2 - ગોવો ફીટર / કલમની પીંછીથી / ગિજુભાઈ બધેકા


    “ફીટર એટલે એન્જિનમાં કામ કરનારો. ગોવો પહેલાંનો એવો એક ફીટર હતો પણ હમણાં એ ઘરડો થઈ ગયો છે. હવે એ હથોડા ઉપાડી નથી શકતો. હવે એ એન્જિનમાં કોલસા નાખી નથી શકતો. હવે એ એટલી બધી મહેનત કેમ કરી શકે ? હાથ પગ ઢીલા થઈ ગયા છે. આંખેય પૂરું કળાતું નથી.

    ફીટરનો પગાર તો કેટલોક હોય તે બસો પાંચસોની મૂડી કરે? રળ્યું એટલું ખાધું અને ખાધું એટલું રળ્યો. પણ ઘરડો થયો એટલે મીલમાંથી રજા લઈને ઘેર બેઠો. હવે એણે કરવું શું ? જિંદગી અાખી લોઢામાં અને આગમાં ગાળી પણ દિ'તો ઈના ઈ રહ્યા. હવે એણે કરવું શું ?

    ગેાવો બિચારો પંડોપંડ છે. એક બાયડી હતી તે તો મરી ગઈને છોકરુંછૈયું તો થયું જ ન હતું. તેાયે આ એકલા પંડને ખવરાવવું તો પડે ના. ? પેટ માગે એનું શું ?

    ગોવાએ હમણાં એક હાટડી કરી છે. ઘાસલેટ, દીવાસળીના બાકસ, રેવડી, શીંગ, દાળિયા, મમરા, ગેાળ, એવું એવું ગોવો રાખે છે અને સાંજ પડ્યે બે પૈસા કમાય છે. આવી હાટડીમાં કમાણી તે શું થાય ને વળી આવા વખતમાં !

    ગોવો કમાય એટલું ખાય ત્યારે માંડ પેટ ભરાય. વકરામાંથી ગોવો થોડોક લોટ લાવે, ડુંગળીના ગાંઠિયા લાવે, પાઈઅડધી પાઈનું મીઠું મરચું લાવે ને ગોવો રોટલાને ડુંગળીનું શાક ખાય. કોઈવાર તો એકલા રોટલાને મીઠું એ ખાવું પડે, કોઈવાર ગોવો ભૂખ્યો પણ પડ્યો રહે. વખતે લોટ ન હોય તે વખતે પોતે જ માંદો હોય. એને ક્યો સગો લોટ આપે અને કઈ કાકી એને રોટલો ઘડી આપે ? હાડ હાલતાં હતાં ત્યાં સુધી 'ગોવો ફીટર ગોવો કીટર.' હાડ ખખળ્યાં અને ઘડપણ આવ્યું એટલે સૌ સૌને રસ્તે ! ગોવો બિચારો ગોવલો. એનું કોણ?

    ગોવાને મેં ગઈકાલે હાટડીમાં જોયો.હું કેટલાયે વર્ષે ગામમાં આવેલો તે એને માંડ માંડ એાળખ્યો. પહેલાં તો એ હાટડીમાં ગગો કુરો રહેતો હતો. મને વહેમ પણ નહિ કે ગોવા ફીટરે હાટ માંડયું હશે.

    અમે નાના હતા ત્યારે બાપાની સાથે રૂના જીનમાં જતા. બાપા અમને બધું સાથે રહીને બતાવતા. એન્જીનની કોઠી આગળ એક પારસી બેસતો. એને અમે ઈજનેર કાકા કહેતા. એનું નામ કેકુ હતું. અમે એને કેકુકાકા કહેતા. કેકુકાકા આરામ ખુરશીમાં બેસતા અને ફીટરોને હુકમ કરતા. હુકમ પ્રમાણે ફીટરો કામ કરતા. ફીટરોમાં ગોવો પણ હતો.

    ગોવો તે વખતે પૂરા વીસ વર્ષનો. જરા જરા મૂછ આવેલી. શરીરે ઊંચો અને ધીંગો, હાથના બાંવડા ઉપર તે ગોટલા બાઝેલા પગની પીંડીએા તે જાણે લોઢાની. ગોવો ઘડીક હાથમાં પાવડો લે અને કોલસા નાખે. ગોવો ઘડીક હાથમાં હથેાડો લે અને લોઢું ટીપે. ઘડીકમાં એન્જીન ઉપર આંટો મારે અને અહીંતહીં તેલ પૂરે, પસીનો લૂછતો જાય અને ધમ ધમ ચાલતો જાય. કેકુકાકા તો હુકમ કરી જાણે. એની જીભ હાલે અને ગોવાના હાથ પગ હાલે. સાંજ પડે ત્યાં તો ગોવો કેટલુંયે કામ કરી નાંખે.

    ગોવાને મારા બાપા એાળખતા. બાપા કહેશે: “કાં ગોવા, કેમ ચાલે છે?' હસીને ગોવો કહેતો: 'એ બાપા તમ પરતાપે લ્હેર છે !' ગોવો વધારે વાત કરવાયે ન રોકાય ને કામે જાય.

    મને થયું, આ હાટડીમાં બેઠેલો ગેાવો ફીટર ખરો, પણ તે દિ'નો ગાવો ફીટર અને આજનો ગોવો ફીટરમાં લાખ ગાડાનો ફેર. મને થયું, કયાં એ ફીટરનું શરીર અને કયાં આ ડોસાનું શરીર !

    મેં પૂછયું : 'કાં ગોવા ફીટર કેમ છો ?' આંખ તાણીને ગોવાએ મારી સામે જોયું. ધારી ધારીને જોઈને કહે: 'તમે કે ભાઈ, ભગવાનદાદાના દીકરા ના ? મને થયું કે ગોવો ફીટર કહીને બોલાવનારો તેા કેોણ હશે ? ભાઈ, એ ફીટરના દિ'તો ગયા. હવે તો આ સૌ ગોવાદાદા, ગોવાડોસા કહીને બોલાવે છે. જુઓને હવે તો ઘડપણ આવ્યું ને આ... ...'

    ગોવાની આંખમાં અાંસુ ભરાઈ આવ્યાં. જીભ આગળ ચાલી નહિ. મેં મારા આંસુ કળાવા ન દીધા.


2 comments

VishuPatel

VishuPatel

Nov 30, -0001 12:00:00 AM

Hdjsbsbsjss

0 Like

VishuPatel

VishuPatel

Nov 30, -0001 12:00:00 AM

Jskqnskdks

1 Like


Leave comment