90 - પરાગ હતો / લલિત ત્રિવેદી


દુકાનમાં જતો તો ધંધાનો એક ભાગ હતો
ને રહેતો ઘરમાં તો ઘરનો કોઈ વિભાગ હતો

એ બાગ... બાગ... હતો ઓરડાનો ફાગ હતો
પછીથી વરસે વરસે ખોરડાનો કાગ હતો

ખબર છે – ક્રૂર દયાહીન એ શખ્શ કોણ હતો?
તમે ન ઓળખી શકો કે એ પરાગ હતો !

પછી ઝઝૂમવાની રીત પણ બદલવી પડી
જબાન મીઠી રાખતો... સબૂર.. સજાગ હતો

રણક ભજનની હતી એના દરેક સિક્કામાં
એ રૂપિયા ગણતો હતો પણ કોઈ વિરાગ હતો

નહીં તો થાય નહિ સાક્ષાત્કાર પોતાનો
શું એના અસ્થિમજજામાં કોઈ સુરાગ હતો ?

એ શ્લોક રટતો હતો એમ શ્વાસ લેતો હતો
ને પગલું મૂકતો તો લાગતું કે ત્યાગ હતો

૩૦-૫-૨૦૦૭


0 comments


Leave comment