74 - હવા / વિનોદ જોશી


રુમકઝુમક ઉન્માદી બિલોરી હવા આ
હળુહળુ ડગ માંડી આવતી આભ લિસ્સી
ફર્શ કચકડાની હોય એવું, અદાથી
લચક છલકતું કો રૂપ ચાલ્યું આવે.

કમળ સળવળ્યું ત્યાં એક, કાસારમધ્યે
ઇજન લઈ તરંગોમાં સડેડાટ દોડ્યાં
સુરભિત શમણાં સૌંદર્યની છાલકોથી
લથપથ જળ ભીંજાતી હવા રોમેરોમે.

ઝિલમિલ સરકી જાતી ઝીણી ઓઢણી ને
થનક લય જગાવે ઘૂંઘરની રવાની.
પલભર અટકી આભંગ ઝૂકી હવા, ને
મદભર પદતાલે નર્તતી એમ ચાલી.

સરર સરકતાં ત્યાં ફર્શ પે રુન્ઝુનાટો,
સકળ કમળ ખૂલી જાય શાં ગુન્ગુનાટો !


0 comments


Leave comment