5 - નિરીક્ષણનું પરિણામ / મોહનદાસ કરમચંદ ગાંધી


જ્યારે ૧૮૯૩ની સાલમાં હું ખ્રિસ્તી મિત્રોના નિકટ પ્રસંગમાં આવ્યો ત્યારે હું કેવળ શીખનારની સ્થિતિમાં હતો. ખ્રિસ્તી મિત્રો મને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા ને મારી પાસે તે સ્વીકારાવવા મથતા હતા. હું નમ્રભાવે, તટસ્થપણે તેમનું શિક્ષણ સાંભળી સમજી રહ્યો હતો. આને અંગે મેં હિંદુ ધર્મનો યથાશક્તિ અભ્યાસ કર્યો ને બીજા ધર્મો સમજવાની પણ કોશિશ કરી. હવે ૧૯૦૩માં જરા સ્થિતિ બદલાઈ. થિયૉસૉફિસ્ટ મિત્રો મને તેમના મંડળમાં ખેંચવા અવશ્ય ઇચ્છતા હતા, પણ તે હિંદુ તરીકે મારી પાસેથી કંઇક મેળવવાના હેતુથી. થિયૉસૉફિનાં પુસ્તકોમાં હિંદુ ધર્મની છાયા ને તેની અસર તો પુષ્કળ છે જ; તેથી આ ભાઇઓએ માન્યું કે હું તેમને મદદ દઈ શકીશ. મેં તેમને સમજાવ્યું કે મારો સંસ્કૃત અભ્યાશ નહીં જેવો ગણાય, મેં તેના પ્રાચીન ધર્મગ્રંથો સંસ્કૃતમાં વાંચ્યા નથી, તરજુમા વાટે પણ મારું વાચન ઓછું. છતાં તેઓ સંસ્કારને અને પુનર્જન્મને માનનારા હોવાથી મારી થોડી ઘણી પણ મદદ તો મળે જ એમ તેમણે માન્યું, ને હું 'નહીં ઝાડ ત્યાં એરંડો પ્રધાન' જેવો થઈ પડ્યો. કોઈની સાથે વિવેકાનંદનો 'રાજયોગ' તો કોઇની સાથે મણિલાલ નભુભાઇનો વાંચવાનું શરૂ કર્યું. એક મિત્રની સાથે મણિલાલ નભુભાઈનો વાંચવાનું શરૂ કર્યું. એક મિત્રની સાથે 'પાતંજલ યોગદર્શન' વાંચવું પડ્યું. ઘણાની સાથે ગીતાનો અભ્યાસ શરૂ થયો. એક નાનું સરખું 'જિજ્ઞાસુ મંડળ' નામે મંડળ પણ કાઢ્યું ને નિયમિત અભ્યાસ શરૂ થયો. ગીતાજી ઉપર મને પ્રેમ અને શ્રદ્ધા તો હતાં જ. હવે તેમાં ઊંડા ઊતરવાની આવશ્યકતા જોઇ. મારી પાસે એક બે તરજુમા હતા તેની મદદ વડે મૂળ સંસ્કૃત સમજી લેવાનો પ્રયત્ન કર્યો ને નિત્ય એક અથવા બે શ્લોક કંઠ કરવાનું ધાર્યું.

સવારના દાતણ અને સ્નાનનો સમય મેં કંઠ કરવાના ઉપયોગમાં લીધો. દાતણમાં પંદર મિનિટ ને સ્નાનમાં વીસ મિનિટ જતી. દાતણ અંગ્રેજી રીતે ઊભાં ઊભાં કરતો. સામેની દીવાલ ઉપર ગીતાના શ્લોક લખીને ચોંટાડતો ને તે જરૂર પ્રમાણે જોતો ને ગોખતો. આ ગોખેલા શ્લોકો પાછા સ્નાન લગીમાં પાકા થઈ જાય. દરમ્યાન પાછલા નિત્ય એક વાર બોલી જવાય. આમ કરીને મેં તેર અધ્યાય લગી મોઢે કરી લીધાનું સ્મરણ છે. પાછળથી વ્યવસાય વધ્યો. સત્યાગ્રહનો જન્મ થતાં ને તે બાળકને ઉછેરતાં મારો વિચાર કરવાનો સમય પણ એની ઉછેરમાં વીત્યો ને હજુ વીતી રહ્યો છે એમ કહી શકાય.

આ ગીતાવાચનની અસર મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે તેઓ જાણે, મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું. તે પુસ્તક મારો ધાર્મિક કોષ થઈ પડ્યું. અજાણ્યા અંગ્રેજી શબ્દની જોડણી કે તેના અર્થને સારુ હું જેમ અંગ્રેજી શબ્દકોષ ગોખતો તેમ આચારની મુશ્કેલીઓ, તેના અટપટા કોરડા ગીતાજી પાસે ખોલાવતો. અપરિગ્રહ, સમભાવ વગેરે શબ્દોએ મને પકડ્યો. સમભાવ કેમ કેળવાય, કેમ જળવાય? અપમાન કરતા અમલદારો, લાંચ લેનારા અમલદારો, નકામો વિરોધ કરનારા ગઈ કાલના સાથીઓ વગેરે, અને જેમણે ભારે ઉપકાર કર્યો હોય એવા સજ્જનો વચ્ચે ભેદ નહીં એટલે શું? અપરિગ્રહ તે કેમ પળાતો હશે? દેહ છે એ ક્યાં ઓછો પરિગ્રહ છે? સ્ત્રીપુત્રાદિ પરિગ્રહ નથી તો શું? પુસ્તકોનાં થોથાંનાં કબાટો બાળી નાંખવાં? ઘર બાળીને તીર્થ કરવું? લાગલો જ જવાબ મળ્યો કે ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં. અંગ્રેજી કાયદાએ મદદ કરી. સ્નેલની કાયદાના સિદ્ધાંતોની ચર્ચા યાદ આવી. 'ટ્રસ્ટી' શબ્દનો અર્થ ગીતાજીના અભ્યાસને પરિણામે વિશેષ સમજ્યો. કાયદાના શાસ્ત્રને વિષે માન વધ્યું. તેમાં પણ મેં ધર્મ ભાળ્યો. ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતાં તેમાંની એક પાઇ તેની નથી, તેમ મુમુક્ષુએ વર્તવું રહ્યું એમ હું ગીતાજીમાંથી સમજ્યો. અપરિગ્રહી થવામાં, સમભાવી થવામાં હેતુનું, હ્રદયનું પરિવર્તન આવશ્યક છે એમ મને દીવા જેવું દેખાયું. રેવાશંકરભાઇને લખી વાળ્યું કે વીમાની પૉલીસી બંધ કરજો. કંઇ પાછું મળે તો લેજો, ન મળે તો અપાયા પૈસા ગયા સમજજો. બાળકોની અને સ્ત્રીની રક્ષા તેનો અને આપણો પેદા કરનાર કરશે. આવી મતલબનો કાગળ લખ્યો. પિતા સમાન ભાઇને લખ્યું, 'આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું. હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે.'

આ વાત હું ભાઇને ઝટ ન સમજાવી શક્યો. તેમણે મને પ્રથમ તો સખત શબ્દોમાં તેમના પ્રત્યેનો મારો ધર્મ સમજાવ્યો: બાપ કરતાં મારે ડાહ્યા ન થવું, બાપે જેમ કુટુંબને પોષ્યું તેમ મારે પણ કરવું જોઇએ, વગેરે. મેં સામો વિનય કર્યો કે બાપનું જ કામ હું કરી રહ્યો છું. કુટુંબનો અર્થ જરા બહોળો કરીએ તો મારું પગલું સમજાય તેવું લાગશે.

ભાઇએ આશા છોડી. લગભગ અબોલા જેવું કર્યું. મને તેથી દુઃખ થયું. પણ જેને હું ધર્મ માનતો હતો તે છોડતાં ઘણું વધારે દુઃખ થતું હતું. મેં ઓછું દુઃખ સહન કર્યું. છતાં ભાઇ પ્રત્યેની મારી ભક્તિ નિર્મળ અને પ્રચંડ હતી. ભાઇનું દુઃખ તેમનાં પ્રેમમાંથી ઉદ્ભવ્યું હતું. તેમને મારા પૈસા કરતાંય મારા સદવર્તનની વધારે ગરજ હતી.

તેમના આખરના દિવસોમાં ભાઇ પલળ્યા. મરણપથારીએ હતા ત્યારે તેમને જણાયું કે મારું પગલું જ સાચું અને ધર્મ્ય હતું. તેમનો અત્યંત કરુણાજનક કાગળ મળ્યો. જો બાપ દીકરાની માફી માગી શકતો હોય તો તેમણે મારી માફી માગી. તેમના દીકરાઓને મારી પ્રમાણે ઉછેરવાની મને ભલામણ કરી. પોતે મને મળવાને અધીરા થયા. મને તાર કર્યો. મેં 'આવો' એમ તારથી જવાબ આપ્યો. પણ અમારો મેળાપ નિર્માયો નહોતો.

તેમની તેમના પુત્રો વિષેની ઈચ્છા પણ પૂરી ન થઈ. ભાઇએ દેશમાં જ દેહ છોડ્યો. દીકરાઓને તેમના આગલા જીવનનો સ્પર્શ હતો. તેમનું પરિવર્તન ન થયું. હું તેમને મારી પાસે ન ખેંચી શક્યો. એમાં તેમનો દોષ નથી. સ્વભાવને કોણ ફેરવી શકે? બળવાન સંસ્કારને કોણ ભૂંસી શકે? આપણે માનીએ કે, જેમ આપણામાં પરિવર્તન થાય કે વિકાસ થાય તેમ આપણાં આશ્રિતોમાં કે સાથીઓમાં પણ થવો જોઇએ, એ મિથ્યા છે.

માબાપ થનારની જવાબદારી કેવી ભયંકર છે તે આ દૃષ્ટાંત ઉપરથી કંઈક સમજાય છે.


0 comments


Leave comment