1 - શવો શકરવારીઓ / કલમની પીંછીથી / ગિજુભાઈ બધેકા


    શવાને બધા શકરવારીઓ કહેતાં. શુક્રવાર આવે ને શવો દાળીઆની રેંકડી લઈને ગામમાં નીકળે.

    શવો રેંકડી ધકેલતો જાય ને સાદ પાડતો જાય: 'ગરમા ગરમ શકરવારીઆ, જોર ગરમાં ગરમ ચણા, ગરમા ગરમ શકરવારીઆ...'

    શવાનો સાદ નાનાં છોકરાં સાંભળે, છોકરાની બા સાંભળે, છોકરાનાં દાદા સાંભળે, દાદી સાંભળે.

    દાદા કહેશે, "એલા આજે તો શકરવાર લાગે છે." દાદી કહેશે, “હા, શકરવારી દાળીઆ. ” દાદા દાદીના મોઢામાં દાંત નહિ પણ ખાવાનું મન થાય.

    બા બેન કહેશે, “લ્યો, ઘડીકવારમાં તો શકરવાર આવ્યો. જાણે ગઈકાલે જ મશાલા દાળીઅા કર્યા'તા ને ખાધા'તા. નાનાં બાળકો કહેશે, “એ બા, શવો નીકળ્યો છે, શકરવારીઓ નીકળ્યો છે, અમારે દાળીઅા લેવા છે."

    બા અને બેનને દાળીઆ બહુ ભાવે. દાદા દાદીનેય ભાવે તો ખરા જ ને ! પણ એનાથી કાંઈ રેંકડીએ જવાય છે ?

    બા બેન કહેશે, “ઠીક ત્યારે, બે પૈસાના લઈ આવો"

    બેન કહેશે, “ એટલે દાળીએ નહિ થાય.”

    દાદા કહેશે, “ચાર પૈસાના લાવો ને ભઈ, છોકરાં દાળીઆ ખાઈ રાજી થશે.”

    ચાર પૈસાના દાળીઆ લાવે. શવો તાજુડી લ્યે, દાળીઆ તેાળે, ઉપર થોડુંક મીઠું મરચું ભભરાવે ને પડીકું વાળી આપે. છોકરાં દાળીઆ લઈ બા પાસે દોડે.

    બા કહેશે, “અહીં આવો, આપણે ભાગ પાડીએ”

    બા ભાગ પાડે. “આટલા દાળીઆ દાદા દાદીના. એને કાંઈ દાંત છે ? ખાંડીને ભૂકો કરીને ઘી ગોળ નાખીને ખવરાવશું. આટલા દાળીઆ તમારા. લ્યો તમારા ખીસામાં. ખાતા જાઓ ને રમતા જાઓ ને આટલા હવે અમારા આટલામાં તો બેન અને હું ખાશું ને વળી તમારા બાપા માટે પણ રાખીશું”

    છોકરાં દાળીઆ લઈ ઉપડી જાય. બા બેન અથાણાની બરણીએા ઉઘાડે, રાતુંચોળ તેલ ને મરચું કાઢે ને દાળીઆમાં ભેળવે. પછી સૂ સૂ કરતાં ખાતા જાય ને દાળીઆને વખાણતા જાય.

    દાદાજીને તો દાળીઆ ખાંડી દેવા પડે. પણ દાદાજી પોતે જ હોંશીલા એટલે ખારણી લે, દસ્તો લે અને હળું હળું પોતે જ દાળીઆ ખાંડે. પછી દાદાજી પોતે એમાં ગોળ ભેળવે અને જરાક ઘી નાંખી દાદા દાદી દાળીઆનો લાડવો ખાય.

    સાંજે બાપા આવે. ચંપકની બાકહેશે, “લ્યો, આ દાળીઆનો તમારો ભાગ રાખ્યો છે તે. આ દાળીઆના લાડવાનો કટકો. દાદાજીને લાડવો કરી. દીધો હતો. એને લાડવો બહુ ભાવે.”

    બાપા કહેશે, “ હા, એલા, અાજતો શકરવાર છે ને? શવો શકરવારીઓ આવ્યો લાગે છે. માળો જબરો છે, રેંકડી લઈને નીકળવું, છોકરાંને ફોસલાવવા ને દાળીઆ વેચી પૈસાદાર થવું.”

    સૌ શવા શકરવારીઆનો વાંક કાઢતા જાય, દાળીઆની વાત કરતા જાય ને વળી પાછા આવતા શકરવારની વાટ જોતા જાય.


1 comments

Ravi

Ravi

Nov 30, -0001 12:00:00 AM

Khssugff

1 Like


Leave comment