43 - નાગપુરમાં / મોહનદાસ કરમચંદ ગાંધી


મહાસભાની ખાસ બેઠકમાં થયેલ અસહકારના ઠરાવને નાગપુરમાં ભરાયેલી વાર્ષિક બેઠકે બહાલ રાખવાનો હતો. જેમ કલકત્તામાં તેમ નાગપુરમાં અસંખ્ય માણસો એકઠા થયા હતા. હજુ પ્રતિનિધિઓની સંખ્યા અંકાઈ નહોતી, એટલે મને યાદ છે તે પ્રમાણે ચૌદ હજાર પ્રતિનિધિઓ હાજર થયા હતા. લાલાજીના આગ્રહથી વિદ્યાલયો વિશેના ઠરાવમાં એક નાનો ફેરફાર મેં કબૂલ રાખ્યો. દેશબંધુએ પણ કંઈક ફેરફાર કરાવ્યો હતો. અને છેવટે શાંતિમય અસહકારનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો.

આ જ બેઠકમાં મહાસભાના બંધારણનો ઠરાવ પસાર કરવાનો હતો. એ બંધારણ મેં ખાસ બેઠકમાં રજૂ તો કર્યું જ હતું. તેથી તે પ્રગટ થઈ ચર્ચાઈ ગયું હતું. શ્રી વિજયરાઘવાચાર્ય આ બેઠકના પ્રમુખ હતા. બંધારણમાં વિષયવિચારિણી સભાએ એક જ મહત્ત્વનો ફેરફાર કર્યો. મેં તો પ્રતિનિધિઓની સંખ્યા ૧,૫૦૦ કલ્પી હતી, તેને બદલે વિષયવિચારિણી સભાએ ૬,૦૦૦ કરી. મારી માન્યતા પ્રમાણે આ વગરવિચાર્યું પગલું હતું. આટલાં વર્ષના અનુભવે પણ મને એ જ લાગે છે. ઘણા પ્રતિનિધિઓથી વધારે સારું કાર્ય થાય અથવા પ્રજાતત્ત્વ વધારે સચવાય એ કલ્પના હું છેક ભૂલભરેલી માનું છું. પંદરસો પ્રતિનિધિઓ જો ઉદાર મનના, પ્રજાહકરક્ષક ને પ્રામાણિક હોય તો છ હજાર આપખુદ પ્રતિનિધિઓ કરતાં પ્રજાતત્ત્વની વધારે સારી રક્ષા કરે. પ્રજાતત્ત્વ સાચવવાને સારુ પ્રજામાં સ્વતંત્રતાની, સ્વમાનની અને ઐક્યની ભાવના અને સારા ને સાચા જ પ્રતિનિધિઓને પસંદ કરવાનો આગ્રહ હોવો જોઈએ. પણ સંખ્યા ઉપર મોહિત થયેલી વિષયવિચારિણી સભાને તો છ હજારથી પણ વધારે પ્રતિનિધિઓ જોઈતા હતા. એટલે છ હજારથી માંડ પત્યું.

મહાસભામાં સ્વરાજના ધ્યેય ઉપર ચર્ચા થઈ હતી. બંધારણની કલમમાં સામ્રાજ્યમાં અથવા તેની બહાર જેમ મળે તેમ સ્વરાજ મેળવવાનું હતું. સામ્રાજ્યમાં રહીને જ સ્વરાજ મેળવવું એવો પક્ષ પણ મહાસભામાં હતો. તે પક્ષનું સમર્થન પંડિત માલવીયાજી તથા મિ. ઝીણાએ કર્યું, પણ તેમને ઘણા મત ન મળી શક્યા. શાંતિ ને સત્યરૂપ સાધનો દ્વારા જ સ્વરાજ મેળવવું એ બંધારણની કલમ હતી. તે શરતનો પણ વિરોધ થયો હતો. મહાસભાએ તેનો અસ્વીકાર કર્યો ને આખું બંધારણ મહાસભામાં સુંદર ચર્ચા થયા પછી પસાર થયું. મારો અભિપ્રય છે કે આ બંધારણનો અમલ પ્રામાણિકપણે ને હોંશથી લોકોએ કર્યો હોત તો તેથી પ્રજા ભારે કેળવણી પામત ને તેના અમલમાં સ્વરાજ મળવાપણું હતું પણ એ વિષય અહીં પ્રસ્તુત નથી.

આ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડ્યો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.


0 comments


Leave comment