32 - એ સપ્તાહ !—૨ / મોહનદાસ કરમચંદ ગાંધી


કમિશનર ગ્રિફિથ સાહેબની ઓફિસે ગયો. તેમના દાદરની પાસે જ્યાં જોઉં ત્યાં હથિયારબંધ સોલ્જરો બેઠા હતા, કેમ જાણે લડાઈને સારુ તૈયાર થઈ રહ્યા હોય નહીં ! વરંડામાં પણ ધાંધલ મચી રહી હતી. હું ખબર આપી ઓફિસમાં પેઠો તો કમિશનરની પાસે મિ. બોરિંગને બેઠેલા જોયા. કમિશનરની પાસે મેં જોયેલું દ્રશ્ય વર્ણવ્યું. તેમણે ટૂંકામાં જવાબ આપ્યો : ’મારે સરઘસને ફોર્ટ તરફ જવા નહોતું દેવું. ત્યાં જાય તો તોફાન થયા વિના ન રહે. અને મેં જોયું કે લોકો વાળ્યા વળે એમ નહોતા. એટલે ઘસારો કર્યા વિના છૂટકો નહોતો.’

’પણ તેનું પરિણામ તો તમે જાણતા હતા. લોકો ઘોડાની નીચે છૂંદાયા વિના ન રહે. ઘોડેસવારની ટુકડી મોકલવાની જરૂર જ નહોતી એમ મને તો લાગે છે,’ હું બોલ્યો.

’એની તમને ખબર ન પડે. લોકોની ઉપર તમારા શિક્ષણની અસર કેવી થઈ છે તેની ખબર અમને પોલીસને તમારા કરતાં વધારે પડે. અમે પહેલેથી સખત ઉપાયો ન લઈએ તો વધારે નુકસાન થાય. હું તમને કહું છું કે, લોકો તમારા કબજામાં પણ રહેવાના નથી. કાયદાના ભંગની વાત તેઓ ઝટ સમજશે, શાંતિની વાત તેમના ગજા ઉપરાંત છે. તમારા હેતુ સારા છે, પણ તમારા હેતુ લોકો નહીં સમજે. તેઓ તો પોતાના સ્વભાવને અનુસરશે,’ સાહેબ બોલ્યા.

’પણ તમારી અને મારી વચ્ચે ભેદ જ અહીં છે. લોકો સ્વભાવે લડાક નથી, પણ શાંતિપ્રિય છે,’ મે ઉત્તર દીધો.

અમે દલીલમાં ઊતર્યા.

છેવટે સાહેબ બોલ્યા, ’વારુ, ત્યારે જો લોકો તમારું શિક્ષણ નથી સમજ્યા એની તમને ખાતરી થાય તો તમે શું કરો ?’

મેં જવાબ દીધો, ’જો એવું મને સિધ્ધ થાય તો આ લડત હું મુલતવી રાખું.’

’મુલતવી રાખો એટલે શું ? તમે તો મિ. બોરિંગને કહ્યું છે કે, તમે છૂટા થાઓ એટલે તુરત પાછા પંજાબ જવા માગો છો !’

’હા, મારો ઈરાદો તો વળતી ટ્રેને જ પાછા જવાનો હતો. તે હવે આજ તો ન જ બને.’

’તમે ધીરા રહેશો તો તમને વધારે ખબર પડી રહેશે. તમે જાણો છો કે, અમદાવાદમાં શું ચાલી રહ્યું છે ? અમૃતસરમાં શું છે ? લોકો બધે ગાંડા જેવા થઈ ગયા છે. મને પૂરી ખબર નથી. કેટલીક જગ્યાએ તાર પણ તૂટયા છે. હું તો તમને કહું છું કે, આ બધાં તોફાનની જવાબદારી તમારે શિર છે.’

હું બોલ્યો, ’મારી જવાબદારી જ્યાં હશે ત્યાં હું ઓઢ્યા વિના નહીં રહું. અમદાવાદમાં લોકો કંઈ પણ કરે તો મને આશ્ચર્ય અને દુ:ખ થાય. અમૃતસરનું હું કંઈ ન જાણું. ત્યાં તો હું કદી ગયો જ નથી, મને કોઈ જાણતુંયે નથી. પણ હું એટલું જાણું છું કે, પંજાબની સરકારે મને ત્યાં જતો ન રોક્યો હોત તો હું શાંતિ જાળવવામાં મોટો હિસ્સો લઈ શકત. મને રોકીને તો સરકારે લોકોને છંછેડ્યા છે.’

આમ અમારી વાતો ચાલી. અમારા મતનો મેળ મળે તેમ નહોતું. ચોપાટી ઉપર સભા ભરવાનો ને લોકોને શાંતિ જાળવવાનું સમજાવવાનો મારો ઈરાદો જાહેર કરી હું છુટો પડ્યો.

ચોપાટી ઉપર સભા ભરાઈ. મેં માણસોને શાંતિ વિષે ને સત્યાગ્રહની મર્યાદા વિષે સમજ પાડી ને જણાવ્યું, ’સત્યાગ્રહ ખરાનો ખેલ છે. જો લોકો શાંતિ ન જાળવે તો મારાથી સત્યાગ્રહની લડત કદી ન લડી શકાય.’

અમદાવાદથી શ્રી અનસૂયાબહેનને પણ ખબર મળી ચૂકી હતી કે ત્યાં હુલ્લડ થયું છે. કોઈએ અફવા ઉડાવી હતી કે તેઓ પણ પકડાયાં હતાં, તેથી મજૂરો ઘેલા બની ગયા હતા, તેમણે હડતાળ પાડેલી ને તોફાન પણ કર્યા હતાં, અને એક સિપાઈનું ખૂન પણ થયું હતું.

હું અમદાવાદ ગયો. મને ખબર થઈ કે, નડિયાદની પાસે રેલના પાટા ઉખેડી કાઢવાનો પ્રયત્ન પણ થયો હતો. વીરમગામમાં એક સરકારી નોકરનું ખુન થયું હતું. અમદાવાદ પહોંચ્યો તો માર્શલ લો ચાલ્તો હતો. લોકોમાં ત્રાસ વર્તી રહ્યો હતો. લોકોએ કર્યુ તેવું ભર્યુ ને તેનું વ્યાજ પણ મેળવ્યું.

સ્ટેશન ઉપર મને કમિશનર મિ. પ્રેટની પાસે લઈ જવાને માણસ હાજર હતો. હું તેમની પાસે ગયો. તેઓ ખૂબ ગુસ્સામાં હતા. મેં શાંતિથી તેમને ઉત્તર આપ્યો. થયેલાં ખૂનને સારુ મારી દિલગીરી જાહેર કરી. માર્શલ લોની અનાવશ્યકતા પણ સૂચવી ને શાંતિ પાછી ફેલાય તેને સારુ જે ઉપાયો લેવા ઘટે તે લેવાની મારી તૈયારી જણાવી. મેં જાહેર સભા ભરવાની માંગણી કરી. તે સભા આશ્રમની જમીન ઉપર ભરવાની મારી ઈચ્છા પ્રગટ કરી. આ તેમને ગમી. મને યાદ છે તે પ્રમાણે, મેં ૧૩મી ને રવિવારે સભા ભરી. માર્શલ લો પણ તે જ દિવસે કે બીજે દિવસે રદ થયો. આ સભામાં મેં લોકોને પોતાના દોષનું દર્શન કરાવવા પ્રયત્ન કર્યો. મેં ત્રણ દિવસના ઉપવાસ પ્રાયશ્ચૈત્તરૂપે કર્યા, ને લોકોને એક દિવસનો ઉપવાસ કરવાની સલાહ આપી. જેમણે ખૂન વગેરેમાં ભાગ લીધો હોય તેમને પોતાના ગુના કબૂલ કરવાની સૂચના કરી.

મારો ધર્મ મેં સ્પષ્ટ જોયો. જે મજૂરો વગેરેની વચ્ચે મેં આટલો સમય ગાળ્યો હતો, જેમની મેં સેવા કરી હતી અને જેમને વિષે હું સારાની આશા રાખતો હતો, તેમણે હુલ્લડમાં ભાગ લીધો એ મને અસહ્ય લાગ્યું, ને એમના દોષમાં મને મેં ભાગીદાર ગણ્યો.

જેમ લોકોને પોતાના ગુના ક્બૂલ કરવાનું સૂચવ્યું તેમ સરકારને ગુના માફ કરવાનું પણ સૂચવ્યું. મારી વાત બેમાંથી એકેયે ન સાંભળી, ન લોકોએ ગુના કબૂલ કર્યા, ન સરકારે માફ કર્યા.

સ્વ. રમણભાઈ વગેરે શહેરીઓ મારી પાસે આવ્યા ને સત્યાગ્રહ મુલતવી રાખવા મને વીનવ્યો. મને વીનવવાપણું રહ્યું નહોતું. જયાં લગી શાંતિનો પાઠ લોકો ન શીખી લે ત્યાં સુધી સત્યાગ્રહ મુલતવી રાખવાનો નિશ્ચય મેં કરી જ લીધો હતો. આથી તેઓ રાજી થયા.

કેટલાક મિત્રો નારાજ પણ થયા. તેમને લાગ્યું કે, જો હું બધેય શાંતિની આશા રાખું ને એ સત્યાગ્રહની શરત હોય, તો મોટા પાયા ઉપર સત્યાગ્રહ કદી ચાલી જ ન શકે. મેં મારો મતભેદ જણાવ્યો. જે લોકોમાં કામ કર્યુ હોય, જેમની મારફતે સત્યાગ્રહ કરવાની આશા રખાતી હોય, તેઓ જો શાંતિ ન જાળવે તો જરૂર સત્યાગ્રહ ન જ ચાલે. આટલી મર્યાદિત શાંતિ જાળવવાની શક્તિ સત્યાગ્રહી નેતાઓએ મેળવવી જોઈએ એવી મારી દલીલ હતી. આ વિચારોને આજે પણ ફેરવી નથી શક્યો.


0 comments


Leave comment