41 - ગોખલેની ઉદારતા / મોહનદાસ કરમચંદ ગાંધી


વિલાયતમાં મને થયેલ પાંસળીના વરમની હકીકત હું લખી ગયો છું. આ રોગ વખતે ગોખલે વિલાયતમાં આવી પહોંચ્યા હતા. તેમની પાસે કૅલનબૅક અને હું હમેશાં જતા. ઘણે ભાગે લડાઈની જ વાતો થતી. કૅલનબૅકને જર્મનીની ભૂગોળ મોઢે હતી, ને તેમણે યુરોપની મુસાફરી ખુબ કરી હતી, એટલે ગોખલેને નકશો કાઢીને લડાઈનાં મથકો બતાવતા.

મને જ્યારે વ્યાધિ લાગુ પડ્યો ત્યારે તે પણ એક ચર્ચાનો વિષય થઈ પડ્યો. મારા ખોરાકના પ્રયોગો તો ચાલતા જ હતા. તે વેળાનો મારો ખોરાક ભોંયસિંગ, કાચાં અને પાકાં કેળાં, લીંબુ, જીતુનનું તેલ, ટમાટાં, દ્રાક્ષ વગેરે હતો. દૂધ, અનાજ, કઠોળ વગેરે મુદ્દલ નહોતો લેતો. મારી સારવાર જીવરાજ મહેતા કરતા હતા. તેમણે દૂધનો અને અનાજ ખાવાનો ભારે આગ્રહ કર્યો. ફરીયાદ ગોખલે સુધી પહોંચી. ફળાહારની મારી દલીલ વિશે તેમને બહુ માન નહોતું; આરોગ્ય સાચવવાને સારુ દાક્તર કહે તે લેવાનો આગ્રહ હતો.

ગોખલેના આગ્રહને ઠેલવો મારે સારુ બહુ કઠિન વાત હતી. તેમણે જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે મેં ચોવીસ કલાક વિચાર કરવાની રજા માંગી. કૅલનબૅક ને હું ઘેર આવ્યા. રસ્તામાં મારો શો ધર્મ હતો તેની તેમની સાથે ચર્ચા કરી. મારા પ્રયોગમાં તે સાથે હતા. તેમને પ્રયોગ ગમતો હતો, પણ મારી તબિયતને ખાતર જો હું તે છોડું તો ઠીક એવી તેમની પણ હું વૃત્તિ જોઈ શક્યો. એટલે મારે પોતાની મેળે જ અંતર્નાદને તપાસવો રહ્યો હતો.

રાત આખી વિચારમાં ગાળી. જો પ્રયોગ આખો છોડી દઉં તો મારા કરેલા વિચારો રગદોળાઈ જતા હતા. તે વિચારોમાં મને ક્યાંયે ભૂલ નહોતી લાગતી. ગોખલેના પ્રેમને ક્યાં સુધી વશ થવાનો ધર્મ હતો, અથવા શરીરરક્ષાને સારુ આવા પ્રયોગો કેટલે લગી છોડવા એ પ્રશ્ન હતો. તેથી મેં એ પ્રયોગોમાંનો જે કેવળ ધર્મની દષ્ટિએ થતો હતો તે પ્રયોગને વળગી રહી બીજી બાબતોમાં દાક્તરને વશ વર્તવું એમ નિશ્ચય કર્યો. દૂધના ત્યાગમાં ધર્મભાવનાને પ્રધાનપદ હતું. કલકત્તામાં ગાયભેંસ ઉપર થતી દુષ્ટ ક્રિયાઓ મારી સામે મૂર્તિમંત હતી. જેમ માંસ તેમ જાનવરનું દૂધ પણ મનુષ્યનો ખોરાક નથી એ વસ્તુ પણ મારી પાસે હતી. તેથી દૂધના ત્યાગને વળગી રહેવાનો નિશ્ચય કરીને હું સવારે ઊઠ્યો. એટલા નિશ્ચયથી મારું મન બહુ હળવું થયું. ગોખલેનો ભય હતો. પણ તે મારા નિશ્ચયને માન આપશે એવો મને વિશ્વાસ હતો.

સાંજે નેશનલ લિબરલ ક્લબમાં અમે તેમને મળવા ગયા. તેમણે તુરત પ્રશ્ન કર્યો: 'કેમ દાક્તરનું કહેલું માનવાનો નિશ્ચય કર્યો ના ?'

મેં હળવેથી જવાબ આપ્યો: 'હું બધું કરીશ, પણ એક વાતનો આગ્રહ તમે ન કરશો. દૂધ અને દૂધના પદાર્થો અથવા માંસાહાર હું નહીં લઉં. તે ન લેતાં શરીર પડે તો પડવા દેવામાં ધર્મ છે એમ મને તો લાગે છે.'

'આ તમારો છેવટનો નિર્ણય છે ?' ગોખલી પૂછ્યું.

'મને લાગે છે કે હું બીજો જવાબ નહીં આપી શકું. હું જાણું છું કે તમને આથી દુ:ખ થશે. પણ મને ક્ષમા કરજો,' મેં જવાબ આપ્યો.

ગોખલી કંઈક દુ:ખથી પણ અતિ પ્રેમથી કહ્યું: 'તમારો નિશ્ચય મને ગમતો નથી. એમાં હું ધર્મ નથી જોતો. પણ હવે હું આગ્રહ નહીં કરું'. એમ બોલી જીવરાજ મહેતા ભણી વળીને તેમને કહ્યું: 'હવે ગાંધીને ન પજવજો. તે કહે છે તે મર્યાદામાં તેમને જે દઈ શકાય તે દેજો.'

દાક્તરે નાખુશી બતાવી પણ લાચાર થયા. મને મગનું પાણી લેવાની સલાહ આપી. તેમાં હિંગનો વઘાર નાખવાનું સૂચવ્યું. મેં તેમ કરવાની હા પાડી. એકબે દિવસ તે ખોરાક લીધો. મને તો તેથી પીડા વધી. મને તે માફક ન આવ્યો. તેથી હું પાછો ફળાહાર ઉપર ગયો. દાક્તરે બહારના ઉપચારો તો કર્યા જ. તેથી થોડી શાંતિ થતી. પણ મારી મર્યાદાઓથી તે બહુ અકળાતા. દરમિયાન ગોખલે લંડનનું ઑક્ટોબર-નવેમ્બરનું ધૂમસ સહન નક્રી શકે તેથી દેશ જવા રવાના થયા.


0 comments


Leave comment