાવ વ્યક્ત કરવા, આથી નવો શબ્દ, સમાસ કે શબ્દસમૂહ (phrase) રચવાનો તેમનો સતત ઉદ્યમ રહ્યો છે. લોકબાનીનાં સંસ્કારવાળી પદાવલિથી અળગા થઇ શિષ્ટ ભાષામાંય નવાંનવાં સંયોજનો કરવાનો તેમનો અભિગમ, અલબત્ત ઘણો જોખમી પુરવાર થયો છે. નવા ઘડેલા શબ્દો કે સમાસો હંમેશા રુચિકર નીવડ્યા નથી. બલકે કૃતિના પોતામાં સુભગ સંવાદી બની શક્યા નથી. વળી, તેમની બળૂકી સર્જકતા કલ્પનપ્રચૂર બાની નિર્માણ કરવા ઝંખે છે, અને એમાં અવનવાં રૂપકો (metaphors)ની સેર ઊભી થતી દેખાય છે. પણ એમાંનાં દુરાકૃષ્ટ કે પ્રયત્નપૂર્વક નિપજાવેલા કે કેવળ બૌદ્ધિક સ્તરેથી યોજાતાં રૂપકો ચમત્કૃતિ સાધી શકતાં નથી. જયેન્દ્રની રચનાઓમાં, મૌલિક રૂપકોવાળી અભિવ્યક્તિની તાઝગીનો વારંવાર અનુભવ થાય છે; પણ રૂપકોના નિર્બળ કે નિષ્ફળ પ્રયોગોય ઓછા નથી. એ રીતે આગવી કાવ્યબાની (diction) સિદ્ધ કરવાના તેમના બધા પ્રયત્નો સફળ રહ્યા નથી. ઉ.ત. ‘એક સૌન્દર્યગીત – પ્રણયનું’ શીર્ષકની રચના કાવ્યની વણસી ગયેલી બાનીનું ચોખ્ખું દ્રષ્ટાંત છે. ‘કર્ણમૂલ પર પૂર્વદિશાવત્, ઊગ્યાં કાનોકાન, સવારે’ પંક્તિમાં અન્વાયો દુરાકૃષ્ટ અને ક્લિષ્ટ છે. ‘કર્ણમૂલ’ પ્રયોગ જ અહીં આ સંદર્ભમાં કૃત્રિમ અને અરુચિકર લાગે છે. પૂર્વદિશાગત્માં –‘વત્’ પ્રત્યય વ્યાકરણીય દશાને ઓગાળી શકતો નથી. ‘શ્રીનગર જેવી કન્યામાં તરતો એક બગીચો હું ને મારામાં કૈં / સિમલા દાર્જિલિંગપણાની કૂંપળ ફૂટે’ પંક્તિમાંનાં રૂપકો અને સમાસો અરુચિકર બન્યા છે. ‘બરફ ફેલાતાં ઉન્માદોની શ્વેતામ્બરમય નજર બોલાતી, સફેદવરણી / અપલક ભાષા તારા જેવું ખુલ્લું – છાનું’ એ પંક્તિઓના દુરાદુષ્ટ અન્વાયો ભાવના ઉઘાડમાં અંતરાય રચે જ છે. ‘થીજોષ્ણામય બરફપુષ્પના બાહુ ભીંસે કે તું ભીંસે? મને ભીંસતું / આવે સપનું તડકામય ઉદ્યાન થવાનું’ – જેવી પંક્તિમાનો ‘થીજોષ્ણામય’ જેવો સમાસ પણ સૂક્ષ્મ સંવેદનને રુંધે છે. ‘પ્રગટવું ટીપું છે’, ‘કવિ આ દરિયાવત્’, ‘અશ્રુંજયની તળેટીમાં ડૂબતા’, ‘કર્દમપલ્લી’ અને બીજીયે કેટલીક રચનાઓમાં અભિવ્યક્તિની દ્રષ્ટિએ ક્યાંકને ક્યાંક ખૂંચે તેવાં તત્વો રહી ગયાં છે. ક્યાંક અસુભગ શબ્દપ્રયોગ, ક્યાંક નવો ઘડેલો સમાસ, કે દુરાદુષ્ટ કે ક્લિષ્ટ પદાવલિ – કશુંક કઠે છે. કેટલીક વાર પ્રભાવક લાગતી રચનાઓમાં પણ એકાદ પ્રયોગ અરુચિકર રહી ગયો હોય એવા દ્રષ્ટાંતો ભાવકને મળી રહેશે. પ્રેમગીતના સ્વરૂપનો, તેના વિશિષ્ટ પોતનો, અને તેના લયાન્વિત રચનાબંધનો છે. ગીતમાં, અંતે તો, અંતરનાં ગહન ઝરણમાંથી ફૂટી આવતા Lyric Impulse ની પ્રતીતિ અનિવાર્ય છે. એમાં કઠોર કર્કશ પ્રાકૃત અનુભવોની આકૃતિ આલેખવામાં મૂળથી જ જોખમ છે. એકાદ ખરબચડો પ્રયોગ પણ ગીતના સંવાદી પોતમાં કઠે એ સ્વાભાવિક છે. અછાંદસ કે ગદ્યકાવ્યમાં, વિભિન્ન સ્તરના સંકુલ અનુભવોમાં રમ્ય કઠોર લલિતભવ્ય કે શ્ર્લીલઅશ્ર્લીલ સર્વ તત્વોનું સંમિશ્ર પોત વણાઈ શકે. પણ ગીતરચનામાં એકાદ શિથિલ ગદ્યાળુ પ્રયોગ નિશ્ચેષ્ટ સમાસ કે વ્યાકરણીય સંબંધને જ પ્રબળતાથી ઉપસાવીને ચાડી ખાતો વિલક્ષણના પ્રત્યયબોધ પણ અસહ્ય બની રહે, તો નવાઈ નહીં.
જયેન્દ્રની અરૂઢ આકારની કેટલીક રચનાઓ ઠીક ઠીક પ્રભાવક બની આવી છે. એમાં ‘સર્જનક્ષણે’ શીર્ષક રચનાઓના વિશિષ્ટ રચનાતંત્રને કારણે તરત ધ્યાન ખેંચે છે :
સર્જનક્ષણે
વરાળની રુંવાટી પર હું થરકું
સરકું શ્વેત કમળની નાભિમાં –
જ્યાં
વિશ્વો રજકણ થઈને ઊડે
સચરાચરનાં તંગ મત્ત હોલ્લારા ઊડે
ફૂંકાતા, ફેલાતા, રગરગ વિખરાતા
જ્યાં
પ્રાણ સકલ ભૂત એક પિણ્ડમાં,
લહેરાતાં, લહેરાતાં કૈં લહેરાય
સ્વરોનાં વ્હાણ;
ખોદતું જાય
કશું
કૈં
સાગરનાં તળ ઊંડે ઊંડે
સાગરતળમાં અણપ્રિચ્છ્યાં આકાશ જઈને બૂડે
પંખીનો ચ્હેંકાર ઊડે
ને
ગર્ભમાં સરકું સ્હેજ-
રે થરકું સ્હેજ
ને કંપે શબ્દસપાટી ભુર્જપત્રમાં....!
સર્જનની આદિક્ષણની સ્ફૂરણા અને સંચલનાનું આ પ્રતીકાત્મક કાવ્ય છે. વ્યક્તિની સર્જકચેતનાના બિંદુથી વિશ્વચેતનાનાં સ્તર સુધીનો એનો વ્યાપ છે. સર્જનની ઘટનામાં પ્રાણશક્તિના સૂક્ષ્મ સ્પંદનની અવાંતર ક્રિયાઓનું આ નિરૂપણ ભવ્યતાને સ્પર્શી રહે છે. કાવ્યની રચનાપ્રક્રિયા વિશેની તેમની એક રચના ‘કવિતા જેમ આછરે કવિતા જેમ પાંગરે’ પણ વિશિષ્ટ અભિવ્યક્તિને કારણે ધ્યાનપાત્ર છે. ‘ખરતા પીંછાની એબ્સર્ડ ઈચ્છાનું ગીત’માં ભાવનું જે રીતે નિર્વહણ થયું છે તેમાં કપોલકલ્પિતનું તત્વ ભળી ગયું છે. વાદ્યના અવાજોનું મિલન કરીને આ રચનાને અનોખો પરિવેશ રચી આપ્યો છે. ‘સર્જકેર પ્રણયાખ્યાન’માં વ્યક્ત થતા ભાવસંવેદનમાં આધુનિક સંવિત્તિનો મર્મવ્યંગભર્યો સંદર્ભ ઉમેરાયો છે. મધ્યકાલીન આખ્યાનરીતિનો વિનિયોગ કરતી આ રચના વર્ણ્યવસ્તુ તેમ નિરૂપણ રીતિ, એમ બંને રીતે નવીનતા સાધવા મથે છે. પણ કૃતિનું રહસ્ય ઠીક ઠીક પ્રચ્છન્ન રહી જવા પામ્યું છે.
‘વિષ(ય)વાદીનો વિષમંત્રમાં જાદુમંત્રની ચમત્કારભરી સૃષ્ટિનું અનુસંધાન છે. ‘વિષવાદી’ના ડાકલાનો અવાજ અહીં રવાનુકરી પ્રયોગરૂપે પંક્તિઓમાં ગૂંથી લેવાયો છે. અજ્ઞાત મનની એક અનોખી ઈલ્મી સૃષ્ટિનો ઉઘાડ એમાં એથી સંભવે છે :
ગામની ઝાડી વચ્ચે અટવાતા જંગલનું કોતર કોતર વચ્ચે
લીસ્સું લસરક નાગમણિનું લીલછાયું અજવાળું
મણિ આંધળો પારસ દીવે આંખ દઝાડે આંખે ઝીણું
ઝેર ચડે ને ભૂરુંભાંખરું ઊડ્યા કરે કૈં પાંખાળું ....
***
‘Mysterious Voyage’ શીર્ષકની કૃતિમાંય કપોલકલ્પિતનું તત્વ તરત ધ્યાન ખેંચે છે.
ઘરમાં સૂતા જીવજીના પગ લાંબા રે લાંબા થાય
સપનાનાં તોતિંગ બારણાં તોડી રમવા જાય
ઝળહળ આવ્યા પૂર તે ડૂબ્યો ગોખભર્યો અંધાર
કાગળ ઉપર ઝાકળ ઝાકળ સૂરજનો સંચાર
***
અનુભૂતિનાં અવનવાં સ્તરો તાગવાના અને તેનાં અવનવાં રૂપો રચવાના પ્રયત્નોમાં જયેન્દ્રની બાની, આ રીતે કપોલકલ્પિતનું તત્વ આત્મસાત કરતી જાય છે, અને તે સાથે elliptical pharases નો વધુ ને વધુ ઉપયોગ કરવા ચાહે છે... ‘મા, રે’ જેવી રચનામાં તેમનું આત્મલક્ષી સંવેદન એ રીતે એક નવી જ સંકુલતા ધરીને વિસ્તરતું દેખાય છે. કૃતિના કેન્દ્રમાં રહેલી ‘મા’ એ કોઈ સંસારી – માનુષી સ્ત્રી નથી, સર્જકચેતનાનો એ આદિમ સ્ત્રોત માત્ર છે. આ રચનામાં ‘મા’નું અવલંબન લઇ જયેન્દ્ર સર્જકતાના સ્ત્રોતને તાગવાનો એક આકર્ષક પ્રયત્ન કરે છે : એનો એક અવાન્તર સંદર્ભ :
ભરબપોરે ડૂબ્યા ઘરના મોભ
આંખથી નેવા લગ પથરાતું રે મા !
... જળઅંધારું....
તને વરાળથી વૈતરણી ને વૈતરણીથી વાદળ ને
વાદળથી જળ જે જળથી દરિયે શોધું
શોધું... શોધું
સકળ ભૂતમાં, સકળઋતમાં
વાણી વેદે, ભેદે ભેદે
અને
અચાનક
કાલીઘેલી બોલીમાંથી કાગવાસના મંતર પ્રગટે
કપોલકલ્પિત ભાષા મારી રેવાને તીરે જઈ અટકે
***
આ રીતે સંવેદનના વિકાસમાં નવા અર્થો, નવી અર્થચ્છાયાઓ ઉમેરાતાં રહે છે, ચતુષ્કલનાં આવર્તનોમાં લયાન્વિત પંક્તિઓ પ્રવાહી બનીને વહેતી રહે છે. અને સુભગ ભાત રહી દે છે. ‘ઠેસ વાગતાં આજ’ કૃતિમાંય આત્મલક્ષી સંવેદન રજૂ થયું છે, પણ અહીં એનો પરિવેશ નિરાળો જ છે. અસ્તિત્વનાં કેટલાંક પ્રાકૃત બળૂકા સંવેદનો અહીં સંસ્પર્શમાં આવ્યા છે. કવિહૃદયની આદિમસ્ત્રોતને પામવાની ઝંખના (nostalgia) અહીં પ્રબળ રૂપમાં વ્યક્ત થઇ છે.
ઠેસ વાગતાં આજ
તને સંભારું રે, મા !
સંભારું, હું સ્હેજ હાલ્યો તહીં
પંચમમાસી પેટ ઉપર ફરતી આંગળિયો તારી –
ઓ મા !
આજ
અમારી રિક્ત સપાટી પર ઠલવાતાં ખડક-ઠેશનાં શકટ સામટાં...
ધૂળમાં ગોઠણભેર પડ્યો છું આજ –
કે મારી માને કહેજો રે
હું ધાવણની ઝંખાને કાંધે વહી જતો વણઝારો
મારો જીવ દાટે મૂંઝારો, ગોઠણ ભેર....
***
સાદી પરિચિત લાગણીઓના ઉઘાડમાં ‘પંચમમાસી.. તારી’ જેવી ચિત્તસ્પર્શી પંક્તિઓ અહીં સહજ રીતે જોડાઈ આવી છે. ‘ખિસકોલીવન’ જેવી રચનામાં કપોલકલ્પિતના અંશો જોઈ શકાશે. વાજિંત્રોના અવાજોના રવાનુકારી પ્રયોગો અને જુદી જુદી ભાષાકીય લઢણોનો વિનિયોગ એ કૃતિમાં તરત ધ્યાન ખેંચે છે.
સંકુલ ભાવસંવેદનાઓને કંડારવાના પ્રયત્નોમાં જયેન્દ્ર પરંપરિત મેળની વિસ્તારી રચનાઓ તરફ ગતિ કરતા દેખાશે. ‘વણઝારો, પંખી અને કર્બુરપિચ્છનો મુગટધારી’ રચના અસ્તિત્વના ગહન સ્તરોને સ્પર્શી રહે છે. કાવ્યનાયક ‘હું’ની ભાવસૃષ્ટિ અહીં ‘વણજારા’ના પાત્ર સંદર્ભે, વિકસે અને વિસ્તરે છે. હકીકતમાં ‘વણજારા’નું પાત્ર અસ્તિત્વની સુષુપ્ત દશાનું પ્રતીતાત્મક નિર્માણ છે, જ્યારે ‘પંખી’ એ મુક્ત ચેતનાનું પ્રતીક છે. તો, ‘કર્બુરપિચ્છનો-મુગટધારી’ વળી કવિચેતનાની ગૂઢ ઝંખનાનું પ્રતીક છે. આ ત્રણ પ્રતીતાત્મક સંદર્ભો વચ્ચે જે ભાવસૃષ્ટિ ઉઘાડ પામી છે, તેમાં ભાવની સંકુલતાનું નિર્માણ સ્વયં પ્રભાવક બને છે :
પંખીનું આકાશ આંખમાં કેદ, નિન્દરિયા વણઝારા
કે ફફડે પાંખો.....

અથવા
ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
દ્વિજપણે હું નીકળું અરોપાર સમયની –
ભ્રૂણ વલયની...
***
રચનાનો બીજો સંદર્ભ જોઈએ :
કોણ ભળે છે મારામાંથી નીકળીને
મારામાં પાછુ,
જેમ
પવન ઉચ્છૂવાસ ભળે-
કે પચ્છમમાં આદિત્ય ઢળે-
ના અણસારો, એંધાણ મળે
ના ઓળખ પડતી સ્હેજ
કે ચ્હેરો કોનો છે જે ફરે
અવાંતર રૂપ ધરીને રક્તરૂપે નસ નસમાં મારી;
બાંધીને આકાશ પાંખમાં,
પ્રસરે
ઘટઘટ, પથ્થર, પાણી, પળપળ, રજરજ, સકળ ભૂતમાં...
***
વિશ્વજીવનનાં વિવિધ સત્વોને ઊંડળમાં લેવા મથતી કવિચેતનાની આ દિશા – આ ગતિ – નિરાળી જ છે. જયેન્દ્રની કવિતાની વિકાસક્ષમતાનો અણસાર એમાં મળી જાય છે.
‘નિશાન્ત’ શીર્ષકની ટૂંકા ફલકની રચના પણ ભાવસંકુલતાને કારણે પ્રભાવક બની છે. સમયસ્થળનાં પરિમાણની બહાર નીકળી જઈ વૈશ્વિક અવકાશને ભેદવાનો પ્રયત્ન તેમણે અહીં કર્યો છે. અસ્તિત્વના કેન્દ્રમાં રહેલાં આદિમ બળોને તાગવાનો એ પ્રયત્ન છે એમ પણ સમજાશે. વળી અહીં રજૂ થતી અનુભૂતિમાં ભવ્યતાનો સંસ્પર્શ રહ્યો છે, એમ પણ ઉમેરવું જોઈએ.
‘તંગ પણછ પર’માં જીવનચક્રનું વિશિષ્ટ સંવેદન આલેખાયું છે. તે પણ એટલું જ પ્રભાવક છે, જન્મ- સ્થિતિ-મૃત્યુની ચક્રાકાર ગતિમાં, ભ્રાંત દશાને પામેલી કવિચેતનાની આ રજૂઆત છે. અભિવ્યક્તિની કેટલીક વિલક્ષણ ભડ્ગિયો અહીં નોંધપાત્ર છે :
મારા નામે શ્વાસ હવે તો તે પણ
ફરફર ફરફર
મારા નામે શ્વાસ હવે તો તે પણ
મર્મર મર્મર
મારા નામે શ્વાસ હવે તો તે પણ
ઝળહળ ઝળહળ
મારા નામે શ્વાસ હવે આકાશ.
અનર્ગળ શ્વાસ અરે, આકાશ ફેલાતાં
સમરથનાં જળબિંદુમાં જઈ
બિન્દુમાંથી સિંધુ પ્રગટે,
પ્રગટે રે ચોધાર પૂર્વજની હદ તોડી;
ભ્રૂણની ગગરી ફોડી
હાથ જરી લમ્બાવું
ત્યાં તો નક્ષત્રોની માટી મારી હાથમાં ઝૂલે
***
જયેન્દ્રની પ્રબળ સર્જકતાનો આવો જ વિરલ ઉન્મેષ ‘કવિ, કવિતા અને વાસ્તવનું દુ:સ્વપ્ન’માં જોવા મળે છે. સરરિયલ શૈલીનો બળૂકો ઉન્મેષ અહીં ધ્યાન ખેંચે છે. રચના સમગ્રતયા પ્રતીકાત્મક ઉઠાવ લે છે. ‘તિલ્લી’ જૂથની આઠ રચનાઓ સંગ્રહમાં કંઈક નોખું સ્થાન લે છે. ‘તિલ્લી’ તે ‘ન ઓળખાયેલું કશુંક અંગભૂત વિરાટ તત્વ’ છે એ રીતે જ્યેન્દ્રે એની ઓળખ આપી છે. અને, આઠેય રચનાઓ જોતા તરત સમજાશે કે ‘તિલ્લી’ એક કવિનિર્મિત ફૅન્ટસી છે, અથવા એક માયાવી રૂપ છે, અથવા નિરંતર છટકી જતું લોકોત્તર તત્વ છે. આઠેય રચનાઓમાં એ ‘તિલ્લી’ જ જાણે કે પ્રેરક અને ધારક તત્વ છે. જયેન્દ્રની દ્રષ્ટિ અહીં કશીક લોકોત્તર અનુભૂતિની ક્ષિતિજ પર વિસ્તરતી દેખાશે. આત્મખોજની દિશામાં આ મહત્વનું કદમ છે, એમ પણ કદાચ કહી શકાય.
છેલ્લા બે-અઢી દાયકા દરમ્યાન આપણા ગઝલસાહિત્યમાં નવાં વલણો જન્મ્યાં છે. ભાવસંવેદનના વિકાસ-વિસ્તાર પરત્વે તેમ તેની શિલ્પાકૃતિ પરત્વે તરુણ કવિઓએ ઘણા નવા ઉપક્રમો સ્વીકાર્યા છે. ઊર્મિકાવ્યમાં વ્યક્ત થવા ચાહે તેવી તાઝગીભરી સંવેદનાઓ, અને ભાવભીંજ્યા વિચારોનું ગઝલના સ્વરૂપમાં અવતરણ કરવાના પ્રયત્નો હવે તો ઘણા વ્યાપક બની ચૂક્યા છે. ઊર્મિકાવ્ય – કે અછાંદસ – ની રચનામાં સંભવે છે તેવી કલ્પનનિષ્ઠ બાની યોજવાનું વલણ પણ બળવાન બન્યું છે. તે સાથે ભાવતંતુનો સાતત્યભર્યો વિકાસ આલેખવાનું, એક જ ભાવબીજમાંથી અંકુરિત થઇ આવ્યા હોય એવા સજીવ સંબંધોવાળા શેરો રચવાનું, અને વિશિષ્ટ મીનાકારી કંડારવાનું વલણ પણ વ્યાપક બન્યું છે. પરંપરાગત ગઝલમાં રદીફકાફિયાની જે રૂઢ પ્રણાલી હતી, તેમાં રચનાની જરૂરિયાત અનુસાર આંતરિક ફેરફાર કરી લેવાનું વલણ પણ કામ કરતું રહ્યું છે. નવી ગઝલ એ રીતે નવી છાંદસ કે અછાંદસ કે પરંપરિત રચનાઓના સીમાડા પર આવી ગઈ હોય, એમ પણ જણાશે. જોકે, આ રીતે ખેડાતી આજની ગુજરાતી ગઝલ ખરેખર સાચી ગઝલ કહેવાય કે નહિ, ગઝલનો ‘આત્મા’ કે ‘મિજાજ’ પરંપરાગત ગઝલમાં જ સંભવે કે નવી શૈલીની ગઝલમાંય સંભવે, ‘શુદ્ધ’ ગઝલ તે કઈ, વગેરે પ્રશ્નો આપણા ગઝલસર્જકોના મનમાં ઊઠતા રહ્યા છે, અને એ વિશે કેટલોક વિવાદ પણ આપણે ત્યાં ચાલ્યો છે, પણ એ જટિલ પ્રશ્નને અહીં આપણે સ્પર્શવો નથી. મારે માત્ર એટલું જ સૂચવવું છે કે નવી શૈલીની ગઝલમાં જયેન્દ્રની ગતિ છે, અને એમાં કેટલીક પ્રભાવક રચનાઓ તેઓ નિપજાવી શક્યા છે. તાઝગીભર્યા કલ્પનોની સમૃદ્ધિઓમાં મહત્વનો ફાળો છે.
કોઈ સાંજે
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યા
કોઇ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં
મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો' સ્વપ્નમાં
ને ગગનને ગ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં
આપણો સુક્કો સમય થઇ જાય છે જ્યારે નદી -
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં
કોઇ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઇ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં
આજ બારીબ્હાર દ્રષ્ટિ ગઇ અચાનક જે ક્ષણે
આંખને ગઇકાલનાં દ્રશ્યો બધાં સામાં મળ્યાં
-ગઝલના સ્વરૂપમાં ભાવસંવેદનાનો વિસ્તાર સાધતા જવાનું વલણ જયેન્દ્રમાંય ધ્યાનપાત્ર છે. વિશ્વજીવનનાં વિરાટ સત્વોને આંબવા ચાહતી તેમની સર્જકચેતના ‘આદિપુરુષની ગઝલ’માં અનોખું પરિમાણ ધરે છે :
બ્રહ્માંડના કોઇ ખૂણેથી હાથ લમ્બાવ્યો હતો
હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો
સૂર્ય, તારી સાંજ મારા શ્વાસમાં અકબંધ છે
મેં બધે મારો અગોચર રંગ રેલાવ્યો હતો
આ નભસગંગા બધી પડધા છે મારા શબ્દના
કોઇ કાળે મેં મને કોઇ શ્ર્લોક સંભળાવ્યો હતો
બ્રહ્માંડના શઢ ફાડવા ફેલાઇ જઇને શબ્દમાં
મેં અનંતોનંત મારો ભેદ સમજાવ્યો હતો
ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ
પણ શરત સાથે મને ઇશ્વર અહીં લાવ્યો હતો
‘ટોળું હંસનું....’ માં રચનારીતિનો પ્રયોગ ધ્યાનપાત્ર મનોહારી પરિણામ સિદ્ધ કરી શક્યો છે :
હજી હમણાં જ પ્હાડોમાં પરિચય આથમ્યો તારો
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં
હજી હમણાં જ ઊગ્યો ચંદ્ર તારા નામની પાછળ

હજી હમણાં જ ઝાકળમાં કિરણ પગરવને પામ્યું ‘તું

હજી હમણાં જ મારો જીવ ઝૂલ્યો’તો ઓ વાદળમાં

હજી હમણાં જ પાતાળે પ્રવેશી એક

0 comments
Leave comment