1 - પૂર્વાલાપ – પ્રસ્તાવના / રામનારાયણ વિશ્વનાથ પાઠક


ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

આજે ચૌદ વરસે પૂર્વાલાપની નવી આવૃત્તિ થવા પામી, અને તે પણ તે મુંબઈ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક થયું ત્યારે જ, એ આપણા ભણેલા ગુજરાતી વર્ગને માટે અભિનન્દનયોગ્ય તો નથી જ !
આ આવૃત્તિ, છેલ્લીનું લગભગ પુનમુદ્રણ છે. આમાં ટિપ્પણોમાં જ્યાં થોડો ફેરફાર કરવો આવશ્યક લાગ્યો ત્યાં તેટલો જ કરેલો છે. ઉપોદ્ઘાત પણ એકાદ નાની વિગત સિવાય, એમ ને એમ મૂકેલો છે. ઉપોદ્ઘાતમાં ‘વસંત વિજય’ પૂરતો ભાગ મારે બધો ફરી લખવો છે, પણ આ આવૃત્તિ તૈયાર કરવામાં ઉતાવળ કરવી પડી છે તેથી અને કેટલાંક બીજાં કારણોથી તેમ કરી શક્યો નથી. તેને માટે કોઈ બીજો પ્રસંગ લઈશ.
છેલ્લી આવૃત્તિ પછી કાન્ત ઉપર વિવેચનો થયાં છે. પૂર્વાલાપનાં કેટલાંક કાવ્યો ઉપર પ્રો. ઠાકોરે પોતે ‘આપણી કવિતા સમૃદ્ધિ’ ની બંને આવૃત્તિઓમાં સવિસ્તર વિવરણો લખ્યાં છે. છતાં આ આવૃત્તિમાં જૂનાં ટીપ્પણો જ કાયમ રાખ્યાં છે. ખંતીલા અભ્યાસીઓ પોતાની મેળે નવા સાહિત્યનો લાભ લેશે એમ માનું છું.

૬-૬-૪૦ રામનારાયણ વિશ્વનાથ પાઠક


પ્રસ્તાવના
[ બીજી આવૃત્તિની ] પૂર્વાલાપની પ્રથમાવૃત્તિ બે વરસમાં ખપી ગઈ, એ ખાતર ગુજરાતને કંઈક ધન્યવાદ ઘટે છે; નહિતર આપણે અહીં શાળાઓમાં પાઠ્યપુસ્તક થયા વિના શુદ્ધ ઉત્તમ સાહિત્ય ભાગ્યે જ ખપે છે. [વિદ્યાપીઠના ભાષામંદિરના અભ્યાસક્રમમાં પૂર્વાલાપ પાઠ્યપુસ્તક નીમાયું છે પણ તે વર્ગની સંખ્યા અહીં ગણવા જેટલી મોટી નથી.] આ બીજી આવૃત્તિમાં કેટલાક વધારા કર્યા છે. કાન્તનાં કેટલાંક કાવ્યો તેમના અવસાન બાદ કાન્તમાલામાં છપાયાં: તે ઉપરાંત બીજાં કેટલાંક મળી આવ્યા તે અને તેમના પ્રસિદ્ધ અપ્રસિદ્ધ નાટકોમાંથી પણ જે સારાં લાગ્યાં તે સર્વ આ આવૃત્તિમાં લીધાં છે. પણ તે જુદા પરિશિષ્ટમાં મૂક્યાં છે. પ્રથમાવૃત્તિનો ‘પૂર્વાલાપ’ એમ ને એમ રાખેલો છે.
કાન્તે પોતે જે કાવ્યોનો નાશ કર્યો અને પોતે જેને પ્રગટ કરવાં યોગ્ય ન ધાર્યા તે કાવ્યોને પ્રગટ કરતાં થોડા ખુલાસાની જરૂર છે. કવિ લખે છે તે બધું જ સારું નથી હોતું, કવિ પણ માણસ છે. તેના ઉડ્ડયનો કોઈ વિશાલ તો કોઈ ટૂંકા, કોઈ ઊંચા તો કોઈ નીચાં પણ હોય છે. પણ દરેક સાચો કવિ વિવેચક હોય છે. અને પોતાની વિવેચનાની કસોટીએ કાવ્યોને ચડાવી તેમાં પાર ઊતરે તેવાંને જ તે રાખે છે, બાકીનાંનો, કુદરતની પેઠે, નાશ કરે છે. આવા કાવ્યો પાછાં શોધીને બહાર મૂકવાથી સાહિત્યની કવિતાસમૃદ્ધિ વધતી નથી. અહીં આ કાવ્યો પ્રગટ કરવાનો ઉદ્દેશ જૂદો જ છે. કાન્તની ‘મધુર કોમલ કાન્ત પદાવલી’ ના રસ પિપાસુને જીજ્ઞાસા થાય કે કાન્તનાં પ્રથમનાં કાવ્યો કેવાં હતાં? તેમની કાવ્યશક્તિનો વિકાસ કઈ રીતે થયો અને કઈ રીતે તે જુદી જુદી દિશામાં વળી? તો તેને માટે આ સામગ્રી રજુ કરી છે. બાકી કાન્તનો કવિયશ તો પૂર્વાલાપ ઉપર સંપૂર્ણ પ્રતિષ્ઠિત છે. પરિશિષ્ટનાં કાવ્યોથી તેમાં વૃદ્ધિ કે હાની થઈ શકે તેમ નથી.
કંઈક આ જ ઉદ્દેશથી આ આવૃત્તિમાં કાવ્યોની આનુપુર્વી અને ઉપોદ્ઘાત મૂક્યાં છે. તેમાં કવિમાનસનો ઈતિહાસ આપવા પ્રયત્ન કર્યો છે.અને જે જે ગુણોના ઉત્કર્ષથી આપના સાહિત્યમાં તેમનું સ્થાન નિર્ણિત થયું છે તે ગુણોને સ્ફુટ કરવા પ્રયત્ન કર્યો છે.

કાવ્યની પાછળ ટિપ્પણ આપ્યું છે. કાન્તનાં બે લાંબા કાવ્યો ‘વસંત વિજય’ અને ‘ચક્રવાક મિથુન’ વિદ્વાન સાક્ષરોની ટીકા સાથે બહાર પડેલાં. તે ટીકાઓ ઘણી લાંબી છે. તેને ટૂંકાવી શકાય એમ છે, પણ ઘણાં વરસો ઉપર પ્રસિદ્ધ થયેલી હોવાથી હાલ તે પરિચિત નથી માટે એકવાર તો તેને એ ને એ જ રૂપમાં અહીં મૂકવી ઉચિત ધારી છે; ‘વસંત વિજય’ ઉપર મકરંદની ટીકા પ્રસિદ્ધ થયા પછી શ્રી. નરસિંહરાવભાઈએ તે વિષે ટૂંકી વિવેચના પ્રિયવંદામાં કરેલી તેમાંથી પ્રસ્તુત ભાગો મકરંદની ટીકા નીચે ટીપ તરીકે મૂક્યા છે. કયાંક મેં પણ એવી ટીપો મૂકી છે. શ્રી. નરસિંહભાઈએ ‘વિવર્તલીલા’માં પ્રસંગોપાત સુફીવાદની ચર્ચા કરતાં ‘ચક્રવાક મિથુન’ વિષે કેટલાક વિચારો દર્શાવ્યા છે. ત્યાં તેમનો મુખ્ય આશય એ કાવ્યનો અર્થ બરોબર શો છે તે નિરૂપવાનો નહિ હોવાથી એ ચર્ચા અલગ પરિશિષ્ટ તરીકે મૂકી છે. આ બાબતની કેટલીક સામગ્રી તેમજ હકીકત પૂરી પાડવા માટે હું તેમનો આભારી છું.
તે સિવાયનાં કાવ્યો ઉપર મેં બને તેટલું ટૂંકું ટિપ્પણ આપ્યું છે. પ્રયત્ન કરતાં પણ કેટલીક પંક્તિઓનો અર્થ મને દુર્બોધ રહ્યો છે તે મેં તે તે સ્થળે દર્શાવ્યું છે. કાન્તને સમજવામાં અને તેનાં દુર્બોધ સ્થાનોને સુગમ કરવામાં મારો આ પ્રયત્ન કંઈક પણ ઉપકારક થશે તો તેને કૃતાર્થ થયો માનીશ.
આ સર્વ તૈયારીઓમાં મને પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, શ્રીયુત કરુણાશંકરભાઈ, શ્રીયુત શિવાભાઈ, તથા શ્રીયુત મુનિકુમાર તરફથી ઘણી જ મદદ મળી છે. પ્રો. ઠાકોરની મેં જે જે મદદ લીધી છે તે તેમના અવતરણો ઉપરથી પણ જોઈ શકાશે. શ્રીયુત કરુણાશંકર અને શિવાભાઈ સદગત મણિભાઈ સાથેના તેમ જ મારી સાથેના અંગત સંબધથી આ કામ પોતાનું જ જાણી સહાય કરી છે. એવા આત્મીય સંબંધમાં આભાર માનવાનું કામ ઘણું કઠિન થઈ પડે છે. પણ એક બાબત માટે આવા સંબંધમાં પણ આભાર માનવો જોઈએ. મારે જોઈતી સર્વ હકીકત પૂરી પાડતાં છતાં મારા અભિપ્રાયને સૌએ સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપ્યું છે, જે તેમના કરતાં જરા પણ ઓછા ઉદાર હૃદયો ભાગ્યે જ કરી શકે; અને મારે હાથે સદગત જેઓ મારા ગુરુ હતા, તેમને આ અંજલિ અર્પણ કરવાનો પ્રસંગ આપ્યો છે, તે મારા પર અનન્ય ઉપકાર થયો હું સમજું છું.

ઓક્ટોબર ૧૯૨૬ રામનારાયણ વિશ્વનાથ પાઠક
ઉપોદ્ઘાત
કાન્તનું જીવન જાણવાને અનેક કારણોથી જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. પોતાના જમાનાના એ એક ઊંડા ચિંતનશીલ સત્યાન્વેષી વિચારક અને ‘મહામંથનનિમગ્ન’ પુરુષ હતા. સાહિત્યમાં તેમણે અનેક દિશાએ પ્રવૃત્તિ કરી છે. પણ તેમની બધી પ્રવૃત્તિમાં તેમનાં કાવ્યો જનતાને સૌથી વધારે મર્મસ્પર્શી લાગે છે. આપનામાં તેઓ બીજા કશા કરતાં કવિ તરીકે અમરપદ પામશે એમ જણાય છે. અને તેથી કવિ તરીકેનું તેમનું જીવન જાણવાની વૃત્તિ આપણને સૌથી તીવ્ર થાય છે.
તેમના કાવ્યો સમજવાને માટે પણ તેમનું જીવન જાણવાની જરૂર છે. કાન્તે પરલક્ષી અને આત્મલક્ષી બન્ને પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. પરલક્ષી કાવ્યો લખનાર કવિનું જીવન ન જાણીએ તો પણ તેનાં કાવ્યો સમજવામાં કશો પ્રતિબંધ આવતો નથી. તેવાં કાવ્યોમાં જે ભાવ નિષ્પન્ન થવાનો હોય તેની સર્વ બાહ્ય પરિસ્થિતિનું વર્ણન પણ તે કાવ્યમાં જ આવી જતું હોય છે. પણ આત્મલક્ષી કાવ્યોમાં એ સંપૂર્ણ રીતે થતું હોતું નથી. આ કાવ્યો અંગત જીવનના પ્રસંગથી ઉત્પન્ન થતા ભાવનું પ્રગટ કલાસ્વરૂપ હોય છે. તેની ભોંયરૂપ બાહ્ય પરિસ્થિતિ ઘણીવાર એ કાવ્યમાં દર્શાવેલી હોતી નથી. એ કાવ્ય સમજવાને એ ભોંયનું દર્શન આવશ્યક છે. વ્યંગનું એક નિમિત્ત પ્રકરણ એટલે પરિસ્થિતિ પણ છે. નાટકમાંથી ઉદ્ધૃત કરેલા કાવ્યને સમજવાને જેમ તે કોની કોના પ્રત્યે કયા પ્રસંગની ઉક્તિ છે એ જાણવું આવશ્યક છે તેમ અહીં પણ ભાવનિષ્પત્તિને માટે એ પરિસ્થિતિ જાણવી આવશ્યક છે.
આ લેખકને એક વાર સદગત મણિશંકર ભટ્ટ જોડે કલાપી અને મણિભાઈ નભુભાઈનાં કાવ્યો સંબંધી ચર્ચા થયેલી ત્યારે તેમણે કહેલું કે કવિનું જીવન તેના કાવ્યમાં પ્રગટ થયા વિના રહે જ નહિ. આ વિધાન તેમનાં પોતાનાં કાવ્યોને બરાબર લાગુ પડે છે. પૂર્વાલાપનાં કાવ્યોને તેમના જીવન સાથે જીવંત સંબંધ છે. વિશેષ શું. પૂર્વાલાપ નામને પણ તેમના જીવન સાથે સંબંધ છે.
તેમ છતાં આ જગાએ કવિનું જીવનચરિત્ર આપવાનો ઉદ્દેશ નથી; તેને માટે લેખકની વ્યક્તિગત અને પ્રસંગગત મર્યાદાઓ ઘણી ટૂંકી પડે. માત્ર કાન્તના જીવનના જે જે મુખ્ય બનાવોને તેમના સાહિત્યજીવન સાથે ઓછો વત્તો સબંધ છે તેના પરિચય પૂરતી રૂપરેખા આપવાનો ઉદ્દેશ છે.
સદગત મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ઇસવીસન ૧૮૬૮ ના નવેમ્બરની ૧૦મી* તારીખે કાઠિયાવાડમાં લાઠી પાસે ચાવંડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. આ જ્ઞાતિ વિધ્યાવિલાસી છે. મણિભાઈના પ્રપિતામહ મુકુન્દને કવિયશ પ્રાપ્ત થયેલો અને એમના પેઢીનામામાં બીજા ગ્રંથકારો પણ દેખાય છે.
મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા: દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ ભાવ અને શૈલીથી તેમ જ વાંચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓના પ્રથમ કાવ્યો દલપતશૈલીમાં થાય એમાં નવાઇ નથી. મણિભાઈએ ૧૪-૧૫ વર્ષની વયે ‘ખરી
*તારીખો આપવામાં એક ધોરણ સાચવવાના સર્વત્ર ઇસવીસનનો જ ઉપયોગ કર્યો છે – કોઈ કોઈ જગ્યાએ કઢંગુ લાગે છે છતાં. મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો એક ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ કન્ત્માંલામાં[પૃ. ૩૦૩ , ૨. કાન્તમાલા પૃ. ૩૧૫.]આપી છે:-
અરે મારા પ્રાણધાર; મારા તો હૈયાના હાર.
જીંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા ?
તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંઈ નથી. ‘સ્મિત પ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતા છે એટલું જ, પણ તેનો ભાવ વસ્તુ પ્રૌઢી સર્વ કાન્તનાં જ છે.
કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈધ કહે છે :[પૃ. ૨૮૮ થી ૨૯૭] “ ત્યાં થોડે દૂર એક ૧૪ વરસનું બાલક કાંઈક શ્યામ રંગે બુદ્ધિમતાં ચક્ષુઓ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરંતુ સરલ ગોળ ઉત્સુક મુખવાળું. ચેહેરા ઉપરથી ઓળખાણ પડ્યું કે માધવજીભાઈના ભાઈ મણિશંકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથ્થર ઉપર બેશી ગયું. એને બોલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડ્યું.
‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’
‘હા.’
‘શું ભણો છો?’
‘ રાજકોટ હાઇસ્કુલમાં છું. ’
‘બહુ આનંદ થયો. તમને તો કવિતા કરવાનો પણ અભ્યાસ છે, નહિ?’
‘છે ખરો પણ બહુ સારી નથી કરી શકતો. વિચારો બહુ આવે છે પરંતુ લખતાં ભાષા યોગ્ય લગતી નથી.’
‘બને તેવું છે. જો કલ્પના કર્યા જાઓ છો તો તે ભાષા વિના શી રીતે આવે છે?’
કોકડું ગુંચવાયું.
‘ના એમ તો આવે છે, પરંતુ કલ્પનાયે જોઈએ તેવી નથી આવતી.’
‘કુદરતની મદદ લ્યો….અજમાવો જોઈએ.’
તેમણે અજમાવ્યું. એક નાનું સરલ બે કડીનું કાવ્ય થયું. તેમને નદીના રવમાં મુશ્કેલી પડી, અને સમજુ કુદરતને જ બોલાવી:
‘ખળખળ કરતું જળશિશુ રમતું’ એવો ભાવ લાવ્યા
આટલી નાની વયે ‘કાવ્યો કરું છું પણ બહુ સારા નથી કરી શકતો’ એટલી વિવેચન શક્તિ, અને વિચાર કે કલ્પના તો ભાષામાં જ થાય માટે કલ્પના પણ જોઈએ તેવી નથી, એટલી સમજણ ઘણી કેહવાય. હલકી કૃતિઓને વીણી કાઢવાને આ રસવૃત્તિ અને વિવેચન શક્તિ જ બસ છે. મણિભાઈ માનતા કે “બધા વિવેચક સ્ત્રષ્ટા છે….પણ બધા સ્ત્રષ્ટાઓ વિવેચકો પણ છે.” આ સર્જન અને વિવેચનનો યોગ તેમનામાં પહેલેથી હતો.
૧૮૮૪માં તેઓ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પાસ થયા અને ૧૮૮૫ થી ૧૮૮૮ સુધી ગોકળદાસ તેજપાળ બોર્ડિંગમાં રહીને એલ્ફિસ્ટન કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો. અહીં તેમને કોલેજના મુક્ત ઉન્નતિકર વાતાવરણમાં પ્રિન્સિપાલ વર્ડઝવર્થ જેવા અધ્યાપક નીચે અભ્યાસ કરવાથી ઘણી પ્રગતી કરવાનો અને મૈત્રીઓ
બાંધવાનો અવકાશ મળ્યો. તેમની નોંધવા જેવી મૈત્રી રા. બ. રમણભાઈ સાથેની. પ્રો. બલવંતરાયના ઠાકોર સાથે રાજકોટથી પિછાન ખરું પણ તે માત્ર પિછાન જ. રા. બ. રમણભાઈ આ સંબંધમાં લખે છે:-
મણિશંકર સાથે મારો પ્રથમ પરિચય સને ૧૮૮૫માં થયેલો…એક દિવસે-શનિવારે-કૉલેજ જવા સારૂ લોકલ ટ્રેનમાં ચર્નીરોડથી મહાલક્ષ્મી જતાં એક વિદ્યાર્થીએ મને કહ્યું કે આજે કૉલેજની ડીબેટિંગ સોસાઈટીના સભાસદની ચૂંટણી થવાની છે તેમાં આપણે ગુજરાતીઓએ મણિશંકર ભટ્ટને માટે મત આપવાનો છે. હું તે વખતે મણિશંકર ભટ્ટને ઓળખતો નહિ પણ ગુજરાતીના સમર્થનનો પ્રયત્ન હોવાથી હું તેમાં સામિલ થયો…કૉલેજના અભ્યાસનો વખત પૂરો થયા પછી ડીબેટિંગ સોસાઈટી મળી અને મણિશંકર બહુમતે ચૂંટાયા….મણિશંકરે સભા આગળ આવી ઉપકાર માન્યો અને કહ્યું કે ચૂંટણીને હું લાયક નીવડીશ એવી આશા રાખું છું….
આ પછી કૉલેજના ગુજરાતી વિદ્યાર્થીઓમાં મણિશંકર તેમના કલ્પના પ્રભાવ અને વિચારશક્તિથી વધારે ને વધારે આદર પામતા ગયા.
સને ૧૮૮૭માં મેં કૉલેજની “ગુજરાતી એલ્ફિસ્ટન સભા” આગળ “કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ” એ વિષય ઉપર ભાષણ કર્યું તે પછી લો ક્લાસમાંથી પાછા આવતા ચર્ચગેટ સ્ટેશન ઉપર ટ્રેનની વાટ જોતો હું ઊભો હતો ત્યાં મણિશંકર મારા હાથમાં એક ચિટ્ઠી મૂકી ગયા. ચિટ્ઠી ઉઘાડતાં તેમાં આ ગીતિ લખેલી માલમ પડી.
“સાંપ્રત રસમય ઋતુની કદર અરે ! જાણતા નથી કોઈ
એ મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.”
[ -આમાં ક્યાંઈ દલપતશૈલી દેખાય છે? આટલી વહેલી તેમણે એ છોડી દીધેલી.- ] “ મારા ભાષણને ઉદ્દેશીને આ વચન લખેલાં હતાં અને એ ઉદ્દેશ લક્ષમાં રાખી અને મણિશંકરનો શ્લેષ ચાલુ રાખી મેં એક ચીઠી પર ઉત્તર લખ્યો કે :
“ રે ! જાણિને કદર શું કર્યું નીલકંઠે?
પાડ્યાં જ આંસુ ખુશિમાં કરિ નાદ ઊંચે !
એ મેઘના જલથકી મણી થાય સીપે,
જેથી જણાય ગુરુ મેઘની શક્તિ સર્વે. ”
મણિશંકરના કેટલાંક કાવ્યો મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીંટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દ મને યાદ છે. “आत्मानं यदि अवसानयिष्ये सखे”
આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું.[યુગધર્મ પુ. ૨, પૃ. ૪૨૨.] તે પછી પણ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચા પત્રો દ્વારા ચાલેલી છે. આ પત્રોમાંથી કેટલાક ઉતારા કાન્તમાલામાં૨ આપેલા છે જેથી મણિભાઈના કેટલાક વિચાર અને આશયો ઉપર ઘણો પ્રકાશ પડે છે.
કૉલેજ જીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી, તે સાલની ફર્સ્ટ બી. એ. ની પરીક્ષા આપીને પ્રો.- ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન
ટ્રેઝરી, ચોથા ભાગની કવિતાઓ, કવિઓ વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું.
[ આ પરિગ્રાફની હકીકત માટે જુઓ યુગધર્મ ૪, ૨૭૪ ઉપરનો લેખ] બન્નેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનીકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજાઓ ગાળવા જાય, સાથે મુસાફરી કરે, અને જુદા જુદા હોય તે દરમિયાન પણ કાગળો, ચર્ચા, અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન વિચાર મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સુચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. [આ પરિગ્રાફની હકીકત માટે જુઓ યુગધર્મ ૪, ૨૭૪ ઉપરનો લેખ] મણિભાઈનું ‘ચક્રવાક મિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધીપ્રકાશમાં પ્રકાશિત કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ कान्त તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સોનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો-૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં
‘અદષ્ટિદર્શન’ માં. [આ લેખમાં આ અને આવી બીજી પ્રો. ઠાકોર વિશેની, અને તેમના મણિભાઈ સાથેના સંબંધ વિશેની જે જે હકીકત મૂકેલી છે તેનો મુખ્ય આધાર “મણિભાઈની કવિતા વિશે અંગત માહિતી” (યુગધર્મ પૃ. ૪, પૃ. ૨૭૪.)નો પ્રો. ઠાકોરનો લેખ, અને તે ઉપરાંત પ્રો. ઠાકોરના ખાનગી પત્રો એ છે. કોઈ હકીકત તેમની સાથેની વાતચીતમાંથી પણ મળેલી છે.] એ રચનાના વિશેષ પ્રયોગો મણિભાઈએ મિસિઝ બ્રાઉનીંગના સોનેટોના અનુવાદમાં કરેલા છે. અને ‘અગતિગમન’ પણ મૂળ સોનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધા કાવ્યો હાલ છે તે રૂપમાં મૂક્યાં. અખંડ કે સળંગ કે અભંગ પૃથ્વીનો ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવંતરાયના પ્રયોગો ઉપરથી કરેલો. ‘અગતિગમન’ પ્રો. ઠાકોરના ‘અદષ્ટિદર્શન’ ઉપરથી સૂચિત થયું છે. ‘પ્રણયમાં કાલક્ષેપ’ની પણ મૂળ સૂચના પ્રો. ઠાકોરે ‘ઉપહાર’નો પ્રત્યુત્તર [પ્રત્યુત્તર કાવ્યરૂપે જ હતો તેનો પહેલો ખંડ નીચે પ્રમાણે હતો:-
“ગમે તો સ્વીકારે ગત સમય કેરાં સ્મરણમાં”
અરે આવા વાક્યો, પ્રિયતમ સખે સાચું વદ માં.
તમે સંભારો છો સમય ભુલું તે હું ય ન કદી,
ભૂલ્યો લાગું, એ તો દિવસ અવળાની જ અવધી!
નહીં ઉદગારો એ કંઈ તમ કરેલા જ થયલા,
સ્વયંભૂ પ્રીતિનાં અમર ઝરણાનાં સૂર ભલા ! ] આપેલો તેમાંથી મળેલી. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’ અને ‘અશ્રુને આવાહન’ એ બે કાવ્યોમાં પંક્તિઓ કે પંક્તિખંડો પ્રો. ઠાકોરના કાવ્યોમાંથી લીધેલાં છે. ( જુઓ પૂર્વાલાપ ટિપ્પણ ) આ છેલ્લા કાવ્યની ઉત્પત્તિ વિશે પ્રો. ઠાકોર એક ખાનગી પત્રમાં લખે છે:-
કુસુમમાલામાં ફૂલ ઉપર પદ છે તે ઉપરથી મેં આંસુ વિશે લખવા માંડ્યું જે અત્યંત દુષ્ટ થવાથી મ્હને ચીડ માય નહીં; મણિભાઈ મારી ચીડથી ખળખળ હસે તેમ તેમ હું વધારે ચીડાઉં….બીજી સવારે એમણે આ લખીને મ્હને વંચાવ્યું. હું પણ મારો કક્કો એમ છોડું ખરો? મેં કહ્યું – But this is not a પદ ! This is quite irrelevant. (આ કાંઈ પદ નથી, આ તો જુદું જ થયું )આમાં આવતી ‘નથી પાસે કોઈ…’ એ મ્હારી બે પંક્તિઓ મણિભાઈને બહુ ગમી ગયેલી અને વારે વારે બોલ્યા કરે. પછી એમને અને મને ચીડવવા જયાશંકર વાઘજી વ્યાસ અને ઠાકરશી મૂળજી એ બે પંક્તિઓ જયારે ને ત્યારે ખૂબ બગાડીને રાગડા તાણવામાં જ બડી લ્હેર માણતા.
‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે.
આ રીતે સાહિત્યમિત્રોમાં પ્રો.ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરના કાવ્યો ઉપર કશી ખરી કે નહિ ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી આ છેલ્લી પંક્તિઓ સાથે સરખાવો
નથી તારું એ કૈ, સકળ રચના છે કુદરતી.
નિસર્ગે બંધાતી, ત્રુટિત પણ મેળે થઇ જતી;
પૂર્વાલાપ પૃ. ૫૪
આ પ્રત્યુત્તરની બે પંક્તિઓ
-ભલેને અત્યારે અખિલ નભ ફેલાય વચમાં,
શશીનું શું તેથી ઉદયપલ રાત્રી વિસરશે-
મણિશંકરને અત્યંત પ્રિય હતી. આખા માટે જુઓ ભણકારા બીજી ધારા પૃ. ૬૩

અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આના કારણો બે-વિનમ્રતા અને ટેક:
“હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને….. એટલી તો સુંદર ઉંચી અને નમુનેદાર ગણતો કે મને એમ જ વસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય- એમાંનું કઈએ મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મ્હારું લખાણ છેક કાળું પડી જાય ! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મિય, તથાપિ એમની પણ કઈએ સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલુ તો એમાં મારું શું વળે?…. એ કરતાં તો ન લખવું બેહતર” [યુગધર્મ] આ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વે સાહિત્યકારોથી કૈક જુદા છે. એ લેવા ધારે તો પણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વાંરવાર કહે છે: તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઇપણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વે સંસ્કારો મણિભાઈની મૈત્રીથી મળ્યા જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કઈ પણ પ્રવૃત્ત કરવા પ્રેરાયા.
આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચયન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો.ઠાકોરના “આરોહણ”ના
ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે?
એ અને “સાથીઓ મ્હારા” તથા ‘વધો ખેડો સફર, મરદાની નાવો!’ એ ઉદગારો આ સ્થિતિને ઉદ્દેશીને થયાં છે. પણ જ્ઞાનના પરોડની મૈત્રી મંથનનો તાપ મોળો પડતાં જીવનસંધ્યામાં પરસ્પરને આશ્વાસન દેતી ફરી દેખા દે છે. મણિભાઈની પ્રો. ઠાકોરને પુર્વાલાપનો ‘ઉપહાર’ કરે છે અને પ્રો. ઠાકોર તે જ રીતે ‘ઉગતી જુવાની’ નાટક મણિભાઈને અર્પણ કરે છે. અને મણિભાઈના કરુણ અવસાન બાદ તેમની પાછળ કાન્તમાલાનું સ્મારક કરે છે. ‘અ.સૌ. નર્મદા ભટ્ટ’ અને ‘કોકિલ વિલાપ’ એ પ્રો. ઠાકોરે કરેલો એ મિત્રદંપતીને કવ્યાર્ધ્ય છે. એમના જેવી, સાહિત્ય સર્જન અને ઉપભોગની, સાત્વિક અહમહમિકારહિત મૈત્રી આપણા સાહિત્યના ઇતિહાસમાં વિરલ મળશે.
૧૮૮૮માં , ફિલસુફીના ઐચ્છિક વિષય સાથે મણિભાઈ પાસ થયા. ૧૮૮૯માં થોડો સમય સુરત હાઇસ્કુલમાં કામચલાઉ શિક્ષક તરીકે કામ કર્યું. ‘વસંતવિજય’ કાવ્ય અહીં લખેલું. ૧૮૯૦માં, સ્વ. પ્રો. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજરના અધ્યક્ષપણા નીચે વડોદરા રાજ્યે સ્થાપેલા કલાભવનમાં મણિભાઈ વાઈસ પ્રિન્સિપાલ નીમાયા અને તેના અંગની ટ્રેનીંગ સ્કૂલના મુખ્ય અધ્યાપક થયા. પ્રો. ગજ્જર જો કે ખાસ કરીને રસાયન શાસ્ત્રના પ્રોફેસર હતા છતાં તે પોતાના જમાનાના એક ઘણા જ આગળ પડતા વિચારક હતા અને સમકાલીન અગ્રેસર સાહિત્યકારોની મૈત્રીના મધ્યબિંદુ રૂપ હતા. ગુજરાતે એ મહાન વ્યક્તિને ઓળખીને પુરતું માં આપ્યું નથી. તેમની સાથે મણિભાઈને અહીં પરિચય શરુ થયો અને તે અંત સુધી જેવો ને તેવો રહ્યો.
વડોદરામાં ૧૮૯૮સુધી મણિભાઈ રહ્યા. તેમનો રા. બ. રમણભાઈ તથા પ્રો. ઠાકોર સાથેનો અંગત પરિચય પણ આ દરમિયાન વધ્યા કર્યો છે. મણિભાઈની સાહિત્યપ્રવૃત્તિ પણ એવી જ વેગવંત રહેલી છે. ‘પ્રજાઓના ઈતિહાસ’ એ માલામાંની ‘ઈજીપ્ત’ એ ચોપડીનો અનુવાદ પ્રગટ કર્યો, ૧૮૯૩. બે વરસ પછી મણિભાઈનો મહાન ગ્રંથ ‘શિક્ષણનો ઈતિહાસ’ ‘સયાજી જ્ઞાનમંજૂષા’ ની માલામાં પ્રગટ થયો. આનાથી તથા શિક્ષણકાર્યથી તેમને ગુજરાતી સાહિત્યમાં એક વિદ્વાન તરીકે ઉત્તમ પ્રતિષ્ઠા મળી. ૧૮૯૬માં પ્રો. ઠાકોર વડોદરામાં પ્રોફેસર તરીકે થોડા માસ રહ્યા હતા. તે સમયની મણિભાઈની કાવ્યપ્રવૃત્તિ વિશે તેઓ ખાનગી પત્રમાં લખે છે:-
કામાઠી બાગમાં રહવારે, સાંજે, બપોરે, મધરાતે-ધૂન આવવી જોઈએ કે બસ ડંડો લેતાકને ચાલ્યા જાય, અને પાછા ફરતાં જ જે કાંઈ રચાયું હોય તે કાગળ ઉપર ઉતારી લે.
૧૮૯૮માં તેમને વડોદરા છોડવું પડ્યું. પ્રો. ગજ્જર નીકળી ગયા તે પછી કલાભવનનું સ્વરૂપ બદલાયું. મણિભાઈને ઇન્સ્પેકટરના ગ્રેડમાં મૂકતા હતા; તે ગ્રેડ હલકો હોવાથી તેમણે વડોદરાની નોકરી છોડી અને ભાવનગર સ્ટેટમાં કેળવણી ખાતામાં નોકરી લીધી. ૧૮૯૮ નવેમ્બર.
તેમના વડોદરા જીવન વિશે શ્રી લાભશંકર ભટ્ટ લખે છે: “એ જીવનની ઘણી વાતો મુ. ભાભી પાસેથી તેમ જ બીજાઓ પાસેથી જાણી છે ત્યારે મને લાગ્યું છે કે મણિભાઈએ જો જીવનમાં સુખ ભોગવ્યું હોય તો તે વડોદરાના જ જીવનમાં. બુદ્ધિવિષયક આનંદને પણ તેમણે ત્યાં જ ભોગવ્યો. ભાવનગર આવ્યા પછીથી એમનાથી નથી એ શિક્ષણશાસ્ત્રની આલોચના થઇ શકી કે નથી એ બુદ્ધિવિષયક આનંદો ભોગવાયા.” [કાન્તમાલા] આ માનસિક ફેરફાર થવાના અનેક કારણો છે. તેમાં મણિભાઈની ધાર્મિક માન્યતામાં થયેલા ફેરફારો અને તેથી નિકટમાં નિકટનાં સ્વજનોમાં થયેલો ક્ષોભ એ મુખ્ય છે.
મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હ્રદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જાણતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઉંડા ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવા હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું- તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીકવાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદભાગ્ય હતું.”[યુગધર્મ] તેમણે મણિભાઈના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું.[યુગધર્મ] ‘કલ્પના અને કસ્તુરીમૃગ’માં
મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય,
ખબર નહિ પડે ને કીકીઓથી નચાય !

હૈયાના હોજમાંથી આશું પાણી છલકાય છે?
પ્રેમ છે એ નહી બીજું, પ્રતીતિ એમ થાય છે
વગેરે વર્ણન છે તે નર્મદાનું જ અપ્સરા રૂપે વર્ણન છે. સુંદર પાસા પડેલા હીરા જેવું ‘ઉદગાર’ કાવ્ય પણ આ નર્મદાને માટે લખાયેલું અને ‘રતિને પ્રાર્થના’માં રતિનું વર્ણન
મૃદુ મદ ભર્યા ગાત્રો ત્હારાં તજી ન શકું કદા
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહી ગણું.
પણ એમનું એ જ છે. પણ આવા પત્ની હોવાનું મણિભાઈનું જેમ સદભાગ્ય મોટું તેમ વડોદરે નોકરી થઇ તે પછી થોડા વખતમાં જ (૧૮૯૧માં) એ ગુજરી ગયા એ એમનું દુર્ભાગ્ય પણ એવડું જ મોટું. જીવનભર એ ‘અન્તર્ગુઢ ધનવ્યથા’ શમવા પામી નથી.
આ દર્દમાંથી ઘણાં કાવ્યો ઉદભવ્યા છે. ‘પ્રમાદી નાવિક’માં કવિ પ્રિયાની પાછળ દરિયામાં પડી આપઘાત કરે છે, તેવી આપઘાત કરવાની અને સન્યાસી થવાની વૃત્તિ તેમને વારંવાર થઈ આવતી. આ તીવ્ર ઉદ્વેગ ‘વિધુર કુરંગ’ માં પણ પ્રતીત થાય છે.
કદી સ્મરણ આવતાં રુધિર-નીર નેત્રે ઝરે,
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે;
નહી સ્વજન તે: સખી! સ્વજન એકલી તું હતી,
સહસ્ત્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.
‘વિપ્રયોગ’ માં કહ્યું છે.

અંત સુધી મ્હારે રોવાની
દારા એની એ.
(ટિપ્પણ પૃ. ૨૦૯ જુઓ )
તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’ નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યું પામ્યો. ‘વિધુર કુરંગ’ માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે.
આવી સ્થિતિમાં પ્રો. બળવંતરાય ઠાકોર માત્ર તેમના સાહિત્ય મિત્ર નહોતા. ઉપર અવતરણ કરેલી ‘વિધુર કુરંગ’ની પંક્તિઓના સ્વજન પણ હતા. પરંતુ પ્રો. ઠાકોર કહે છે-
પરંતુ ખરાં
સ્વજન તો મારી બા નીવડયાં, મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મ્હારા બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિભાઈ પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુવે. પછી એ જવા તૈયાર થયા ત્યારે મ્હારાં બાએ સમ દીધા. “જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મ્હારા સમ.” થોડી હકીકત મ્હારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, -“જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.” મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ, તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાડ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા. [યુગધર્મ ૪, ૨૭૯] ૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમના બીજા પત્નીનું નામ પણ નર્મદા હતું; તેમની ન્હાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ આ ‘ન્હાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંત:કરણ સરળતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભૂલાય એવો છીછરો નહોતો, અને એ ઝખમ આખી ઝીંદગી કદી રૂઝાયો નથી. એ નર્મદાના મૃત્યું પછી વીસ એકવીસ વર્ષે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં “તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યા અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલા, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદગુણોનું વર્ણન કરવા લાગ્યા;જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય!” [કાન્તમાલા પૃ. 300.] મણિભાઈની બચપણના ધર્મસંસ્કારો ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકનમાં કંઇક આવી કહીકત નોંધી છે.[સ્મરણમુકુર. પૃ. ૧૫૩.] આ અનાસ્થા જડ ઔદાસીન્યની નહોતી પણ સતત ખોજ કરનારી અતૃપ્તિની હતી. ફિલસુફીના અભ્યાસથી તેમની ખોજમાં ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા આવ્યાં હશે. તેમની ધર્મજીજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમની લાગણીવાળા સૌન્દર્યપરીક્ષક અને તલસ્પર્શી અંતઃકરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનના મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ ક્ષીણ થતું ગયું અને બીજી તરફથી ધાર્મિક સાંત્વન મેળવવાની જીજ્ઞાસા વિહ્વળ થતી ગઈ. વળી ‘શિક્ષણના ઈતિહાસ’ જેવો મહાન ગ્રંન્થ લખવાનો થાક પણ લાગેલો.[યુગધર્મ, ૪. ૨૭૬.] અધૂરામાં પૂરું વડોદરાની નોકરીની ચિંતા ઉત્પન્ન થઇ. ‘વડોદરા છોડવું પડશે એમ લાગે. એલ.એલ.બી. થઈને વકીલ તરીકે નવો આરંભ કરીશ એમ કહેતા તથાપિ હૃદયના ઊંડાણોમાં એમ પાર ઉતારવા વિશે પુરેપુરી અશ્રદ્ધા લાગે અને બીજું શું કરવું તે ન સુઝે એવી દશા અને ગ્લાની તેમને ૧૮૯૩થી થયા કરતી.” આ ગ્લાનિ “વત્સલના નયનોમાં પ્રગટ થઇ છે.”
મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાંચન અને સેવન હતું ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો તેમના વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન એ તરફ ઘણા વેગથી ઘસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણીવાર ઘસડાઈ જતાં એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની જેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે એ અલભ્ય હતી. બીજાં કોઈ સ્વજનોનું, જ્ઞાતિજનોનું, મિત્રોનું, હિતસ્વીઓનું, મણિભાઈએ માણ્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના માનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ. તે સમયના એક પત્રમાં લખે છે: “મારો ઈતિહાસ પૂરો થયો છે”પણ એણે મને ભોંય ભેગો કરી દીધો છે. કવિતા હું મુદ્દલ વાંચતો નથી. વાંચી શકતો જ નથી. માત્ર કેળવણીવિષયક થોથાં વાંચી શકું છું” પ્રો. ઠાકોર ઠીક કહે છે કે આ પ્રસંગે એમને છ માસની ફર્લો મળી હોત તો કદાચ એમના જીવનનો આખો એ ઈતિહાસ બદલાઈ જાત. [કાન્તમાલા પૃ. ૩૩૨-૩૩૩] શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે, ’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. “હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જ


0 comments


Leave comment