9 - કબીરાઈ છે / લલિત ત્રિવેદી


કેવી સોહામણી આજ તનહાઈ છે !
એક હું છું અને આ કબીરાઈ છે

તારી ચોથા ચરણ લગ અખિલાઈ છે
મારી પાસે તો નખશિખ અધૂરાઈ છે

તારા મારગની પણ શી વશેકાઈ છે !
સ્હેજ ચાલુ તો સાથે મીરાંબાઈ છે !

કૈં જડી જાય એવી આ પરછાંઈ છે !
લૂણની પૂતળીની શું સચ્ચાઈ છે !

હું સપાટીનો માણસ છું, ક્યાં જઈ શકું ?
ક્યાંક ઊંચાઈ છે, ક્યાંક ગહરાઈ છે

ક્યાં સુધી વિસ્તર્યા તારા તેજોતિમિર...
ક્યાં સુધી વિસ્તરેલી ફકીરાઈ છે !

વર્ષ - ૧૯૯૬


0 comments


Leave comment