43 - ભીની ભીની લ્હેરખી / વિનોદ જોશી


ભીની ભીની લ્હેરખી ચૂમે
વરિયાળીનો છોડવો લૂમે ને ઝૂમે
ભીની ભીની લ્હેરખી ચૂમે...

ઝુમખું ઝીણું એ...ય હવામાં ઝૂલતું જાય...ઝૂલતું જાય,
કૂણું કૂણું કાળજામાં કંઈ ખૂલતું જાય... ખુલતું જાય;

સોંસરવાં સોણલાં ખૂંપે
ભોળીભોળી વાત કોઈ લીંપે ને ગૂંપે
સોંસરવાં સોણલાં ખૂંપે...

કાળજું એના અણસારાને ભૂલતું જાય... ભૂલતું જાય
હાલકડોલક પરવાળામાં ડૂલતું જાય... ડૂલતું જાય;

રઘવાયા વાયરા ઝળૂંબે
લીલા લીલા કોડ કોઈ ઢાંકે ને ઢુંબે
રઘવાયા વાયરા ઝળૂંબે...


0 comments


Leave comment