39 - બાળવધૂ / વિનોદ જોશી


કાચી માટીની કાચી કુલડી રે
હું તો નીંભાડે પૂગીબૂગી નંઈ,
પ્હેલાંવ્હેલાં તે આંધણ ઊકળ્યાં ને
હું તો ચૂલે ચડીને ફૂટી ગઈ...

ઘેરી લપકારા લેતા લાકડે રે
ભેળો છાણાં નો ભડકો ભારોભાર,
નાની વહુવારુ જેવી વેગળી રે
વેરણ ઝાળે શેકાણી બારોબાર...

ધગધગતો ધૂણો ભરે બચકા રે
મુંને કવળા ટાણાંની વાગી ઠેશ,
ક્યાંથી ઊગાડું તુલસી આંગણે ને
ક્યાંથી સીંચું સમજણનો સૂક્કો દેશ...

ઇંઢોણી જેવો મારે આશરો ને
મારે ઝળહળ બુઝારા જેવો સંગ,
શમણાં સેવીને છાંટ્યો ચાકડો રે
મારે કરમે લખાયો કાળો રંગ...

કટકા કીધા મે આખા પંડ્યના ને
ઉપર ચોળી જીવતરની ઝેરી રાખ,
જોબંનીયું જોયાં પ્હેલાં જુગટામાં
કોણે મેલી દીધી રે મારી આંખ...


0 comments


Leave comment