33 - ‘પહાડ જેવડી ભૂલ’ / મોહનદાસ કરમચંદ ગાંધી


અમદાવાદની સભા પછી તરત હું નડિયાદ ગયો. ’પહાડ જેવડી ભૂલ’ નામે શબ્દપ્રયોગ જે પ્રસિધ્ધિ પામ્યો છે તે મેં પહેલો નડિયાદમાં કર્યો. અમદાવાદમાં જ મને મારી ભૂલ જણાવા લાગી હતી. પણ નડિયાદમાં ત્યાંની સ્થિતિનો વિચાર કરતાં, ખેડા જિલ્લાના ઘણાય માણસોને પકડાયેલાં સાંભળતાં, જે સભામાં હું થયેલા બનાવો ઉપર ભાષણ કરી રહ્યો હતો, ત્યાં મને એકાએક થઈ આવ્યું કે, ખેડા જિલ્લાના અને એવા બીજા લોકોને કાયદાનો સવિનય ભંગ કરવા નોતરવામાં મેં ઉતાવળ કરવાની ભૂલ કરી હતી, અને તે મને પહાડ જેવડી જણાઈ.

આવી કબૂલાત મેં કરી તેથી મારી હાંસી સારી પેઠે થઈ. છતાં એ સ્વીકાર કરવાને સારુ મને પશ્ચાત્તાપ કદી નથી થયો. મેં હમેશાં એમ માન્યું છે કે, બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઇએ ને પોતાના રાઈ જેવડા લાગતા દોષોને પહાડ જેવડા જોતાં શીખીએ, ત્યારે જ આપણને પોતાના ને પારકા દોષોનું ઠીક પ્રમાણ મળી રહે. મેં એમ પણ માન્યું છે કે, આ સામાન્ય નિયમનું પાલન સત્યાગ્રહી થવા ઈચ્છનારે તો ઘણી વધારે સૂક્ષ્મતાથી કરવું જોઈએ.

તે પહાડ જેવી લાગતી ભૂલ શી હતી તે જોઈએ. કાયદાનો સવિનય ભંગ તે જ માણસોથી થઈ શકે જેમણે કાયદાને વિનયપૂર્વક સ્વેચ્છાએ માન આપ્યું હોય. ઘણે ભાગે આપણે કાયદાના ભંગને સારુ થતી સજાના ડરને લીધે તેનું પાલન કરીએ છીએ. વળી આ વાત, જેમાં નીતિઅનીતિનો પ્રશ્ન નથી હોતો તેવા કાયદાને વિશેષે લાગુ પડે છે. કાયદો હો કે ન હો, પણ સારા ગણાતા માણસ એકાએક ચોરી નહીં કરે; છતાં રાત પડ્યે બાઈસિકલ ઉપર બત્તી સળગાવવાના નિયમમાંથી છટકી જતાં સારા માણસને પણ ક્ષોભ નહીં થાય. અને આવા નિયમ પાળવાની સલાહ માત્ર કોઈ આપે તો તેનું પાલન કરવા સારા માણસ પણ ઝટ તૈયાર નહીં થાય. પણ જ્યારે તેને કાયદામાં સ્થાન મળે છે, ને તેના ભંગને સારુ દંડ થવાનો ભય લાગે છે, ત્યારે દંડ આપવાની અગવડમાંથી બચવાને સારુયે તેઓ રાત પડ્યે બાઈસિકલ ઉપર બત્તી સળગાવશે. નિયમના આવા પાલનને સ્વેચ્છાએ કરેલું પાલન ન ગણી શકાય.

પણ સત્યાગ્રહી તો સમાજના જે કાયદાને માન આપશે તે માન સમજપૂર્વક, સ્વેચ્છાએ, માન આપવાનો ધર્મ જાણી આપશે. આમ જેણે સમાજના નિયમોનું ઈરાદાપૂર્વક પાલન કર્યુ છે, તેને જ સમાજના નિયનોની નીતિઅનીતિનો ભેદ કરવાની શક્તિ આવે છે, ને તેને મર્યાદિત સંજોગોમાં અમુક નિયમોનો ભંગ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવો અધિકાર લોકોએ પ્રાપ્ત કર્યા પહેલાં તેમને મેં સવિનય ભંગ કરવા નોતર્યા, એ મારી ભૂલ મને પહાડ જેવડી લાગી. અને ખેડા જિલ્લામાં પ્રવેશ કરતાં મને ખેડાની લડતનું સ્મરણ થયું ને મને લાગી આવ્યું : હું ભીંત ભૂલ્યો. મને લાગ્યું કે, લોકો સવિનય ભંગ કરવાને લાયક બને તે પહેલાં તેના ઊંડા રહસ્ય વિષે તેમને જ્ઞાન થવું જોઈએ. જેમણે કાયદાઓને રોજ મનથી તોડ્યા હોય, જેઓ છૂપી રીતે ઘણીયે વાર કાયદાનો ભંગ કરતા હોય, તેઓ એકાએક સવિનય ભંગને કેમ ઓળખી શકે ? તેની મર્યાદા કેમ જાળવી શકે ?

મજકૂર આદર્શ સ્થિતિને હજારો કે લાખો કે લાખો લોકો ન પહોંચી શકે એ તો સહેજે સમજાય. પણ જો એમ હોય તો સવિનય ભંગ કરાવતા પહેલાં લોકોને સમજૂતી આપનારા અને તેમને પ્રતિક્ષણ દોરનારા શુધ્ધ સ્વયંસેવકોનું દળ પેદા થવું જોઈએ, ને આવા દળને સવિનય ભંગની ને તેની મર્યાદાની સમજ પૂરેપૂરી પડેલી હોવી જોઈએ.

આવા વિચારો ભર્યો હું મુંબઈ પહોંચ્યો ને સત્યાગ્રહ સભા મારફતે સત્યાગ્રહી સ્વયંસેવકોનું દળ ઊભું કર્યુ. તેની મારફતે લોકોમાં સવિનય ભંગની સમજ આપવાની તાલીમનો આરંભ કર્યો, ને સમજ આપનારી પત્રિકાઓ કાઢી.

આ કામ ચાલ્યું તો ખરું, પણ મેં જોયું કે તેમાં હું બહુ રસ પેદા ન કરી શક્યો. સ્વયંસેવકોનો દરોડો ન પડ્યો. જે ભરતીમાં આવ્યા તેમણે બધાએ નિયમિત તાલીમ લીધી એમ ન કહી શકાય. ભરતીમાં નામ નોંધાવનાર પણ, દિવસો જવા માંડ્યા તેમ, દ્દઢ બનવાને બદલે ખરવા માંડ્યા. હું સમજ્યો કે સવિનય ભંગનું ગાડું ધાર્યા કરતાં ધીમું ચાલશે.


0 comments


Leave comment