37 - કાગળ તો શેં લખીએ / વિનોદ જોશી


કાગળ તો શેં લખીએ વાલામૂઈ !
કે વેરણ રહી કઈ પાદર વચાળ થાપ્પાં
છાણાં પર આંગળિયું...

અમે નકટાં તે થઈ હરખપદુડા
મેળા વચમાં ગયાં ગયાં તે ગયાં,
અમે અમોથી થઈ વેગળાં
અમે વગરનાં થયાં થયાં તે થયાં;

લગરીક આંખ્યું આંજી વાલામૂઈ !
કે ત્યાં તો ઝળહળ રાતી પાઘલડીને
છોગે કાજળ ભળિયું...

બેઉ ટોડલે વળગાડેલા મોર –
બનીને ઉંબર, પાની ચૂમે,
ગાર્ય મહીં આફૂડાં પગલાં
ઢેલ તણાં, મેંદીના લયમાં ઝૂમે;

ઉઘાડ લે, ઝટ ખડકી વાલામૂઈ !
કે પગમાં ઝાંઝર પહેરી સામે પાદર
જવા કરે છે ફળિયું...


0 comments


Leave comment