24 - સંકેલી લેશું ચોપાટને / વિનોદ જોશી


હવે સમજ્યાં આ સોગઠાં ની જાતને,
સખી ! અમે સંકેલી લેશું ચોપાટને...

કેટલીયે રાત કરી કાળી
ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં,
માંડેલા દાવ અમે માંડ્યા’તા માંડ,
પછી પગડે બેઠાં ને તોય રોયાં;

હવે પડતી મેલીશું પંચાતને,
સખી ! અમે સંકેલી લેશું ચોપાટને...

આંસુ હાર્યા ને પછી હાર્યા અણસાર
એક કળતર જીતાઈ ગયું કાળું,
આંખો તો સૂનમૂન સપનાની ઓરડી
ને ઉપર ઉજાગરાનું તાળું;

હવે જીરવશું જીવતરની ઘાતને,
સખી ! અમે સંકેલી લેશું ચોપાટને....


0 comments


Leave comment