32 - મહેતાજી / મોહનદાસ કરમચંદ ગાંધી


'સત્યાગ્રહના ઇતિહાસ' માં જે વસ્તુ નથી આવી શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે.

ટોલ્સ્ટોય આશ્રમમાં બાળકો તેમ જ બળાઓને સારુ કંઇક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી નવયુવકો હતા, અને થોડી હિદુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશકય હતું. અને મને અનાવશ્યક લાગેલું. અશકય હતું કેમ કે યોગ્ય હિદી શિક્ષકોની અછત હતી, અને મળે તોયે મોટા પગાર વિના ડરબનથી(૧) ૨૧ માઇલ દૂર કોણ આવે ? મારી પાસે પૈસાની છોળ નહોતી. બહારથી શિક્ષક લાવવા અનાવશ્યક માન્યું, કેમ કે ચાલુ કેળવણીની પધ્દ્રતિ મને પસંદ નહોતી. ખરી પધ્દ્રતિ શી છે તેનો મેં અનુભવ નહોતો મેળવી જોયો. એટલું સમજતો હતો કે, આદર્શ સ્થિતિમાં ખરી કેળવણી તો માબાપની નીચે જ હોય. આદર્શ સ્થિતિમાં બાહ્ય મદદ ઓછામાં ઓછી હોવી જોઇએ. ટોલ્સ્ટોય આશ્રમ એક કુટુંબ છે અને તેમાં પિતારૂપે હું છું, એટલે મારે એ નવયુવકોના ધડતરની જવાબદારી યથાશક્તિ ખેડવી જોઇએ એમ ધાર્યું.

આ કલ્પનામાં ઘણા દોષો તો હતા જ. નવયુવકો મારી પાસે જન્મથી નહોતા. બધા જુદાં જુદાં વાતાવરણોમાં ઊછર્યા હતા. બધા એક જ ધર્મના પણ નહોતા. અવી સ્થિતિમાં રહેલ બાળકો અને બાળાઓને હું પિતા બનીને પણ કેમ ન્યાય આપી શકું?

પણ મેં હ્રદયની કેળવણીને એટલે ચારિત્ર ખીલવવાને હમેશાં પ્રથમ પદ આપ્યું છે. પરિચય ગમે તે વયે અને ગમે તેટલી જાતનાં વાતાવરણોમાં ઊછરેલાં બાળકો અને બાળાઓને ઓછાવતા પ્રમાણમાં આપી શકાય, એમ વિચારી આ બાળકો ને બાળાઓની સાથે હું રાત અને દિવસ પિતારૂપે રહેતો હતો. ચારિત્રને મેં તેમની કેળવણીના પાયારૂપે માન્યું. પાયો પાકો થાય તો બીજું બળકો અવકાશ મળ્યે મદદ લયને કે આપબળે મેળવી લે.

છતાં અક્ષરજ્ઞાન થોડુંઘણું પણ આપવું તો જોઇએ જ એમ હું સમજતો હતો, તેથી વર્ગો કાઢયા, ને તેમાં મિ. કેલનબેકની અને પ્રાગજી દેસાઇની મદદ લીધી.

શારીરિક કેળવણીની આવશ્યકતા સમજતો હતો. તે કેળવણી તેમને સહેજે મળી રહી હતી.

આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઇ સુધીનાં બધાં કામો આશ્રમવાસીઓને જ કરવાનાં હતાં. ફળઝાડો પુષ્કળ હતાં. નવું વાવેતર કરવાનું જ હતું. મિ. કૅલનબૅકને ખેતીનો શોખ હતો, પોતે સરકારી આદર્શ વાડીઓમાં થોડો વખત શીખી આવ્યા હતા. રોજ અમુક સમય નાનામોટા બધા જે રસોડાના કામમાં ન રોકાયા હોય તેમને બગીચામાં કામ કરવું જ પડતું. આમાં બાળકોનો મોટો હિસ્સો હતો. મોટા ખાડા ખોદવા, ઝાડો કાપવાં, બોજા ઊંચકી જવા,વગેરે કામમાં તેમનાં શરીર સારી પેઠે કસાતાં. તેમા તેમને આનંદ આવતો, ને તેથી બીજી કસરતની કે રમતની તેમને જરૂર નહોતી રહેતી. કામ કરવામાં કેટલાક અથવા કોઇ વાર બધા વિઘાર્થીઓ નખરાં કરતા. આળસ કરતા. ઘણી વેળા આની સામે હું આંખ મીંચતો. કેટલીક વેળા તેમની પાસેથી સખતીથી કામ લેતો. જ્યારે સખતી કરતો ત્યારે તેઓ કંટાળતા એમ પણ હું જોતો. છતાં સખતીનો વિરોધ બાળકોએ કર્યો હોય એવું મને યાદ નથી. જ્યારે જ્યારે સખતી કરતો ત્યારે ત્યારે તેમને સમજાવતો અને તેમની પાસે જ કબૂલ કરાવતો કે કામની વખતે રમત એ સારી ટેવ ન ગણાય. તેઓ તે ક્ષણે સમજે, બીજી ક્ષણે ભૂલે, એમ ગાડું ચાલતું. પણ તેમનાં શરીર ઘડાયે જતાં હતાં.

આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. તેમાં હવાપાણીનો અને સારા ને નિયમિત ખોરાકનો પણ મોટો હિસ્સો હતો એ કહેવું જોઇએ. શારીરિક કેળવણીના સંબંધમાં જ શારીરિક ધંધાની કેળવણી ગણાવી જાઉં. સહુને કંઇક ઉપયોગી ધંધો શીખવવો એ ઇરાદો હતો. તેથી મિ. કૅલનબૅક ટ્રેપિસ્ટ મઠમાં ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમની પાસેથી હું શીખ્યો, ને મેં જે બાળકો એ ધંધો શીખવા તૈયાર થયા તેમને શીખવ્યો. મિ. કૅલનબૅકને સુતારકામનો થોડો અનુભવ હતો, અને આશ્રમમાં સુતારકામ જાણનાર એક સાથી હતો, તેથી તે કામ પન થોડે અંશે શીખવવામાં આવતું. રસોઇ તો લગભગ બધાં બાળકો શીખી ગયાં.

આ બધાં કામો બાળકોને સારુ નવાં હતાં. તેમનાં તો સ્વપ્નાંમાંયે આવાં કામો શીખવાનું નહીં હોય. જે કંઇ કેળવણી હિદી બાળકો દક્ષિણ આફ્રિકામાં પામતાં તે કેવળ પ્રાથમિક અક્ષરજ્ઞાનની જ હતી. ટૉલ્સ્ટૉય આશ્રમમાં પ્રથમથી જ રિવાજ પાડયો હતો કે, જે કામ અમે શિક્ષકો ન કરીએ તે બળકોની પાસે ન કરાવવું, ને હમેશાં તેમની સાથે સાથે એ જ કામ કરનાર એક શિક્ષક હોય. એટલે બાળકો હોંશથી શીખ્યાં.

ચારિત્ર અને અક્ષરજ્ઞાનને વિષે હવે પછી.
_______________________
(૧) અહીં 'ડરબનથી' ને બદલે 'જોહાનિસબર્ગથી' જોઇએ.


0 comments


Leave comment