90 - ભીંત પડી કે ભળકડું / વિનોદ જોશી


ભીંત પડી કે ભળકડું ચોગરદમ સૂનકાર,
રજવાડી ચકચાર ખૂણેખૂણા આથડે.

સપનાં તો સપનાં અરે ! છાનીછપની જાત,
ખેંચી લીધી રાત તો આંખ્યું પાછળ આથમ્યાં.

ઝાંખો દીવો ઝગમગે ઓસરતાં દીવેલ,
અંધારું આંજેલ જાગે ગરવો ગોખલો.

ઝાકળબાકળ ઝાટકી હળવે લૂછી ડિલ,
ખિસકોલી ખિલખિલ ડોકું કાઢે ડાળમાં.

ટહુકાને ટેકો દઈ બેઠી નમણી ઢેલ,
અજવાળાની હેલ્ય પાદર લાવ્યું ડેલીએ.

કાચી દાંડી કમળની ઉપર કૂણાં પાન,
વિખરાતાં વેરાન, કૂંપળ ફૂટી કાળજે !


0 comments


Leave comment